Loading...

આખરે ઉપવાસનો અંત: પારણાં બાદ હાર્દિકે કહ્યું, મુંગા રહેવા કરતાં દેશદ્રોહી બનવું સારું

પહેલા ભગતસિંહ બનવા નિકળ્યા તો દેશદ્રોહી થઈ ગયા, ગાંધીજી બનીને નીકળ્યા તો નજરકેદ થઈ ગયા- હાર્દિક

Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 07:44 PM

અમદાવાદ: છેલ્લા 19 દિવસથી ચાલતા હાર્દિકના આમરણાંત ઉપવાસનો આખરે આજે અંત થયો છે. પાટીદાર સમાજના વડીલો, ખોડલધામના નરેશ પટેલ, ઉમિયાધામના સીકે પટેલના હસ્તે હાર્દિક પટેલે પારણાં કરી લીધા છે. પારણાં બાદ હાર્દિક પટેલે કહ્યું કે ‘અધિકાર વગર આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. તમે બોલશો તો તમે દેશદ્રોહી છો, નહીં બોલો તે કહેશે કે આ મુંગો છે, મને એવું લાગે છે મુંગા રહેવા કરતાં દેશદ્રોહી બનવું સારું છે’. હાર્દિક પટેલની ઉપવાસી છાવણીમાં છ સંસ્થાના આગેવાનો હાજરી આપી હતી.


આમરણાંત ઉપવાસ વિશે કહ્યું..

 

હાર્દિકે જણાવ્યું હતું કે, - છેલ્લા 19 દિવસથી હું ઉપવાસ પર બેઠો હતો. સમગ્ર ગુજરાતમાંથા ઘણા બધા લોકો મારી સાથે ઉપવાસ પર બેઠા હતા. આજે 19 દિવસથી આપણે આપણી લડાઈ માટે સંપૂર્ણ ન્યોછાવર થઈ ગયા હતા, જેમાં ઘણા લોકોએ અંગ્રેજોની ભૂમિકા ભજવી તો ઘણા લોકોએ ક્રાંતિકારીની ભૂમિકા ભજવી છે. 


સમાજ સંસ્થા વિશે કહ્યું..

 

ગમે તેવો દીકરો કેમ ન હોય પણ સમાજના વડીલો ને ચિંતા થતી હોય છે. 6 સંસ્થાઓના અગ્રણીઓ વિનંતી કરી કે જીવીશું તો લડીશું લડીશું તો જીતીશુંના મુદ્દા સાથે આજે બધા મિત્રોએ મને પારણાં કરાવવા માટે આવ્યા હતા. યુવાનોનું કામ હોય છે કે સમાજ માટે લડી લેવું, મરી લેવું, અને સમાજના અગ્રણીઓનું કામ છે કે તે મુદ્દા પર સલાહ સુચન આપવું. સમાજના વડીલો પાસે અમે ક્યારેય એવી આશાઓ નથી રાખી કે અમારા માટે તમે આ કરો. અમે એવી આશાઓ રાખી છે કે આ તમારાથી થઈ શકે છે એમ છે અને આ કામ કરવાનો પ્રયાસ આપ કરો. અમે એવું ક્યારેય નથી કહેતા કે સમાજના વડીલો અમારા વિરોધી છે. સમાજના વડીલોએ અમને સંસ્કાર આપ્યા છે. સમાજના મોભીઓએ અમને માન-સન્માન આપ્યું છે. અમને લોકોને અમારું સ્ટેટસ આપ્યું છે. પણ એનો મતલબ એવો નથી કે માન અને સન્માનથી જિંદગી જીવી શકાય.વડીલોને અપીલ કરું છું કે જે પાટીદાર યુવાનો જેલમાં છે એમને છોડાવવા માટેના પ્રયાસો કરજો


ભાજપ-કોંગ્રેસ વિશે કહ્યું..

 

સમાજના સામે ઝુકીશ, સમાજના વડીલો સામે ઝુકીશ, માતા અને કુળદેવીના ચરણોમાં ઝુકીશ પણ અમુક લોકો સામે નહીં ઝુકું.ભાજપ- કોંગ્રેસથી આપણે કંઈ મતલબ નથી. આપણે તો આપણા અધિકારોથી મતલબ છે. ભાજપ-કોંગ્રેસ આવીને ગઈ. કોણ ભાજપમાં હતું કોણ કોંગ્રેસમાં હતું એનાથી આપણને કોઈ જ ફરક નથી પડતો. આપણે સરકાર સામે આપણી વાત મુકવાનો પુરે-પુરો અધિકાર હોવો જોઈએ.


કોના માટે છે અનામતની લડાઈ

 

પારણાં કર્યા બાદ હાર્દિકે જણાવ્યું કે, અમારી લડાઈ આલિશાન મકાન અને બંગલામાં રહેતા લોકો માટે નથી. અમારી લડાઈ તો 5 વીઘામાં મહેનત કરતા સુરત, બાપુનગર, રાજકોટ કે અમદાવાદમાં 10 કે 15 હજાર રૂપિયા મહેનત કરતા મજૂરી કરતા જેના દીકરાને સારા માર્કસ હોવા છતાંય એડમિશન નથી મળતું, એવા લોકો જેમની પાસે 750 રૂ. છે દેશી ખાતર દેવા માટે તે લોકોને 1450 થઈ ગયા આ લોકો માટે અમારી આ લડાઈ છે.


‘ગુલામી કે લાચારી સહન નહી કરું’

 

અધિકાર વગર આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. તમે બોલશો તો તમે દેશદ્રોહી છો. નહીં બોલો તે કહેશે કે આ મુંગો છે. મને એવું લાગે છે મુંગા કરતાં દેશદ્રોહી બનવું સારું છે. હું કોઈ ગુલામી કે લાચારી સહન નહી કરું, હું જેલમાં પણ રહ્યો છું, હું અપમાન, બેઈજ્જતી બધી સહન કરી લીધી છે પણ ઝુકીશ તો સમાજના અગ્રણીઓ અને વડીલો સામે પણ સરકાર સામે ક્યારેય નહીં ઝુંકુ.


સમાજના માન-સન્માનમાં આ ઉપવાસ

 

હું 9 મહિના જેલમા રહ્યો છું એટલે મને પણ ખબર છે. સમાજના આગેવાનો મને આવીને કહેતા હતા કે જામીન થઈ જશે અને આમ કહેતા કહેતા હું 9 મહિના જેલમાં રહ્યો. હવે આપણે એક જ વાત જેટલું થાય એટલું કરજો ન થાય તો ના પાડજો. અમને ક્યારેય દુઃખ નહીં થાય. ઉપવાસ અને પારણાં માત્ર સમાજના માન- સન્માન માટે છે, એટલે આજે સમાજના આગેવાનો અને વડીલોના હાથે પારણાં કર્યા છે. એટલે આ ઘોડામાં વધુ હિંમત આવી છે, હવે તો મારા સમાજના વડીલોએ મારી સાથે છે. મારે હવે કોઈનાથી પણ ડરવાની જરૂર નથી.

 

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hardik Patel Hunger Strike Closed Today By Naresh Patel And K.C. Patel
(News in Gujarati from Divya Bhaskar)