આણંદ: ઉમરેઠ તાલુકાના યુવકે વડોદરાની 26 વર્ષીય દલિત યુવતીને પટાવી ફોસલાવી તેને ડાકોરની હોટલમાં લગ્નની લાલચ આપી તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની વિડિયો ક્લીપ બનાવી લીધી હતી. વધુમાં જો આ બાબત તે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પરંતુ યુવતી સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ કરી દેશે એ ડરે યુવકે તેની સાથે લગ્નનું તરકટ પણ રચ્યું હતું. જોકે, લગ્ન બાદ યુવકના પરિવારજનોએ તેની સાથે જાતિવાચક શબ્દ બોલી તેને હેરાન-પરેશાન કરી મૂકતાં આખરે યુવતીએ સમગ્ર બનાવ સંદર્ભે ઉમરેઠ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
ઉમરેઠ તાલુકામાં રહેતો મૌલેશ રમણ રાવળ નામનો યુવક ચાર વર્ષ અગાઉ વડોદરાની યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો. પરિચય પ્રેમમાં પરિણમ્યા બાદ અવાર-નવાર યુવક યુવતીને ફરવા માટે લઈ જતો હતો. દરમિયાન, તેણે તેની સાથે લગ્નનું વચન આપી યુવતીની મરજી વિરૂદ્ધ ફરવા લઈ જતા સમયે કારમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘણી વખત યુવતી પોતાની સાથે લગ્ન કરવા માટે યુવકને જણાવતા તે ઘરમાં હાલમાં વાતાવરણ સારૂં નથી તેમ કહી વાત ટાળી દેતો હતો.
અને ઘરમાં વાત કર્યા બાદ તેની સાથે લગ્ન કરશે તેમ કહેતો હતો. તે અવાર-નવાર આ પ્રકારનું આશ્વાસન આપીને ડાકોરની હોટલમાં લઈ જતો અને તેની સાથે મરજી વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય તેમજ દુષ્કર્મ આચરતો હતો. નોંધનીય બાબત તો એ છે કે, સમગ્ર કૃત્યની તેણે વિડિયો ક્લીપ પણ બનાવી લીધી હતી. જોકે, વિડિયો ક્લીપ બનાવ્યા બાદ યુવકે તેને બદનામ કરી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. જેને પગલે સમગ્ર બાબત યુવતીએ યુવકના પરિવારજનોને જણાવી દીધી હતી.
યુવતી પોલીસ ફરિયાદ દેશે તે બીકે આખરે યુવકના પરિવારજનોએ વર્ષ 2018માં તેની સાથે યુવકના લગ્ન કરી દીધા હતા. પરંતુ લગ્નના બીજા જ દિવસથી યુવતીને જાતિવાચક શબ્દ બોલી નાની-નાની વાતમાં મ્હેણાંટોળાં મારી હેરાન-પરેશાન કરી મૂકતાં હતા. જેને પગલે યુવતીએ સમગ્ર બાબતે 181 અભયમ હેલ્પલાઈન પર વાત કરી હતી. હેલ્પલાઈન દ્વારા તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી. જ્યાંથી તેણે પોતાના પરિવારજનોને વાત કરતાં પરિવારજનોએ યુવક મૌલેશ ઉપરાંત તેનો ભાઈ અનીલ, મૌલેશનો મિત્ર અલ્પેશ રાજ સહિત પરિવારજનો વિરૂદ્ધ એટ્રોસીટીના ગુના હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
યુવતીને ગર્ભ કઢાવી નાખવા જેઠે જ ગોળી આપી
વર્ષ 2016માં યુવક મૌલેશ અને યુવતી સાથે લગ્ન પહેલાં અવાર-નવાર શારીરિક સંબંધ બંધાયા હતા. દરમિયાન વર્ષ 2016માં યુવતીએ મૌલેશને પોતે માસિક ન આવી હોવાની ફરિયાદ કરી હતી. જેને પગલે મૌલેશ તેમજ તેનો મોટોભાઈ અનિલ બંને વડોદરા ગયા હતા. જ્યાં તેમણે છાણી જકાત નાકા પાસે યુવતીને બોલાવીને તેને ગર્ભ કાઢી નાંખવા માટે ત્રણ ગોળીઓ આપી હતી.
યુવકે વિડિયો ક્લિપ તેના મિત્રને પણ બતાવી
મૌલેશ રાવળે હોટલમાં યુવતી સાથે માળેલી અંગત પળની ક્લીપ તેના ખાસ મિત્ર અને બુટલેગર અલ્પેશ રાજને પણ બતાવી હતી. જેને પગલે લગ્ન બાદ જ્યારે યુવતી એકલી હતી ત્યારે અલ્પેશ રાજે યુવતીની નજીક જઈ તમે વિડિયો સંદર્ભે કોમેન્ટ પણ આપી હતી. જેને પગલે યુવતી ડઘાઈ ગઈ હતી.