32ની જરૂર, 22 MLD જ પાણી મળશે

News - જાગો | પાણીની કટોકટી ઉકેલવા પાલિકાના હવાતીયા : સમસ્યા ઉકેલવા નેતાઓ નબળા ઢાંકી પમ્પીંગ સ્ટેશને શટડાઉનથી...

Divyabhaskar.com Sep 12, 2018, 02:26 AM IST
નર્મદાના નીર આધારીત રહેલા મથકોમાં હાલ પીવાના પાણીની કટોકટીના એંધાણ ઉભા થયા છે. ચોમાસાની ઋતુ પૂર્ણતાના આરે છે તેવા સંજોગોમાં નર્મદાના પાણીનો મુખ્ય સપ્લાયવાળા ઢાંકીના પમ્પીંગ સ્ટેશનમાં લાઇન શટડાઉન અને મેઇન્ટેનન્સની કામગીરીના બહાને લોકોને બાનમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અત્યાર સુધી ગાંધીધામમાં ત્રણ દિવસે પાણી પુરંૂ પાડવા માટે નબળા પુરવાર થયેલા શાસકો આવા સંજોગોમાં ચાર દિવસે પાણી મળશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. હકીકતે 32 એમએલડી પાણી આપવામાં આવે છે તેમાં બુધવારે 22 એમએલડી પાણીનું વિતરણ કરવા માટે પાલિકા અને પાણી પુરવઠા બોર્ડે સંકલન સાધ્યું હોવાની વિગત બહાર આવી રહી છે.

નગરપાલિકા દ્વારા પાણીના વિતરણ વ્યવસ્થામાં જે રીતે કામગીરી કરવી જોઇએ તે થતી નથી. યોગ્ય અધિકારીઓ દ્વારા એક યા બીજા કારણોસર અવારનવાર પ્રશ્નો ઉભા કરીને અંતરાય લાવવા માટે પણ પ્રયત્ન કરવામાં આવે છે. વર્ષોથી ગાંધીધામમાં ત્રણ દિવસે અને આદિપુરમાં ચાર દિવસે પાણી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પાણીનો જથ્થો વધુ લાવવામાં આવ્યા પછી પણ લોકોને પુરતા પ્રમાણમાં પાણી ત્રણ કે ચાર દિવસે આપવામાં પાલિકાના નપાણીયા શાસકો નિષ્ફળ ગયા હોવાનો કચવાટ અવારનવાર લોકોમાંથી ઉઠે છે. અંદાજે 55 હજાર જેટલા નળ કનેકશન હોવા છતાં એક યા બીજા કારણોસર પાણી આવે છે તેના કરતા વેડફાય વધુ તેવી સ્થિતિ પણ કેટલાય વિસ્તારોમાં જોવા મળી રહી છે. મોડી રાત્રે કે પરોઢીયે પાણીનો સપ્લાય શરૂ કરવામાં આવતાં લોકોની હાલત કફોડી બની જતી હોય છે. તે અંગે રજૂઆત કરવામાં આવ્યા છતાં યોગ્ય નિરાકરણ લાવવામાં પાલિકાને રસ નથી. અંદાજે અઢી લાખથી વધુ વસ્તીમાં પાણી પુરૂં પાડવા માટે આયોજન કરવું જોઇએ તે કરવામાં શાસકો નિષ્ફળ ગયા છે.

ટપ્પર ડેમમાં પાણી ઠલવાયું હતું

ગાંધીધામ સહિતના શહેરોમાં પીવાનું પાણી મળી રહે તે માટે નર્મદાનું પાણી ઠાલવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. રાજકીય લાભ ખાંટવા માટે ફોટા પડાવીને પ્રસિદ્ધી મેળવ્યા પછી કેટલું પાણી આવે છે અને કેટલું પાણી રસ્તામાં પગ કરી જાય છે તે અંગે ધ્યાન રાખવામાં આવ્યું નથી. ટપ્પરમાં પણ અગાઉ ક્ષારનું પ્રમાણ વધતાં પાણીનું વિતરણ બંધ કરવાની નોબત આવી હતી.

જરૂર પડ્યે ટેન્કરથી પાણી અપાશે : કા. ચેરમેન

ગાંધીધામમાં ઉભી થયેલી પરીસ્થિતિ અંગે નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન વિજય મહેતાએ દાવો કર્યો હતો કે, હાલ 32 એમએલડી પાણી આપવામાં આવે છે. તેની સામે કાલે 18 એમએલડી પાણી મળશે. ત્રણ દિવસને બદલે ચાર દિવસે પાણી મળશે. ત્યાર બાદ રાબેતા મુજબ સ્થિતિ થશે. દરમિયાન ઇમરજન્સી જણાય તે વિસ્તારમાં ટેન્કરથી પણ પાણી આપવામાં આવશે. આદિપુરમાં ચાર એમએલડી પાણી આપવામાં આવે છે તે પણ ગાંધીધામમાં વાળી લેવામાં આવશે. આદિપુરમાં ટ્યુબવેલથી પાણી આપવાની પદ્ધતિ છે તે ચાલુ રાખવામાં આવશે. એટલે પ્રશ્ન ઉભો નહીં થાય.

આગોતરું આયોજન જ નથી : વિપક્ષી નેતા

નગરપાલિકાના વિપક્ષના નેતા અજીત ચાવડાએ નગરપાલિકાની અધિકારી અને પદાધિકારીઓની ઉંઘણશી નીતિ સામે પ્રશ્નો ઉભા કરીને જણાવ્યું છે કે, પાણી માટે આગોતરૂં આયોજન કરવું જોઇએ તે કરવામાં આવ્યું નથી. અગાઉ પાણી બંધ છે તેની જાણ હોવા છતાં જે રીતે અધિકારીએ પગલા ભરવા જોઇએ તે ભર્યા નથી. ચીફ ઓફિસર નીતિન બોડાતની બદલી કરવી દેવી જોઇએ. માનવ સર્જીત કાવતરૂં હોવાનો પણ આક્ષેપ કરીને પાલિકા દ્વારા જરૂરી પગલા ભરવામાં આવતા ન હોવાનો આક્ષેપ કર્યો છે.

પાણી 10 દિવસ આપીને પાલિકા બીલ મહિનાનું વસૂલે છે

ગાંધીધામ નગરપાલિકામાં તોતીંગ બહૂમતિના સહારે ભાજપ દ્વારા અંદાજે 20થી વધુ વર્ષથી સત્તાનું સુકાનસંભળ્યા પછી જે રીતે પગલા ભરવા જોઇએ તે કેટલાક સંજોગોમાં ભરવામાં આવ્યા નથી. જેને લીધે આખરે પાઘડીનો વળ છેડે આવે તેમ લોકોને સમસ્યા સામે ઝઝૂમવું પડે છે. પાલિકા દ્વારા મહિનામાં અંદાજે 10 દિવસ પાણી આપવામાં આવે છે પરંતુ બીલ આખા મહિનાનું ઉઘરાવવામાં આવે છે અને લોકોને ફરજીયાત આ બીલ ભરવું પણ પડે છે. આવી અન્યાયી પદ્ધતિ સામે કોઇ અવાજ ઉઠાવી શકતું નથી.

નગરપાલિકાના સત્તાધિશો ખેંચતાણમાંથી ઉંચા આવશે?

લાંબા ગાળાના આયોજન માટે દીર્ઘ દ્રષ્ટીનો અભાવ હોવાથી કેટલાક અધિકારી અને પદાધિકારીઓ ટુંકાગાળાની નીતિ અપનાવી રહ્યા છે. અગાઉના સત્તાધિશો દ્વારા આ પદ્ધતિ અપનાવવામાં આવ્યા પછી કેટલાક સંજોગોમાં આગ લાગે ત્યારે કુવો ખોદવાની પદ્ધતિ શરૂ કરવી પડે તેવી સ્થિતિ છે. આ સ્થિતિનું નિર્માણ અગાઉ પણ અવારનવાર થયા પછી પાણીના મુદ્દે જે રીતે વ્યવસ્થિત આયોજન કરવું જોઇએ તે કરવા માટે હાલના અધિકારી અને પદાધિકારીઓ ક્યારે જાગશે તે એક પ્રશ્ન છે. ઉલ્લેખનીય છે કે, ભાજપમાં ચાલતી જુથબંધીને કારણે જુદા જુદા કામો પર તેની અસર જોવા મળી રહી છે. અનેકવિધ યોજનાઓ અંદરોઅંદરની ખટપટને કારણે ટલ્લે ચડી રહી છે.

ચૂંટણી ટાણે રોજ પાણી વિતરણનું વચન અપાયું હતું

ગત વિધાનસભાની ચૂંટણી સમયે પ્રચારમાં ભાજપના નેતાઓ ઉછળી ઉછળીને વિકાસના કામોની દુહાઇ દેતા હતા. પ્રચારમાં લોકોને ભરમાવીને વિકાસના નામે મત લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમાં કેટલાક અન્ય મુદ્દાઓની સાથે રોજ પાણી આપશું તેવી પણ લોલીપોપ આપવામાં આવી હતી. રોજ પાણી આપવાની વાત તો દૂર રહી પરંતુ ત્રણ દિવસે પણ પુરતા પ્રમાણમાં પ્રેસરથી પાણી આપવા માટે પાલિકા સક્ષમ ન હોય તેવી સ્થિતિ છે. આવા સંજોગોમાં માત્ર મસમોટા વચનો આપીને લોકોને ભરમાવીને ક્યાં સુધી સત્તાનું સિંહાસન ટકાવી શકાશે તે જોવું રહ્યું.

Share
Next Story

મેઘપરમાં શ્રાવણ માસની પૂર્ણાહૂતિએ વૃક્ષારોપણ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gandhidham - 32ની જરૂર, 22 MLD જ પાણી મળશે
(News in Gujarati from Divya Bhaskar)