વડોદરા: પાદરા તાલુકાના અભોર ગામના અપરિણીત યુવાન અને પરિણીત પ્રેમી-પંખીડાએ મુજપુર બ્રિજ નીચે ઝાડની ડાળી ઉપર દુપટ્ટાથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી છે. પ્રેમી-પંખીડાએ આપઘાત કેમ કર્યો તે રહસ્ય હજી અકબંધ છે. પરંતુ કહેવાય છે કે, સમાજ તેઓના પ્રેમનો સ્વિકાર કરશે નહીં. માટે તેઓએ આ પગલું ભર્યુ છે.
વડોદરા નજીક મુજપુર બ્રિજ નીચે પ્રેમી-પંખીડાએ કર્યો આપઘાત
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના પાદરા તુલાકના અભોર ગામના રહેવાસી અપરિણીત મંગળ ચંદુભાઇ માળી અને પરિણીતા સીતાબહેન કેશવભાઇ માળી છેલ્લા કેટલાક સમયથી એકબીજાના પ્રેમમાં હતા. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ સમાજ તેઓના લગ્નનો સ્વીકાર કરશે નહીં. તેવો ડર તેઓને સતાવતો હતો. સ્થાનિક લોકોમાંથી જાણવા મળ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી મંગળ માળી અને સીતા માળીનો પ્રેમ ગામમાં પણ ચર્ચાના વિષય બન્યો હતો. પરંતુ, પ્રેમમાં ગળાડૂબ મંગળ અને સીતા કોઇની પરવા કર્યા વીના પોતાના પ્રેમમાં મશગુલ રહેતા હતા.
દરમિયાન આજે મંગળ માળી અને સીતા માળીએ પાદરા તાલુકાના મુજપુર બ્રિજ નીચે ઝાડ સાથે દુપટ્ટાથી ફાંસો ખાઇ લીધો હતો. આ બનાવની જાણ મુજપુર ગામના લોકોને થતાં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. આ સાથે આ બનાવની જાણ અભરા ગામમાં થતાં પ્રેમી-પંખીડાના પરિવારજનો સહિત ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ બનાવની જાણ પાદરા પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને બંનેના મૃતદેહોનો કબજો લઇ પાદરા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અભરા ગામના અપરિણીત મંગળ માળી અને પરિણીત સીતા માળીએ કયા કારણોસર આપઘાત કરી લીધો. તે અંગેની ચોક્કસ માહિતી બહાર આવી નથી. પાદરા પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.