Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 03:11 AM
મહેમદાવાદમાં રેલવે સ્ટેશન બહારના તથા અન્ય કેટલાક વિસ્તારોમાંથી મંગળવારે દબાણો હટાવવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા મંગળવારે દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરાઇ હતી. લાંબા સમયથી કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલી પાલિકાએ એકાએક કામગીરી હાથ ધરતાં આશ્ચર્ય જન્મ્યું હતું.
મહેમદાવાદમાં રેલવે સ્ટેશન બહારના ભાગમાંથી તથા વિરોલ દરવાજા, વેરાઇ માતા અને જકાત નાકા વિસ્તારોમાં દબાણો ખડકાયા હતા. જ્યાં મંગળવારે પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી લઇને પહોંચી હતી, અને નાના-મોટા દબાણોનો સફાયો કર્યો હતો. જેસીબીથી કેટલાક દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. દબાણો દૂર થતા રસ્તા પહોળા થયા હતા. જેના કારણે ટ્રાફિકમાં અડચણ થશે નહીં. પાલિકાની આ કામગીરીના પગલે લોકોના ટોળા જામ્યા હતા. જોકે, કોઇ અનિચ્છનીય બનાવ નોંધાયો નહોતો. નગરના દરવાજા વિસ્તાર સહિત અન્ય જગ્યાએથી પણ કોઇની શરમ રાખ્યા વિના દબાણો હટાવવાની માંગ ઉઠી હતી.
પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરતાં દબાણકારોમાં ફફડાટ વ્યાપ્યો છે.