લોકસભા / મહેસાણામાં 42 ડિગ્રી ગરમી વચ્ચે 64.91 ટકા મતદાન, પણ ગત ચૂંટણી કરતાં 1.72 % ઓછું

  • સૌથી વધુ કડીમાં 71.32%, સૌથી ઓછું વિજાપુરમાં 62.18% : 12 ઉમેદવારોનું ભાવિ સીલ, 23મેએ ગણતરી
Divyabhaskar.com Apr 24, 2019, 09:03 AM IST

મહેસાણા: મંગળવારે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં 42 ડિગ્રી ગરમી વચ્ચે પણ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 64.47 ટકા મતદાન થયું. જે 2014 કરતાં 1.82 ટકા વધ્યું. 2014માં 62.65 ટકા મતદાન થયું હતું. સાંજના 6 વાગ્યા સુધીના ચૂંટણી વિભાગના આંકડા મુજબ મહેસાણામાં 64.91 ટકા, પાટણમાં 61.23 ટકા, બનાસકાંઠામાં 64.71 ટકા અને સાબરકાંઠામાં 67.03 ટકા નોંધાયું હતું. એટલે કે મહેસાણા અને સાબરકાંઠામાં ઘટ્યું તેમજ પાટણ અને બનાસકાંઠામાં મતદાનમાં વધારો થયો છે. આ સાથે જ મંત્રી પરબતભાઇ પટેલ, સંસદિય સચિવ ભરતસિંહ ડાભી, સાંસદ દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળ તેમજ શારદાબેન પટેલ અને એ.જે. પટેલ સહિતના દિગ્ગજોના ભાવિ ઇવીએમમાં બંધ થઇ ગયા છે. હવે 23 મેના રોજ મત ગણતરી હાથ ધરાશે.

કલ્યાણપુરા, ખેરવા અને બહુચરાજીના કનોડામાં  બુથ  કબજે કરવાનો પ્રયાસ કરાયો
મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભા બેઠક માટે અંદાજે 65 ટકા મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યા સુધી નોંધાયેલા મતદાનમાં મહેસાણા લોકસભા બેઠકમાં 64.91 ટકા મતદાન નોંધાયું હતું. મહેસાણામાં ભાજપ અને કોંગ્રેસ સહિત 12 ઉમેદવારો અને ઊંઝા બેઠકમાં 11 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે, જે એક મહિના પછી 23 મેના રોજ મત ગણતરીના દિવસે પરિણામરૂપે ખુલશે. 

મહેસાણા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભાક્ષેત્ર પૈકી સૌથી વધુ કડીમાં 71.32 ટકા અને સૌથી ઓછું વિજાપુરમાં 62.18 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન દરમિયાન મહેસાણાની પરા શાળામાં બપોરે મતદાન કરી પરત ફરતા નગરપાલિકાના બોર ઓપરેટરનું હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. જ્યારે કડીના કુંડાળ ગામમાં મતદાનમાં ગેરરીતિની ફરિયાદ મળતાં ચેક કરવા પહોંચેલા કોંગ્રેસના બે વકીલ કાર્યકરો પર ટોળાએ હુમલો કરી ગાડીની તોડફોડ કરતાં મામલો તંગ બન્યો હતો. તો વિસનગરમાં પણ મતદાન મામલે નગરસેવિકાના પતિએ ભાજપના કાર્યકરને લાફો ઝીંકી દેતાં હોબાળો મચી ગયો હતો. જોકે, પોલીસ કાફલો દોડી જઇ મામલો શાંત પાડ્યો હતો. જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયાનું જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે. પટેલે જણાવ્યું હતું.

જિલ્લામાં દિવસ દરમિયાન 40 થી 42 ડિગ્રી ગરમીમાં બપોરે મતદાનમાં નરમ પડેલો જુથ્થો સાંજના દોઢ કલાકમાં ફરી મતદાનમથકમાં દેખાયો હતો.જેમાં બપોરે મહેસાણા પરા શાળામાં મતદાન કરીને પરત ફરતા નગરપાલિકાના એક બોરઓપરેટરનું મોત નિપજ્યુ હતું.જ્યારે મતદાન દરમ્યાન અલગ અલગ કેન્દ્રોથી મતદાનને લગતી નાનીમોટી 13 ફરીયાદો તંત્રને મળતા તપાસ કરાઇ હતી.કડીના કુંડાળ ગામમાં ખોટા મતદાન મામલે તપાસ કરવા જતા હુમલાનો બનાવ બનતા પોલીસ દોડી આવી મામલો શાંત પાડ્યો હતો. બેલેટ યુનિટ, કંન્ટ્રોલયુનિટ, વીવીપેટમાં મુશ્કેલી અંગેની 51 ફરીયાદ રણકતા ટેકનીકલ ટીમ તપાસમાં દોડી ગઇ હતી.સાંજે 6 વાગ્યે મતદાન સંપન્ન થતા છ વિધાનસભા બુથના ડિસ્પેચ સેન્ટરે બુથનો સ્ટાફ મતદાનના ઇવીએમ સામગ્રી સાથે પરત ફર્યો હતો.જે ઇવીએમને જિલ્લા ચંૂ઼ટણી તંત્ર દ્વારા મોડી રાત્રે બાસણા ખાતે સ્ટ્રોંગરૂમમાં ઇવાયાં હતાં.

મહાપર્વ મતદાન
ઉત્તર ગુજરાત:-
 64.47%
સૌથી વધુ ખેડબ્રહ્મામાં:- 71.81%
સૌથી ઓછું ચાણસ્મામાં:- 56.70%

પાટણ:-  61.23%
સૌથી વધુ ખેરાલુમાં:- 65.97%
સૌથી ઓછું ચાણસ્મામાં:- 56.70%

બનાસકાંઠા:- 64.71%
સૌથી વધુ થરાદમાં:- 70.98%
સૌથી ઓછું પાલનપુરમાં:- 61.59%

સાબરકાંઠા:- 67.25%
સૌથી વધુ ખેડબ્રહ્મામાં:- 71.81%
સૌથી ઓછું ભિલોડામાં:- 62.57%

1952થી 2019 લોકસભા ચૂંટણી પર નજર
સૌથી ઊંચું મતદાન
મહેસાણામાં 1984માં:-
72.81 %
પાટણમાં 1998માં:- 67.38 %  
બનાસકાંઠામાં 1998માં:- 69.81 % 
સાબરકાંઠામાં 2014માં:- 67.70 %

સૌથી નીચું મતદાન
મહેસાણામાં 1996માં:-
45.12 %
પાટણમાં 1996માં:- 32.36 %  
બનાસકાંઠામાં 1957માં:- 35.38 % 
સાબરકાંઠામાં 1991માં:- 37.87 %

ચૂંટણીમાં 10થી વધુ ફરિયાદો આવી
- કડીના ડાંગરવાના બુથમાં નિયુક્ત  એન્જટો કરતાં વધુ વ્યક્તિ ઘુસતાં ફરિયાદ મળતાં વધારાની વ્યક્તિઓને બહાર કઢાયા.
- કડીના અગોલમાં વોટર સ્લીપ દ્વારા મતદાન થતું હોવાની ફરિયાદ, આઇડીથી મતદાનની સૂચના આપી.
- વિસનગરના સાતુસણાના બુથમાં પીબીનો સિક્કો હોવાની ફરિયાદ મળતાં સિક્કો હટાવાયો.
- મહેસાણાના ઇન્દીરાનગરમાં એક પક્ષને વોટ આપવા અપીલ કરતી મહિલાઓને બહાર કરાઇ.
- મહેસાણાના દેલામાં ગણેશભાઇ લવજીભાઇ ચૌધરી હયાત હોવા છતાં તેમને યાદી મૃત દર્શાવ્યાની ફરિયાદ. 
- કડીમાં મંજૂરી વિના બે પોસ્ટર અને 1 સર્વેક્ષણ બેનરની 3 ફરિયાદો મળતાં પોસ્ટર અને બેનર હટાવાયાં.
- કડી અને ગોઝારિયામાં એક-એક વ્યક્તિ પક્ષની છત્રી, ટોપી અને પટ્ટો પહેરીને ફરતી હોવાની ફરિયાદ. 
- ઊંઝા તુલસીનગરમાં મંજુરી વગર બોર્ડની ફરિયાદ, બોર્ડ હટાવાયાં.
- કડીના કલ્યાણપુરામાં બુથ પર કબજો કરવાનો પ્રયાસ કરાયો. 
- ખેરવાના 3 બુથ કબજે કરવાના પ્રયાસ બાદ બંદોબસ્ત વધારાયો
- બહુચરાજીના કનોડા ગામે બુથ પર કબજો કરવાનો પ્રયાસ.

Next Story

વડોદરા / પોલિટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં વડોદરા લોકસભા બેઠકના EVM મૂકાયા, પેરામિલિટરી ફોર્સ તૈનાત

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 65 pc voting in mehsana during loksahba election
(News in Gujarati from Divya Bhaskar)