Loading...

સિમ કાઢવા છતાં ગૂગલ જાણે છે તમારું લોકેશન, વાંચી શકે છે ઇમેલ

ગૂગલ બધા પર સતત રાખે છે નજર, તમારી બધી વાતો જાણે છે

Divya Bhaskar Aug 27, 2018, 04:40 PM

ગેજેટ ડેસ્કઃ તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે લોકેશન ઑફ હોય તો પણ ગૂગલ યુઝર્સને ટ્રેક કરે છે પણ આ તો માત્ર લોકેશનની વાત છે. ગૂગલ યૂઝરની દરેક એક્ટિવિટી, દરેક કામને ટ્રેક કરે છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે જો ગૂગલ તમારા ડેટા અને ઇન્ટરનેટ સંબંધી પ્રવૃત્તિઓને ટ્રેક કરે તો તે ભવિષ્ય પણ જણાવી શકે છે, તે પણ ગણતરીની મિનિટોમાં. આઇટી એક્સપર્ટ અભિષેક ધાભઇ જણાવે છે કે, 4 વર્ષ અગાઉ યુરોપના કોઇ વિકસિત દેશમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ વધી રહી હતી. સરકાર ખૂબ ચિંતિત હતી. આથી સરકારે ગૂગલ પાસે એવા લોકો અંગે માહિતી માંગી જે લોકો સતત સામૂહિક દુષ્કર્મ સંબંધી કન્ટેન્ટ સર્ચ કરતા હતા. આવું જાણીને સરકાર આ પ્રકારના લોકો અંગે જાણવાનો પ્રયાસ કરી રહી હતી, જેથી ભવિષ્યમાં થતાં આવા અપરાધોને અટકાવી શકાય.


તમારા અંગે ગૂગલ આટલી વાતો જાણે છે
1. નામ 2. જન્મદિવસ 3. જેન્ડર 4. મોબાઇલ નંબર 5. તમારા ગૂગલ સર્ચ 6. જે વેબસાઇટ્સ પર તમે ગયા. 7. તમે હાલ ક્યાં છો? 8. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તમે ક્યાં ગયા/રહ્યા છો? 9. તમને કઇ ગેમ, સોંગ્સ, ફિલ્મો વગેરે પસંદ છે? 10. તમે ક્યાં કામ કરો છો? 11. ક્યાં રહો છો? 12. મેલ 13. વોઇસ રેકોર્ડિંગ 14. કઇ બાબતોમાં રસ છે? 15. ફોટો 16. ફોનબુક/કોન્ટેક્ટ્સ 17. કઇ-કઇ એપ વાપરો છો? 18. પસંદ-નાપસંદ 19. શું વધુ ખરીદો છો? 20. હાલ ક્યાં વ્યસ્ત છો?

ગૂગલ આવી રીતે તમારી પર 24X7 નજર રાખે છે

1. ગૂગલની એપ્સ સર્વર પર લોકેશન મોકલે છે
ગૂગલનું મશીન લેવલ પ્રોગ્રામિંગ એવું છે કે જે કંપનીની કોઇ પણ એપ વાપરતા યૂઝરનું લોકેશન ટ્રેક કરે છે અને સર્વર પર મોકલતી રહે છે. ગૂગલ મેપ્સ, વોઇસ, જીમેલ, ક્રોમ વગેરે તમામ એપ્સ તમારું લોકેશન ટ્રેક કરે છે અને તેને ગૂગલ સર્વર સાથે શૅર કરે છે, જેને હિસ્ટ્રી કહે છે. તેથી તમે લોકેશન બંધ કર્યું હોય તો પણ ગૂગલને ખબર હોય છે કે તમે ક્યાં છો? એક રિપોર્ટ મુજબ એન્ડ્રોઇડ ફોન દર કલાકે લોકેશન સંબંધી 40 ઇનપુટ અને આઇફોન લગભગ 4 ઇનપુટ મોકલે છે. ગૂગલ તમારા જીપીએસ લોકેશન અને નજીકના સેલફોન ટાવરના લોકેશનનો પણ રેકોર્ડ રાખે છે.

2. કૂકીઝ જાણી લે છે કે શું સર્ચ કરી રહ્યા છીએ?
ગૂગલને ખબર છે કે તમે ઇન્ટરનેટ પર શું શોધી રહ્યા છો? વાસ્તવમાં ગૂગલની અમુક એવી કૂકીઝ છે કે જે મેક આઇડી અને આઇપી એડ્રેસના કોમ્બિનેશનથી જાણી લે છે કે યુઝર કોણ છે? વારંવાર એક જ કોમ્બિનેશન આવવાથી એ ખબર પડી જાય છે કે તે વ્યક્તિ સામાન્ય રીતે શું સર્ચ કરે છે? તે જ રીતે જો તમે જીમેલ આઇડીથી લોગઈન કર્યું છે તો તમારા આઇડીથી સર્ચ કરાયેલું બધું જ ગૂગલને જાણવા મળતું રહે છે. ગૂગલ આઇડેન્ટિફાયર કૂકીઝને પણ તમારા કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ કરી દે છે.

3. ફોટોની સાથે ડિટેઇલ્સ પણ જાય છે
આપણે ઘણીવાર ગૂગલની ફોટોઝ એપમાં અથવા ક્લાઉડમાં પોતાનો ફેમિલી ફોટો અપલોડ કરતાં હોઇએ છીએ. તે સિક્યોર છે, કોઇની સાથે શેર નથી હોતા, પરંતુ તે ગૂગલ પાસે સેવ થઇ જાય છે. માત્ર ફોટો જ નહીં પણ તેની ડિટેઇલ્સ પણ ગૂગલ પાસે જતી રહે છે. જેમ કે, તમે ફોટોને કેટલો એડિટ કર્યો છે, કોને ટેગ કર્યા છે, કયા શહેરમાં ક્લિક કર્યો છે, કેટલા વાગે ક્લિક કર્યો છે, ફોટોનું લોકેશન શું છે, ડિવાઇસનો સીરિયલ નંબર શું છે.

4. જાણે છે તમે ટ્રેનમાં છો કે ચાલતા જઇ રહ્યા છો
જો તમે ફોનમાંથી સિમ કાઢી લીધું હોય તો પણ વાઇ-ફાઇ અથવા હોટ-સ્પોટ સાથે ફોન કનેક્ટ કરતાં જ ગૂગલ તમારું ટ્રેકિંગ શરૂ કરી દેશે. તેવામાં જો આપણે અલગ-અલગ જગ્યાએ જઇએ તો ગૂગલ આપણી મૂવમેન્ટની સ્પીડથી જાણી શકે છે કે આપણે કેવી રીતે મુસાફરી કરી રહ્યા છીએ. આપણે ચાલી રહ્યા છીએ, કારમાં છીએ કે ટ્રેનમાં છીએ. એટલું જ નહીં તમારા વાઇ-ફાઇની સ્ટ્રેન્થ, બ્લૂટૂથ કનેક્શનની જાણકારી, બેટરી કેટલી ચાર્જ છે, ફોન ચાર્જિંગમાં છે સહિતની તમામ માહિતી ગૂગલ પાસે જતી હોય છે.

5. તમારી પસંદ-નાપસંદ પણ જાણે છે ગૂગલ
તમે ગૂગલ પર જે પણ સર્ચ કરો છો તેને ગૂગલ પોતાના અલ્ગોરિધમની મદદથી તે માહિતીઓનો ટ્રેન્ડ બનાવીને એડ કંપનીઓને વેચે છે. જેમ કે, તમે કોઇ કાઠીયાવાડી થાળી ઇન અમદાવાદ સર્ચ કર્યું હશે. તો ગૂગલ પાસે એ માહિતી પહોંચી ગઇ હશે કે તમે અમદાવાદમાં કાઠીયાવાડી થાળી અંગે સર્ચ કર્યું છે. આથી અમદાવાદમાં કાઠિયાવાડી ભોજન અંગેને જે પણ એડ્સ હશે તે યૂઝરની સ્ક્રીન પર દેખાશે. આવી રીતે ગૂગલ કરોડો યૂઝર્સની પસંદ-નાપસંદ જાણી લે છે.

6. તમે ક્યાં જઇ રહ્યા છો તે પણ ગૂગલ જાણી લે છે
તમે કદાચ નોટિસ કર્યું હશે કે તમે કોઇ ફ્લાઇટ બુક કરી હશે તો તમારા ફોનમાં તેનું રિમાઇન્ડર આવવા લાગે છે. વાસ્તવમાં ગૂગલ રોબોટિક અલ્ગોરિધમ પર કામ કરે છે. તમારી પાસે જે મેઇલ આવે છે તેમાં પણ કોડિંગ હોય છે. હવે જ્યારે તમારો ટ્રાવેલ એજન્ટ તમને ટિકિટ મેઇલ કરે છે ત્યારે ગૂગલ અલ્ગોરિધમના શબ્દો દ્વારા જાણી લે છે કે તે કોઇ ટ્રાવેલ ટિકિટ છે. તે સિવાય ટિકિટમાં મેન્શન પીએનઆર નંબર, ટ્રેન કયાથી કયા સ્ટેશન વચ્ચે ચાલશે તેને પણ ગૂગલ ટ્રેક કરે છે. બાદમાં તે માહિતી ગૂગલ કેલેન્ડરમાં જતી રહે છે, જેથી આપણને ટ્રાવેલિંગને લગતાં નોટિફિકેશન આવવા લાગે છે. તેના આધારે જાણી શકાય છે કે, ગૂગલની પહોંચ આપણા ઇમેલ કન્ટેન્ટ સુધી છે.

આ પરેશાની કેવી રીતે ઘટાડી શકાય
- લોકેશન હિસ્ટ્રી બચાવવા માટે ડેટા એન્ડ પર્સનલાઇઝેશન ટેબમાં લોકેશન હિસ્ટ્રીમાં જઇને સેટિંગ ઑફ કરી દો. તમે જે ફોન-કમ્પ્યૂટર વાપરતા હોવ તે બધા માટે આમ કરો, ભલે બધામાં એક જ એકાઉન્ટ હોય.
- જીપીએસ સિગ્નલ્સ જરૂર હોય ત્યારે જ ઓન કરો. વેબ એક્ટિવિટીને ટ્રેકિંગથી બચાવવા માટે સેટિંગમાં જઇને ગૂગલ એકાઉન્ટમાં ડેટા એન્ડ પર્સનલાઇઝેશન ટેબ પર વેબ એન્ડ એપ એક્ટિવિટી ઑફ કરી દો.
- ગૂગલ વોઇસ સર્ચનો ડેટા પણ સેવ રાખે છે. તેને આપણે વોઇસ એન્ડ ઓડિયો એક્ટિવિટી પેજમાં જઇને જોઇ શકીએ છીએ, ડિલીટ કરી શકીએ છીએ.
- ફોટો અપલોડ કરતાં પહેલા કેમેરા એપમાં ઓલ એપ સેક્શનમાં સેટિંગમાં જઇને સેવ લોકેશન ઓફ કરી દો. ગૂગલ ફોટોઝમાં મેન્યૂ સેટિંગમાં લોકેશનમાં જિયો લોકેશન બંધ કરી દો. ગૂગલ તમારા લોકેશનને એસ્ટિમેટ કરે છે, તેને બંધ કરી દો. આ માટે ફોટો લાઇબ્રેરીમાં ફોટો પર ક્લિક કરો ઇકો આઇકનમાં રિમૂવ લોકેશનને ક્લિક કરો.
- ગૂગલ પોતાના એડવર્ટાઇઝર્સ માટે આપણા સર્ચને સમજીને એડ દર્શાવે છે. આથી આપણો સમગ્ર ડેટા ગૂગલ પાસે જતો રહે છે. આપણી પ્રોફાઇલમાં આપણી સર્ચ હિસ્ટ્રી અને યૂટ્યૂબ સર્ચ હિસ્ટ્રી સ્ટોર થઇ જાય છે. તેને રોકવા માટે એડ સેટિંગ્સમાં જઇને એડ પર્સનલાઇઝેશનને ઓફ કરી શકો છો.

આ પણ વાંચોઃ તમારી ચેનલના YouTube પર 1000 સબ્સ્ક્રાઇબર્સ હોય તો ગૂગલ પૈસા આપે?


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ગૂગલ લોકેશન ઇમેલ | Google tracks phone reads mail
(News in Gujarati from Divya Bhaskar)