દાહોદમાં ફેક્ટરીમાંથી તસ્કરો રોકડ અને સામાન ચોરી ગયાં
News - તસ્કરો ધાબા પરથી નીચે ઉતરી ઓફિસમાં પ્રવેશ્યાં બે લેપટોપ, એલઇડી તેમજ 15 હજાર રોકડ લઇ ગયાં
Divyabhaskar.com | Updated -Sep 11, 2018, 02:21 AM
દાહોદ શહેરના ચાકલિયા રોડ વિસ્તારમાં આવેલી મખરીયા ફેક્ટરીને રાતના સમયે નીશાન બનાવીને તસ્કરો તેની ઓફીસમાંથી લેપટોપ, એલઇડી અને રોકડ મળીને 48 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ ગયા હતાં.
દાહોદ શહેરની બુરહાની સોસાયટીમાં રહેતાં અસગરી ઝેનુદ્દીન મખરીયાની ફેક્ટરી શહેરના ચાકલિયા રોડ વિસ્તારમાં આવેલી છે. રાતના સમયે તસ્કરોએ આ ફેક્ટરીના ધાબા ઉપર ચઢી ગયા હતાં. ધાબા વાટે નીચે ઉતરીને તેમણે ઓફીસમાં ઘુસીને તમામ સામાન વેરવીખેર કરી નાખ્યો હતો. તસ્કરો ઓફીસમાંથી લેનોવો અને એચ.પી કંપનીના 24 હજાર રૂપિયાની કિંમતના બે લેપટોપ સાથે 9 હજાર રૂપિયાનું 32 ઇંચનું એલઇડી તેમજ કાઉન્ટર ટેબલના ગલ્લામાં મુકેલા રોકડા રૂપિયા 15 હજાર તેમજ લોકની ચોરી કરીને ફરાર થઇ ગયા હતાં. અસગરીભાઇએ આ મામલે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરાયેલા મુદ્દામાલની કિંમત 48 હજાર રૂપિયા આંકી તપાસ શરૂ કરી છે.