ટ્રમ્પે કર્યો દેશદ્રોહ, કાર્યકાળની આ સૌથી શરમજનક ક્ષણઃ US મીડિયા

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત સોમવારે થઇ

ટ્રમ્પે કહ્યું કે, રશિયા પર આરોપ લગાવવાના મામલે આપણાં દેશનું વલણ મૂર્ખામીભર્યું રહ્યું છે.
Divyabhaskar.com Jul 17, 2018, 12:23 PM IST

- ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં ટ્રમ્પ-પુતિનની વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ પર વિવાદ ઉભો થયો છે 
- પ્રેસ કોન્ફરન્સમાં પુતિને કહ્યું કે, રશિયાએ અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં હસ્તક્ષેપ નથી કર્યો 
- ટ્રમ્પે પુતિનને યોગ્ય ગણાવ્યા અને અમેરિકાના વલણને મૂર્ખામીભર્યું ગણાવ્યું હતું. 

 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની સાથે પ્રથમ દ્વિપક્ષીય બેઠક કર્યા બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશના મીડિયાના નિશાન પર આવી ગયા હતા. ટ્રમ્પે સોમવારે સાંજે ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં પુતિનની સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં પુતિને કહ્યું કે, રશિયાએ ક્યારેય અમેરિકાની ચૂંટણીમાં હસ્તક્ષેપ નથી કર્યો. જ્યારે ટ્રમ્પે કહ્યું કે, પુતિન સાચા છે અને અમેરિકાનું વલણ આ મામલે મૂર્ખામીભર્યું રહ્યું છે. શીતયુદ્ધ સમયથી પ્રતિસ્પર્ધી રશિયાના પ્રેસિડન્ટનું સમર્થન કરવાથી અમેરિકાનું મીડિયા ભડકી ગયું હતું. યુએસ મીડિયાએ કહ્યું કે, ટ્રમ્પે જે કર્યુ, તે દેશદ્રોહથી કમ નથી. તેઓએ પરંપરાનો ભંગ કર્યો છે. આ ટ્રમ્પના કાર્યકાળની સૌથી શરમજનક ક્ષણ છે. 

 

ટ્રમ્પને ફૂટબોલ ગિફ્ટ કર્યો 

 

- ટ્રમ્પ અને પુતિનની પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક અનપેક્ષિત બાબતો બની. ટ્રમ્પે પુતિનને ફૂટબોલ વર્લ્ડ કપ માટે ધન્યવાદ પાઠવ્યા. જેના પર પુતિને ટ્રમ્પને ફૂટબોલ ગિફ્ટ કર્યો. ટ્રમ્પે તેને ઉછાળ્યો અને ફૂટબોલ સામે બેઠેલી મલેનિયાના ખોળામાં જઇને પડ્યો. 
- મીડિયાના સવાલો પર પુતિને કહ્યું, હું ઇચ્છતો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બને પરંતુ રશિયાએ અમેરિકાની ચૂંટણીમાં ક્યારેય દખલગીરી નથી કરી. 
- જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, રશિયા પર આરોપ લગાવવાના મામલે આપણાં દેશનું વલણ મૂર્ખામીભર્યું રહ્યું છે. પુતિન કહે છે કે, રશિયાએ કોઇ હસ્તક્ષેપ નથી કર્યો મને પણ દરમિયાનગીરીનું કોઇ કારણ દેખાતું નથી. 
- આ વિવાદ 2016માં થયેલા અમેરિકા પ્રેસિડેન્શિયલ ઇલેક્શન સાથે જોડાયેલો છે. 
- અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓનો આરોપ છે કે, રશિયાએ આ ચૂંટણીમાં હસ્તક્ષેપની કોશિશ કરી હતી. 


ધ વોશિંગ્ટન પોસ્ટઃ ટ્રમ્પે 100 પેજના બ્રિફિંગને નજરઅંદાજ કરી 


- ટ્રમ્પે પુતિનના સમર્થન માટે સલાહકારોની અવગણના કરી, પ્લાન વિરૂદ્ધ જઇને નિવેદન આપ્યા. આ હેડલાઇન સાથે આપવામાં આવેલા એનાલિસિસમાં ન્યૂઝપેપરે લખ્યું - ટ્રમ્પે ઓફિસરોની વાત ના માની. તેઓને બેઠક પહેલાં 100 પેજનું બ્રિફિંગ આપવામાં આવ્યું હતું. 
- ટ્રમ્પે જ્યાં પુતિનની સામે અમેરિકન ચૂંટણીમાં રશિયાની દરમિયાનગીરી જેવા મુદ્દે કડક વલણ અપનાવવાનું હતું, તેને નજરઅંદાજ કરી દીધું અને સમિટને પોતાની રીતે હેન્ડલ કરી. 

 


ધ ન્યૂયોર્ક ટાઇમ્સે કહ્યું, વિદેશ જઇને વર્તન કરવાની પરંપરા ટ્રમ્પે તોડી 


- વિદેશમાં કોઇ પ્રેસિડન્ટની વાતચીતની કેવી રીત હોવી જોઇએ, તે તમામ પરંપરાઓને ટ્રમ્પે તોડી. આ હેડલાઇન સાથે કરવામાં આવેલા એનાલિસિસમાં એનવાઇટીએ લખ્યું - ટ્રમ્પ ફિનલેન્ડ જાય છે, જ્યાં આજ પહેલાં કોઇ પ્રેસિડન્ટ ગયા નથી.
- ટ્રમ્પે ત્યાં જઇને આપણાં વિરોધી દેશના નેતાની સ્પષ્ટતાનો સ્વીકાર કર્યો અને અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને ખોટી સાબિત કરી. ટ્રમ્પે જે કર્યુ તે વિદેશી ધરતી પર અત્યાર સુધી કોઇ અમેરિકન પ્રેસિડન્ટે નથી કર્યુ. તેઓએ પરંપરાને તોડી નાખી. 
- ન્યૂયોર્ક ટાઇમ્સે સીઆઇએના ભૂતપૂર્વ નિર્દેશન જ્હોન બરનૈનના હવાલાથી લખ્યું કે, ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ ઉચ્ચ અપરાધ અને ખરાબ આચરણના મુદ્દે હતી. આ દેશદ્રોહથી કમ નથી. 


સીએનએનએ કહ્યું, ટ્રમ્પના પ્રેસિડન્ટ કાળની આ સૌથી શરમજનક ક્ષણ 


- અમેરિકાની ચેનલ સીએનએનએ પોતાના એનાલિસિસમાં લખ્યું - ટ્રમ્પે વિદેશની ધરતી પર જઇને પોતાના દેશની ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સંસદ સમિતિને ખોટી સાબિત કરી. આ બધું જ તેઓએ એવા સમયે કર્યુ જ્યારે તેમની નજીક રશિયાના પ્રેસિડન્ટ ઉભા હતા. 
- વળી, રશિયાના પ્રેસિડન્ટ જેઓએ 2016માં ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો એટલું જ નહીં, ક્રિમિયા પર હુમલો કર્યો અને બ્રિટનમાં વસતા એક ભૂતપૂર્વ રશિયન જાસૂસને ઝેર આપવાનો આદેશ આપ્યા. 
- જો પુતિન એવું કહી દે છે કે, અમેરિકાના ઇલેક્શનમાં અમે કોઇ હસ્તક્ષેપ નથી કર્યો તો આપણે માની લેવું જોઇએ? સીએનએનના ભૂતપૂર્વ રિપબ્લિક સાંસદ અને એક્સપર્ટ જોઇ વોલ્શના હવાલાથી જણાવ્યું કે, ટ્રમ્પે જે કર્યુ તે દેશદ્રોહ છે અને તે અમેરિકા માટે જીવતું-જાગતું જોખમ છે. 

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: US lawmakers slam Donald Trump in Russia summit
(News in Gujarati from Divya Bhaskar)