Loading...

25 ગામોના ખેડૂતોએ દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે જમીન સંપાદનનો વિરોધ કર્યો

‘દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે’માં ખેડૂતોની જમીન જતા ભાજપના સાંસદનો હુંકાર, કહ્યું- હું ખેડૂતોની સાથે છું : સાંસદ પ્રભાતસિંહ

Divyabhaskar.com | Updated -Sep 05, 2018, 01:03 PM

ગોધરા: દિલ્લી- મુંબઇ એક્સપ્રેસ હાઇવેની કામગીરીને લઇ એજન્સી દ્વારા ગોધરા તાલુકાના 25 ગામ અને મોરવા(હ)ના 3 ગામમાંથી પસાર થવાનો છે. અસરગ્રસ્ત ગામના ખેડુતોએ રેલી કાઢીને રાજયપાલને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.રાજકીય લાભ ખાટવા ખેડૂતોની વહારે જિલ્લા કોગ્રેસ આવતા બાજી સંભાળતા સમગ્ર મામલામાં સાંસદ પણ કુદી પડીને ખેડુતોની સાથે હોવાનો હુંકાર કર્યો હતો. 


પંચમહાલ જિલ્લામાંથી કાલોલ તાલુકા , ગોધરા તાલુકા અને મોરવા(હ) તાલુકામાં દિલ્લી- મુંબઇ ઇન્ડસ્ટ્રીઝ કોરીડોર એકસપ્રેસ હાઇવે પસાર થાય છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા સમાચાર પત્રમાં જાહેરાત આપતાં ગોધરા અને મોરવા(હ) તાલુકાના ખેડૂતોને તેમની જમીન હાઇવેમાં જતી રહેવાની ખબર પડતાં અરસગ્રસ્ત ખેડૂતોએ મંગળવારે રેલી કાઢીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગોધરા તાલુકાના 25 ગામોમાંથી ખેડૂતોની જમીનના સર્વે નંબર માંથી એક્સપ્રેસવે પસાર થાય છે. 


આ સર્વેની જમીનમાં આવેલ કુવા, બોર, વૃક્ષો તથા મકાનો આ હાઇવેના કારણે જતાં રહેશે. ખેડુતોના ગુજરાનનું માધ્યમ ફક્ત ખેતી છે,જો જમીન વિહોણા થઇ જઇશું તો ખેડૂતોના કુંટુંબ બરબાદ થઇ જશે. અરસગ્રસ્ત ખેડૂતોની પાસે અન્ય કોઇ જમીન ન હોવા અને રોજીરોટી નો કોઇ આધાર રહેશે નહિ.ખેડૂતોને પગભર કરવાના બદલે મનસ્વી રીતે જમીન છીનવી રહ્યા છે. 


નવા જમીન સંપાદન મુજબ જંત્રીના ચાર ગણા વળતર ચુકાશે
25 ગામોની આશરે 1500 એકર જમીન એક્સપ્રેસ બનાવવામાં જશે 
હાઇવેની કામગીરી મુલતવી રાખવાની અસરગ્રસ્ત ખેડૂતની માંગ 
હાલની સંપાદન કરવાની જમીનની બજાર કિંમત 2 લાખથી 10 લાખ 


જેથી અરસગ્રસ્ત ખેડુતોએ માંગ કરી હતી કે તાત્કાલીક ધોરણે આ રોડ મંજુર ન થવો જોઇએ અને જો રદ ન થાયતો અમારી પાસે કોઇ જ આધાર ન હોવાથી અમોને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. તેમજ ખેડૂતો ઉપર સરકારના ઇશારે દમનગીરી કે દબાણ કરવામાં આવશે તો કંઇક અજુગતું બનશે તો તેની સઘડી જવાબદારી રાજય સરકારની રહેશે. તેમ રાજયપાલને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી. 


18 જેટલી વાંધા અરજીઓ આવી 
હાઇવેના માટે જમીન સંપાદનના અરસગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું કે કંપની કે સરકારે કોઇ નોટીસ આપ્યા વગર સંપાદનની પ્રકીયા શરૂ કરી દીધી છે. હવે અરસગ્રસ્ત ખેડૂતો 16 સપ્ટેબર સુધી વાંધા અરજી કરશે. બને બાદમાં કોઇ નિર્ણય નહિ લેવાય તો ઉગ્ર આદોલન કરાશે.આ રસ્તા માટે પંચમહાલ જિલ્લામાંથી અત્યાર સુધી 18 વાંધા અરજીઓ સંપાદન કચેરીએ આવી હોવાનું જાણવા મળ્યું છે.મોટા ભાગની વાંધા અરજીઓમાં જમીનના બદલામાં જમીનની માંગણી કરી છે. 


અમે નિરાધર બનીશું 
રસ્તા બનાવવા અમારા ઘર અને કુવાઓ સાથે જમીન પણ જતી રહેશે તો અમે નિરાધર બની જઇશું.અમારી પાસે ખેતી સિવાય અન્ય કોઇ આવકનું સાધન ન હોવાથી સરકારે આ રસ્તાનો પ્રોજેકટ બંધ કરી દેવો જોઇએ.રામસિંહ બારીયા, ખેડૂત 


સરકારે ફેરવિચારણા કરવી જોઇએ 
ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઇએ. જો તેઓની જમીન જતી રહેતી હોય તો સરકાર પાસે વધુ વળતર મેળવવા વાંધા અરજી કરવી જોઇએ અને સરકારે ફેરવિચારણા કરવી જોઇએ. હુ઼ ખેડૂતોની સાથે છું.પ્રભાતસિંહ ચૌહાણ, સાંસદ પંચમહાલ 


પંચમહાલમાં 61 કિમીનો હાઇવે બનશે 
કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીઝ કોરીડોર 6 લેન એક્સપ્રેસ હાઇવે પંચમહાલ જિલ્લાના ગોધરા, મોરવા(હ) અને કાલોલ તાલુકામાંથી પસાર થશે. ત્રણ તાલુકામાં થઇને એક્સપ્રેસ હાઇવે અંદાજીત 61.702 કીમીનો બનશે અંદાજીત 600 કરોડ જેટલો ખર્ચ કરાશે તેવુ઼ જાણવા મળી રહ્યું છે. દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે ગુજરાતના ત્રણ જિ્લલામાંથી પસાર થવાનો છે. હાલ મુંબઇ દિલ્લી વચ્ચે 1450કી.મી જેટલું અંતર કાપતાં 24 કલાક લાગે છે. પણ એક્સપ્રેસ હાઇવે બની જશે તો તે ઘટીને 12 કલાક થઇ જશે. 

 

સરકારે હાઇવેના સંપાદન માટે 6000 કરોડનું બજેટ નક્કી કર્યુ઼ છે. ત્યારે એક્સપ્રેસ હાઇવે પંચમહાલમાં પસાર થતાં સૌથી નજીક ગોધરા હોવાથી હાઇવે બન્યા બાદ ગોધરાનો વિકાસ થશે તેવું લાગી રહ્યું છે. 61 કી.મી હાઇવે બન્યા બાદ સાવલી તાલુકામાં થઇને ધોળકા હાઇવે સાથે જોડી દેવાશેનું જણાઇ રહ્યું છે. 2021 સુધી હાઇવેની કામગરી પુર્ણ કર્યા બાદ ઔધોગીક એકમોને વેગ મળશે. હાઇવે માટે 200 મીટરની જરૂરીયાત સામે હાલ 100 મીટરનો રોડ બનાવાનું શરૂ કરાશે. નવા સંપાદન મુજબ અરસગ્રસ્તોને વળતર ચુકવાશે. પ્રાથમીક કક્ષાની કામગીરી શરૂ કરી જાહેરનામું બહાર પાડયું છે. 


જમીન સંપાદન થશે 
ગોધરા તાલુકાના અંબાલી, એરંડી, ભાટપુરા, ભલાણીયા, ભામૈયા, ભાનપુરા, બોડીદ્રાબુર્ઝગ, છબનપુર, ચંચોપા, દરૂણીયા, ધનોલ, ગોધરા, ગોવીંદી, કણજીયા, કંકુથાંભલા, કેવડીયા કોટડા, મહેલોલ, નાનીકાંટડી, નસીરપુર, ઓરવાડા, પાંડવા, રૂપનપુરા, વાંસીયા તથા કાલોલ તાલુકાના બલેટીયા, ભાદરોલીબુર્ઝગ, ભાદરોલ, દેલોલ, નવેરીયા, કાનોડ, કનેટીયા, જેલી, પીંગળી, સમા, રતનપુરા તથા મોરવા તાલુકાના ખાબડા, નાટાપુરા, વાડીમાતરીયા ગામના સર્વે નંબરની જમીનની જમીન સંપાદન કરી એકસપ્રેસ હાઇવે પસાર થનાર છે. 

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Farmer Of 25 Villages Of Godhra Protest Against Land Production
(News in Gujarati from Divya Bhaskar)