Loading...

ઝૂંપડપટ્ટીમાં રહેતા ભૂખ્યા બાળકની કહાની સાંભળી અમદાવાદી ભરતભાઈએ બનાવી સ્લમ સ્કૂલ

પ્રહલાદનગરમાં આવેલી નવરચિત સ્કૂલ 3 વર્ષથી ઝૂંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનું ભગીરથ કામ કરી રહી છે

Divya Bhaskar Aug 02, 2018, 05:14 PM

અમદાવાદઃ રોજ રોડ પર નિકળતા એવો વિચાર સૌ કોઈને આવતો હોય છે કે આ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો શું ખાતા હશે અને શું ભણતા હશે, આ બાળકોનું ભવિષ્ય શું? આ વિચારને માત્ર વિચાર ન રહેવા દેતા અમદાવાદના ભરતભાઇ વાળા આચારમાં લાવ્યા. ભરતભાઇને અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં વિચરતી અને વિમુક્ત જાતિના ઝૂંપડપટ્ટીમાં રહેતા ભૂખ્યા બાળકની કહાની સાંભળી સ્કૂલ બનાવવાનો વિચાર આવ્યો અને બાળકોને છેલ્લા 3 વર્ષથી ભણાવી રહ્યા છે.


આ સ્કૂલની શરૂઆત ૨૦૧૫માં બાવળના ઝાડ નીચે થઈ હતી. જેને નવરચિત સ્લમ સ્કૂલ નામ અપાયું છે. સરકારમાં રજૂઆત કરીને સ્કૂલનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. અત્યારે ૬૨ જેટલા બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. બાવળનાં ઝાડ નીચે ચાલુ કરેલી આ સ્કૂલ આજે એક ૬ પંખા અને કૂલર ધરાવતી શાળા થઇ ચૂકી છે. લોકોના અઢળક સાથ સહકાર મળવાથી આજે સ્કૂલની સકલ અલગ જ બની ગઈ છે.


ભરતભાઈને કેવી રીતે આવ્યો સ્કૂલ બનાવવાનો વિચાર

તેઓ પોતાનો કિસ્સો સંભળાવતા કહે છે કે ‘હું અને મારા મિત્ર ૧૪ નવેમ્બર ૨૦૧૪ના રોજ એક ઝૂંપડપટ્ટી આગળ મળ્યા હતા. ત્યાં એક નાનું બાળક અમારી પાસે આવીને ખાવાનું માંગવા લાગ્યું. દર વખતની જેમ કોઈ ભિખારી હશે એવું સમજીને એ બાજુ ધ્યાન ના દોરાયું. પરંતુ થોડા સમય બાદ બાળક નીચે ધૂળમાં આમતેમ આળોટતું બરાડા પાડવા લાગ્યું કે મારી વાત કેમ કોઈ સાંભળતું નથી હું બે દિવસથી ભૂખ્યો છું. આ સાંભળી હું એની પાસે ગયો અને બાળકને ઊભો કરી બધી વાત કરી તો ખબર પડી કે એના પપ્પા બે દિવસ અગાઉ ટ્રેનના અકસ્માતમાં મૃત્યું પામ્યા છે અને તેથી મારી મમ્મી ઘર છોડી જતી રહી છે. હવે મને કોણ રાખશે? ટ્રેન અકસ્માતમાં કોઈ મરી ગયું એ મને ખબર હતી પણ આ બાળકના જ પપ્પા હતા એ મને ખબર નહોતી. આ ઘટનના ફળસ્વરૂપે બાલદિવસના રોજ બાળકો માટે સ્કૂલ બનાવવાનો વિચાર આવ્યો’

બાળકોના વિકાસ વિશે વાત કરતા ભરતભાઈ

તેઓ કહે છે કે સ્કૂલ ચાલુ થઈ પછી ત્યાંની ઝૂંપડપટ્ટીના બાળકોમાં ૪૦% જેટલો સુધારો આવ્યો છે. નિયમિતતા, સ્વચ્છતા, આદરભાવ વધ્યા છે જ્યારે વ્યસન, લોભ અને લાલચ દૂર થયા છે. તેમજ તેમની આંતર શક્તિ પણ ખીલી છે. અમારો ઉદ્દેશ્ય હજુ આખા અમદાવાદના ૨૦૦૦ જેટલા ઝૂંપપટ્ટીમાં શિક્ષણ આપવાનો છે. શિક્ષણની સાથે ભરતભાઈ વાળા "બાલદેવો ભવ:" નાં સૂત્રનિરધાર સાથે બાળકોનાં સુચારૂ જીવન માટે કામ કરી રહ્યા છે. તેમના ભગીરથ પ્રયત્નથી બાળકો બીજા લોકોને જોઈને એની પાસેથી કંઇક ખાવા મળશે આટલું જ વિચારવાના બદલે આજે એ જ બાળકો બધાને આદરભાવ સાથે ગુડ મોર્નિંગ કહેતા થયા ગયા. આજે બાળકો ગુજરાતી સાથે અન્ય ભાષાઓ પણ બોલતા થઇ ગયા.


આજની સરકારોને ભરતભાઈનો સંદેશ

જે લોકોએ કોઈ દિવસ પૈસાનો પણ ભાર કેવો હોય એ જોયો નથી એવા લોકો માટે ‘ભાર વિનાનું ભણતર’તમે શું કરી દેવાના હતા. બહેતર વસ્તું એ છે કે જે લોકો આવા બાળકો માટે કામ કરે છે તેવા લોકોના પ્રતિભાવ લઈને તમારે આ દિશામાં આવા વિષયો સાથે કામ કરવું જોઈએ અથવા તો સરકારે આવી સ્કૂલો પાસેથી માર્ગદર્શન લઈને કામો કરવા માટે જગ્યા ફાળવવી જોઈએ કે જેથી કરીને આવા કામને વેગવતું બનાવી શકાય.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Ahmedabad navrachit slum school bharatbhai development of student
(News in Gujarati from Divya Bhaskar)