તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મહેસૂલી રેકોર્ડમાં ૭ અને ૧૨ના ઉતારા અલગ કરાયા

8 વર્ષ પહેલા
No ad for you
૭૫ વર્ષ બાદ પ્રથમ વખત થયેલા ફેરફારનો વડોદરામાં અમલ ગામ નમૂના નંબર ૭માં હવે માલિકીની વિગતો સાથે જમીનનો નકશો પણ મળશે ગામ નમૂના નંબર ૧૨માં હવે ખેતીના પાક અને સાધનો સાથે માલિકના નામો પણ આવશે સંજય શાહ . વડોદરા જમીન મહેસૂલના ઉતારામાં મુખ્ય ગણાતા ૭-૧૨ના ઉતારાને હવે અલગ અલગ કરવામાં આવ્યા છે. મહેસૂલી રેકોર્ડના આરંભ બાદ અંદાજે ૭૫ વર્ષ કરતા પણ વધુ સમય બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ૭ અને ૧૨નો ઉતારો અલગ કરવા સાથે હવે ગામ નમૂના નંબર ૭માં હવે માલિકી હક્ક સાથે જમીનના નકશા પણ આપવામાં આવશે. કોઈ પણ જમીનના ઈતિહાસની સંપૂર્ણ વિગતો ગામ નમૂના નંબર ૭-૧૨ના ઉતારા તથા ગામ નમૂના નંબર ૬ હક્કપત્રકમાં સમાયેલી હોય છે. મહેસૂલી રેકોર્ડ માટે અત્યંત મહત્વના એવા આ ઉતારાને અધ્યત્તન બનાવવા સાથે તેની સાથે કોઈ ચેડાં શક્ય ન બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે તેમાં સુધારા કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત અગાઉ જમીનના મહેસૂલી વિસ્તાર મુજબ તલાટી હસ્તક રહેતા આ તમામ દસ્તાવેજી રેકોર્ડને ત્યાંથી મામલતદારના તાબા હેઠળ લઈ વર્ષ ૨૦૦૪થી કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવ્યા છે. જે બાદ હવે ૧૯૫૧થી ૨૦૦૪ સુધીની તમામ ગામ નમૂના નંબર ૬ હક્કપત્રકની નોંધોને ખાસ સોફ્ટવેરની મદદથી સ્કેનિંગ કરી કમ્પ્યુટરાઈઝડ કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા સાથે હવે જમીનની માલિકી અંગેની વિગતો દર્શાવતા ગામ નમૂના નંબર ૭-૧૨ને અલગ અલગ કરી ગામ નમૂના નંબર ૭ના ઉતારામાં હવે જમીનનો નકશો દર્શાવવામાં આવે તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેર અને જિલ્લાના તમામ ગામોના ૭ અને ૧૨ના ઉતારા હવે અલગ કરી દેવામાં આવ્યાં છે. જમીન મહેસૂલના રેકોર્ડનો આરંભ થયા બાદ અંદાજે ૭૫ વર્ષના લાંબા સમય બાદ પ્રથમ વખત મહેસૂલી રેકોર્ડમાં આ રીતનો ફેરફાર કરવામાં આવ્યો છે. શું છે ગામ નમૂના નંબર ૭નો ઉતારો..? ગામ નમૂના નંબર ૭માં જે તે ગામ કે વિસ્તારની જમીનનો સર્વે નંબર તથા તેનો સત્તા પ્રકાર દર્શાવવામાં આવે છે. જેમાં જમીનના ક્ષેત્રફળ સાથે માલિકી હક્કમાં થનાર કોઈ પણ પ્રકારના ફેરફારની અસર પણ જોવા મળે છે. આ ફેરફારની નોંધ નંબર ગામ નમૂના ૭માં જોવા મળે છે. જ્યારે માલિકી હક્ક સાથે ગણોતિયાની વિગતો તથા અન્ય સરકારી આદેશ કે અન્ય ફેરફારની અસર બીજા હક્કમાં જોવા મળે છે. શું છે ગામ નમૂના નંબર ૧૨નો ઉતારો..? અગાઉ ગામ નમૂના નંબર ૭ના નીચેના ભાગમાં આવતા ગામ નમૂના નંબર ૧૨માં પાણી પત્રક એટલેકે દરેક વર્ષે કરવામાં આવતી ખેતી અને તેના પાકની વિગતો દર્શાવવામાં આવતી હતી. પરંતું હવે નવી વ્યવસ્થામાં ગામ નમૂના નંબર ૧૨ને અલગ કરવામાં આવતા જમીનનો નંબર, માલિકીનો ખાતા નંબર, ક્ષેત્રફળ, કબ્જેદારોના નામ તથા ખેતીમાં કરવામાં આવેલ પાકની વિગત તથા પાકનું ક્ષેત્રફળ પણ દર્શાવવામાં આવે છે. GPS સિસ્ટમથી તમામ જમીનનો રિ-સર્વે કરાશે હાલ જમીનના નકશા અંગ્રેજ શાસનકાળ દરમ્યાન તૈયાર કરવામાં આવ્યા હતાં. સરકારે તમામ જમીનનો રિ સર્વે કરાવવાનો નિર્ણય કર્યો છે. જે માટે જીપીએસ સિસ્ટમ આધારે રિ-સર્વે કરી તેના દ્વારા તૈયાર થનાર નવા નકશા ગામ નમુના નંબર ૭માં જોડવામાં આવશે. નાગરિકોએ હવે રૂ. ૫નો વધારાનો ચાંલ્લો કરવો પડશે ૭ અને ૧૨ના ઉતારા એક સાથે આપવામાં આવતા હોય અત્યાર સુધી આ નકલ માત્ર રૂ. ૫માં આપવામાં આવતી હતી. પરંતુ હવે બંન્ને ઉતારા અલગ અલગ કરવામાં આવતાં તે માટે રૂ. ૫ અલગ ચૂકવવા પડશે. શહેર અને જિલ્લામાં હજારો નાગરિકોને રૂ. ૫નો ચાલ્લો કરવો પડશે. રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર બહાર પડાયું શહેર અને જિલ્લાની તમામ જમીનનો રિ સર્વે કરવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જે કામગીરી જીપીએસ પદ્ધતિથી કરવાની હોય રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. - વિનોદ રાવ, કલેક્ટર
No ad for you

Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved

This website follows the DNPA Code of Ethics.