કાર્યવાહી / સ્ટર્લિંગ બાયોટેક કેસ મામલે ભાગેડુ હિતેષ પટેલની અલ્બાનિયામાંથી ધરપકડ

હિતેષ પટેલની ફાઈલ તસવીર
  • સાંડેસરા બંધુઓના 8,100 કરોડના કૌભાંડમાં સરકારને સફળતા
Divyabhaskar.com Mar 23, 2019, 01:31 AM IST
અમદાવાદઃ સ્ટર્લિંગ બાયોટેકના 4 ડાયરેક્ટરમાંથી 1 હિતેષ પટેલની આલબેનિયામાં 20 માર્ચે અટકાયત કરાઈ છે. ભારત સરકાર દ્વારા તેને સ્વદેશ લાવવા માટે પ્રત્યાર્પણ સંધિની પ્રક્રિયા અંતર્ગત વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.સ્ટર્લિંગ જૂથના અન્ય ડાયરેક્ટર નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરા હાલ સરકારની પહોંચથી બહાર છે.રાજકીય અને સનદી અધિકારીઓની સંડોવણી ધરાવતા હાઇપ્રોફાઇલ કેસમાં તંત્રને સફળતા મ‌ળી છે.

સ્ટર્લિંગ જૂથના ડાઇરેક્ટર 8,100 કરોડ બેંક કૌભાંડ મામલે દેશથી ફરાર છે.દિલ્હી કોર્ટ દ્વારા તેમને ભાગેડુ જાહેર કરવામાં અાવ્યા છે અને તમામ ડાઇરેક્ટરો સામે નોન બેઇલેબલ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે.તાજેતરમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડાઇરેક્ટોરેટને સ્ટર્લિંગ જૂથના ભાગેડુ ડાઇરેક્ટરો સામે આલબેનિયામાં પ્રત્યાર્પણ સંધિ માટેની મંજૂરી આપી હતી.શુક્રવારે આલબેનિયા ખાતે હિતેષ પટેલની અટકાયત કરવામાં તપાસ સંસ્થાને સફળતા મળી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હિતેષ પટેલ સાંડેસરા પરિવાર સાથે કૌટુંબિક સંબંધ ધરાવે છે.હિતેષના માધ્યમથી સાંડેસરા બંધુઓએ ડમી કંપનીઓ ઉભી કરી હતી અને તેના ડાઇરેક્ટર બનાવતા હતા.આમ, 8,100 કરોડનું બેંક કૌભાંડ આચરવામાં હિતેષ પટેલે મહત્ત્વની ભૂૂમમીકા ભજવી હતી.સૂત્રોએ ઉમેર્યું હતું કે, આલબેનિયા ખાતે હિતેષની અટકાયત 20 માર્ચના રોજ કરવામાં આવી હતી.આગળની કાર્યવાહી ઝડપી પતાવવા માટે કાયદાકીય નિષ્ણાતો સઘન પ્રયાસો કરી રહ્યા છે.પ્રાત્યાર્પણ સંધિના આધારે હિતેષ પટેલને સ્વદેશ લાવવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.11 માર્ચના રોજ તેની સામે ઇન્ટરપોલના માધ્યમથી નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી.20 માર્ચના રોજ નેશનલ ક્રાઇમ બ્યુરો-ટીરાના દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.

ડમી કંપનીના ડાઇરેક્ટર તરીકે નિમાયેલ હિતેષ વૈભવી ગાડી માટે લોન પણ મેળવી આપતો: હિતેષ પટેલને સ્ટર્લિંગ જૂથ દ્વારા ઉભી કરવામાં આવેલી ડમી કંપનીઓના ડાઇરેક્ટર તરીકે નિમવામાં આવ્યો હતો.સાંડેસરા બંધુઓ સાથે કૌટુંબિક સંબંધ ધરાવતો હોવાને કારણે હિતેષ તેમનો વિશ્વાસુ ગણાતો હતો.ડમી કંપનીઓના ડાઇરેક્ટર હોવાની સાથે હિતેષ સાંડેસરા બંધુઓને વૈભવી ગાડીઓ લેવા માટેની લોનની સગવડ પણ કરી આપતો હતો.

આમ કૌભાંડ આચરવામાં મહત્ત્વની ભૂમિકા હિતેષ દ્વારા ભજવાઇ હતી.હિતેષ વર્ષ-2017થી દેશથી ફરાર છે.શુક્રવારે તેની ભાળ મેળવવામાં આખરે સરકારને સફળતા મળી છે.
સ્ટર્લિંગ જુથ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓના તાર જોડાયેલા છે.

સ્ટર્લિંગ જુથ સાથે રાજકારણીઓ અને પોલીસ તથા નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓની સાંઠ-ગાંઠ હોવાનું લાલ ડાયરીમાંથી જાણવા મળ્યું હતું.જેને કારણે આખોય કેસ હાઇપ્રોફાઇલ ગણાય છે. સ્ટર્લિંગ જુથને મદદ મામલે સીબીઆઇના પુર્વ સ્પેશીયલ ડાઇરેક્ટર અને પુર્વ ડાઇરેક્ટર વચ્ચે  કોલ્ડ વોર સર્જાઇ હતી.નિરવ મોદી બાદ ભારત સરકારને સ્ટર્લિંગ બાયોટેકના હાઇપ્રોફાઇલ કેસમાં ભાગેડુ હિતેષ પટેલને પકડવામાં સફળતા મ‌ળી છે.જો તેની ધરપકડ બાદ કડકાઇ પુર્વક પુછપરછ કરવામાં આવે તો રાજકીય ક્ષેત્રે ભુકંપ સર્જાય તેમ મનાઇ રહ્યું છે.


એક તરફ કંપનીનો વન ટાઇમ સેટલમેન્ટ પ્લાન અટકાવાયો,બીજી તરફ હિતેષ પટેલની અટકાયત કરાઇ: સ્ટર્લિંગ જુથના કમિટી ઓફ ક્રેડિટર્સ દ્વારા તાજેતરમાં 65 ટકા હેરકટ(લોન માફી) સાથેનો પ્લાન એન.સી.એલ.ટી.માં રજુ કરવામાં આવ્યો હતો.એન.સી.એલ.ટી.એ પ્લાન સામે શંકા વ્યક્ત કરીને અગ્રણી તપાસ સંસ્થાઓને જાણ કરી હતી અને મામલાની વધુ સુનવણી 26 માર્ચના રોજ નક્કી કરવામાં આવી હતી.એક તરફ નાટ્યાત્મક રીતે કંપની તરફે ફરહાદ દારૂવાલાને હાજર કરીને લોન ભરવાની તૈયારી બતાવી તો બીજી બાજુ તંત્રને આલબેનિયામાં ભાગેડુ હિતેષ પટેલની અટકાયત કરવામાં સફળતા મ‌ળી.

હિતેષ-તેની પત્ની 100 જેટલી કંપનીમાં ડાયરેક્ટર: હિતેષ પટેલ સ્ટર્લિંગ જૂથ સાથે સંકળાયેલી સ્ટર્લિંગ ઓઇલ, અમેરિકન બાયોટેક લિમિટેડ, સ્ટર્લિંગ જિલેટીન ,પીએમટી એન્જિનિયરિંગ,સ્ટર્લિંગ એનર્જી, એ-1 પ્રોટીન પ્રાઇવેટ લિમિટેડ, શમિક મર્કન્ટાઇલ પ્રાઇ‌વેટ લિમિટેડ, સુસસો મર્કન્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ, ગંગા ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, રેબન ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિડેટ જેવી અનેક મુખ્ય કંપનીઓમાં ડાયરેક્ટર રહ્યા છે.તેની સાથે તેના ઘરના સરનામે 100 જેટલી ડમી કંપનીઓ રજિસ્ટ્રર્ડ કરવામાં આવી છે.કેટલીક કંપનીમાં તેમની પત્નીને પણ ડાયરેક્ટર બનાવવામાં આવ્યાં હતાં.

Share
Next Story

જન્મજયંતી / ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે ગૌર પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hitesh Patel detained in Albania, a wanted fugitive in sterling Biotech Case
(News in Gujarati from Divya Bhaskar)