જિલ્લામાં કોંગ્રેસના 150 કાર્યકરોની અટક

News - આંશિક અસર| કોંગ્રેસનું પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભારત બંધના એલાન

Divyabhaskar.com Sep 11, 2018, 03:16 AM IST

જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ, વિજલપોરમાં મહદઅંશે બંધ સફળ, ડિટેઇન કરાયેલા કાર્યકરો બપોર બાદ છોડી દેવાયા

ખેરગામમાં દુકાન બંધ કરાવવા આવેલા કોંગ્રેસી કાર્યકરો સાથે માલિકની ચકમક થતાં લોકો ભેંગા થયા હતા, આ અંગે પોલીસને જાણ થતાં તુરંત જ સ્થળ પર પહોંચી હતી

નવસારીમાં બંધ કરવા નીકળેલા કોંગ્રેસીઓને પોલીસે ડિટેઈન કર્યા હતા, જ્યારે નવસારીમાં અમુક દુકાનો બંધ રહી હતી અને અમુક દુકાનો ચાલુ રહી હતી. બીલીમોરામાં કોંગ્રેસ દ્વારા ભારત બંધને લઈ સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી.

સમગ્ર ભારતમાં કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલ સહિતના વધતા જતા ભાવોની સામે બંધનુ એલાન આપ્યું હતું. નવસારી જિલ્લા કોંગ્રેસે પણ તેનું સમર્થન કર્યું હતું. જેના પગલે શહેરમાં કોંગ્રેસના કાર્યકરો સ્વૈચ્છિક બંધ રાખવા લોકોને અપીલ કરવા ઉમટી પડ્યા હતા. સ્ટેશન વિસ્તારથી તેમણે બંધને સમર્થન આપવા લોકોને અપીલ કરતા જોવા મળ્યા હતા. જોકે શહેરમાં કોઈ અઘટિત ઘટના નહીં ઘટે તે માટે પોલીસ બંદોબસ્ત હતો. સ્ટેશન વિસ્તારમાં બંધ માટે અપીલ કરી રહેલા 12 કોંગ્રેસી કાર્યકરોની અટક કરી હતી. એ વખતે પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે તુતુમૈંમૈં થઈ હતી. વિજલપોરમાં બંધને સફળતા મળી હતી. મહત્તમ દુકાનો, ઉદ્યોગ-વેપાર બંધ રહ્યા હતા.

શૈક્ષણિક સંસ્થાઓ અને દવાખાના ચાલુ રહ્યા

કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધની અસર નવસારીમાં શૈક્ષણિક સંસ્થાઓ કે મેડિકલ ક્ષેત્રમાં જોવા મળી ન હતી. મહત્તમ શાળા-કોલેજમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રહ્યું હતું. ઉપરાંત દવાખાના, હોસ્પિટલ પણ ચાલુ રહી હતી. શહેરની એકલદોકલ શાળાએ જ કાર્યકરોની અપીલને પગલે રજા આપવી પડી હતી.

ખેરગામમાં તા.પં. પ્રમુખ સહિત 13 કાર્યકરો ડિટેઈન

ખેરગામ | ખેરગામમાં ભારત બંધના સમર્થનમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીન પટેલ સહિત કાર્યકરો ભેગા મળી ખેરગામમાં ખૂલેલી દુકાનોમાં સ્વૈચ્છિક બંધ કરવા અપીલ કરી હતી. આ દરમ્યાન બજારમાં શ્રીજી હોટલના મલિક પંકજ મોદી સાથે દુકાન બંધ કરવા અપીલ કરી હતી, દુકાનમાં લોકો ભેગા થતા ત્યાં આવી પહોંચેલા પીએસઆઇ જીગ્નેશ ગામીત સહિત જવાનોએ સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે કોંગ્રેસના પ્રમુખ શશીન પટેલ,તા. પં. પ્રમુખ સંગીતાબેન નાયક,મહામંત્રી અમિત પટેલ,જિ. પ.સદસ્ય ગુણવંતીબેન પટેલ,તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ વીણાબેન પટેલ,સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ સુનિતા પટેલ સહિત 13 જેટલા કાર્યકરોને ડિટેઈન કરી લઈ જવામાં આવ્યા હતા. બપોર બાદ ઘણી બધી દુકાનો ફરી ખુલી ગઈ હતી.

મરોલીમાં કોંગી કાર્યકરોને ડિટેઈન કરાયા

મરોલી | કોંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને પગલે મરોલીમાં કોંગ્રેસના કાર્યકર્તા મહુવર ગામના તા.પં. સભ્ય ભરત રાઠોડ, પૂર્વ જિ.પં. પ્રમુખ રમણભાઈ પટેલ, સુનિલભાઈ, યોગેશ પાંડે સહિત કોંગી કાર્યકરોએ સવારે મહુવર-મરોલી બજાર ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો. વેપારી એસોસિએશને સ્વયંભૂ બંધ રાખી કોંગ્રેસના બંધના એલાનને સમર્થન કર્યું હતું. મરોલી પોલીસ દ્વારા વિરોધ કરનારા 20થી 25 કાર્યકરોને ડિટેઈન કરાયા હતા.

દુકાનોની શટર ગણતરીની મિનિટોમાં ખુલી ગઈ

બીલીમોરા |
બીલીમોરા કોંગ્રેસ દ્વારા ચીમોડિયા નાકા પાસે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી દુકાનો બંધ કરવા માટે કાર્યકર્તા રેલી સ્વરૂપે નીકળ્યા હતા. પ્રથમ ચીમોડિયા નાકાની પાલિકા શોપિંગ સેન્ટરની દુકાનો બંધ કરાવી, ખાડામાર્કેટ વિસ્તાર, સ્ટેશન રોડ, ગોહરબાગમાં બંધ કરાવવા માટે નીકળ્યા હતા. દુકાનદારો તેમની દુકાનો બંધ કરાવતા દુકાનો તો બંધ કરી કોંગ્રેસી કાર્યકરોના ગયા બાદ ફરી દુકાનના શટર ખોલી દીધા હતા. વિપક્ષી પાલિકા સભ્ય અને વિપક્ષના નેતા મંજુબેન પટેલ, વિપક્ષી સભ્ય બદરૂનબેન પણ આ બંધના સમર્થનમાં આવ્યા હતા.

ગણદેવીમાં બંધને મિશ્ર પ્રતિસાદ

ગણદેવી | કોંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને પગલે ગણદેવીમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. ગણદેવી બજારમાં કેટલીક દુકાનો બંધ રહી હતી. જ્યારે કેટલીક દુકાનો બે-ત્રણ કલાક બંધ રહ્યા બાદ બપોરે ખુલી ગઈ હતી. શાકભાજી માર્કેટમાં પણ આવા જ પ્રત્યાઘાત આપ્યા હતા. બેંકોએ યથાવત કામકાજ કર્યા હતા. પ્રાથમિક કુમારશાળાના વિદ્યાર્થીઓ શાળા પ્રારંભાયા બાદ થોડો સમય શૈક્ષણિક કાર્ય કરી બાદમાં બંધ કરાવાયું હતું. બસ-રિક્ષા વ્યવહાર યથાવત રહ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો સવારથી બંધને સહકાર આપવા રસ્તા પર, બજારમાં આવી લોકોને વિનંતી કરતા મિશ્ર પ્રતિસાદ રહ્યો હતો. ગણદેવી પીએસઆઈ વી.બી.આલે બંદોબસ્ત જાળવ્યો હતો.

અડધો કલાક બસસેવા ખોટકાઈ

કોંગ્રેસના બંધના એલાનને પગલે એસટી નિગમની નવસારી બસ ડેપોની બસસેવા સવારે અડધો કલાક માટે બંધ કરી દેવામાં આવી હતી. ડેપો મેનેજર વિકી રાવલે જણાવ્યું હતું કે લોકોના હિત માટે અને સલામતીના ધોરણોસર થોડો સમય માટે બસસેવા બંધ કરાઈ હતી. જોકે જિલ્લામાં બધુ સમુસૂતરુ જણાતા તુરંત જ બસસેવા રાબેતા મુજબ કરી દેવામાં આવી હતી.

Share
Next Story

જિલ્લામાં તલાટી મંડળનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navsari - જિલ્લામાં કોંગ્રેસના 150 કાર્યકરોની અટક
(News in Gujarati from Divya Bhaskar)