ચૂંટણી પ્રચાર / મોદી સવારે અમરેલીમાં તો રાહુલ બપોરે કેશોદ અને પ્રિયંકા ગુજરાતમાં પ્રચારથી દૂર રહેશે

Divyabhaskar.com Apr 18, 2019, 08:35 AM IST

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી ગુજરાતના એક જ વિસ્તારમાં સભાઓ ગજવશે. મોદી અને રાહુલની પ્રચારસભાના સ્થળની વચ્ચેનું અંતર માંડ સો કિલોમીટર જેટલું જ છે પરંતુ આ ભૌગોલિક અંતર કરતાં ય વધુ બન્ને નેતાઓના ચૂંટણી મુદ્દાઓનું અંતર ખૂબ વધુ રહેશે. સ્વાભાવિક જ વડાપ્રધાન મોદીએ આ વખતે રાષ્ટ્રવાદના મુદ્દાને પ્રાધાન્ય આપીને ભારતીય લોકોની નાડ પારખી સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકના મુદ્દાને પોતાની પ્રચારસભામાં ગજવ્યો છે. 

વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપથી દૂર રહેનારા અમરેલીના મતદાતાઓને હવે મોદી આ જ મુદ્દાથી પ્રભાવિત કરશે. કોંગ્રેસ જે બેઠક જીતવા માટેની ગણતરી રાખે છે તેવા અમરેલીમાં નરેન્દ્ર મોદી સવારે દર વાગ્યે ચૂંટણી સભા સંબોધવાના છે. મોદી માટે ગુજરાત સરકારથી નારાજ એવાં અહીંના પટેલ મતદાતાઓને પોતાની પ્રતિભા અને શબ્દોના જોરે ફરી એકવાર રાજી કરવાનું લક્ષ્ય રહેશે. 

રાહુલગાંધી હજુ મંગળવારે જ આ વિસ્તારમાં ચૂંટણી સભા સંબોધી ગયા છે તેથી મોદીના માથે કોંગ્રેસ અધ્યક્ષના શબ્દોને નિરસ્ત કરવાની મોટી જવાબદારી રહેશે. આ તરફ રાહુલ ગાંધી રોજગારી અને ખેડૂતો જેવા મુદ્દાને લઇને ગ્રામીણ મતદાતાઓને કોંગ્રેસ તરફ વાળવા પ્રયત્નશીલ છે, અને આથી જ રાહુલ અહીં ફરીથી પોતાનું ‘કિસાન કાર્ડ’ ઉતરીને જૂનાગઢના કૃષકોને મોદીની સર્જિકલ સ્ટ્રાઇકના પ્રભાવમાંથી બહાર કાઢવા મથશે. 

આ સભા બાદ તરત જ રાહુલ ગાંધી સાંજે ભૂજમાં પણ એક બીજી ચૂંટણી સભા સંબોધવાના છે. જો કે આ બન્ને નેતાઓ એક જ સમયે ગુજરાતમાં હોય તેવું નહીં બને કારણ કે નરેન્દ્ર મોદી સવારે અમરેલીની સભા પૂર્ણ કરીને બપોર પહેલા જ ગુજરાતથી પરત જશે જ્યારે રાહુલ ગાંધી બપોર બાદ ગુજરાતમાં પ્રવેશ કરશે. પરંતુ એક જ દિવસે બન્ને નેતાઓનું સૌરાષ્ટ્રમાં હોવું એ ખૂબ મોટી અસર ઊભી કરવાની ગણતરી સાથેનું પગલું છે. 

અમરેલીની સાથોસાથ નરેન્દ્ર મોદીની સભામાં ભાવનગર, રાજકોટ અને જૂનાગઢના મતદાતાઓને પણ ભાજપ હાજર રાખશે. અને તેથી જ બપોર બાદ જૂનાગઢ આવનારા રાહુલ ગાંધીની સભામાં સંબંધિત વિસ્તારોના ઘણાં મતદાતાઓ ઉપસ્થિત રહી શકશે નહીં. રાહુલ ગાંધીની વંથલીની સભામાં કોંગ્રેસ જૂનાગઢ અને પોરબંદર લોકસભા, ઉપરાંત માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો માટે પ્રચાર કરશે.

યુપીની જવાબદારીના લીધે પ્રિયંકાનો કાર્યક્રમ બદલાયો 
રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધીને પણ ગુજરાતના પ્રવાસે લાવવાનું આયોજન કર્યુ હતું. પણ,પ્રિયંકા ગાંધી પાસે ઉત્તરપ્રદેશની ચૂંટણીની જવાબદારી ઉપરાંત યુપીમાંથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંને ચૂંટણી લડતા હોવાથી એક દિવસથી વધારે સમય ગુજરાતને ફાળવી શકે તેમ નથી. તેથી કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે પ્રિયંકા ગુજરાતના પ્રવાસથી દૂર રહેશે. અગાઉ પ્રિયંકા ગુજરાતમાં પ્રચાર કરવાના હતા.
PM વોટ આપવા માટે 22ની સાંજે અમદાવાદ આવશે
મોદી મતદાન કરવા માટે 22મી એપ્રિલની રાત્રિએ ગુજરાતમાં આવશે અને બીજા દિવસે એટલે કે 23મીએ મતદાન કરશે. તેઓ સાબરમતી વિધાનસભા વિસ્તારમાં રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કરશે. મોદી 18મીએ અમરેલીમાં જાહેર સભાને સંબોધીને ગુજરાતથી પરત જશે. પછી 21મીએ પાટણ આવશે. આ વખતે બધા નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી મોદીએ જાહેર સભાઓમાં જ આ પક્ષના મોટા નેતાઓને ત્રણેય નેતાઓને મળી લીધું હતું.
Share
Next Story

અમદાવાદ / બાંગ્લાદેશી ઘુસણખોરોને નકલી આધારકાર્ડ-પાસપોર્ટ બનાવી આપતા બે શખ્સોની ધરપકડ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Modi, in Amreli, in Rahul Keshod and Kutch, Priyanka will be away from campaigning in Gujarat
(News in Gujarati from Divya Bhaskar)