ઘાયલ / ડાંગમાં બાળકે ટીવીના રિમોટ સાથે વિસ્ફોટક જોડી દેતાં બ્લાસ્ટ, ગંભીર

ઈજાગ્રસ્ત બાળકની હાલત સામાન્ય
  • રિમોટમાં વિસ્ફોટ થતા લોહીલુહાણ થઈ ગયો
  • શરીર પર પણ ઈજાના નિશાન મળી આવ્યા
  • લાઈટ સમજી બાળકે રિમોટ સાથે ટેટાના વાયર જોડી દીધા હતા
Divyabhaskar.com Apr 25, 2019, 06:41 PM IST

સુરતઃ  ડાંગમાં ઘોડવહળ ગામે 8 વર્ષના માસૂમ બાળકે ટીવીના રિમોટ સાથે વિસ્ફોટક પદાર્થ જોડી દેતાની સાથે ધડાકો થયો હતો. આ ધડાકાથી બાળકને હાથ અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારનો સભ્યો તેને તાત્કાલિક સારવાર અર્થે શામગહાન આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. પથ્થર તોડવા વપરાતા (ડિટોનેટર) વિસ્ફોટકનો વાયર રિમોટના સેલ સાથે જોડી દેતા ઘટના બની હતી. સદનસીબે બાળકનો જીવ બચી ગયો હતો. બાળક હાલ સારવાર હેઠળ છે.

ધડાકાનો અવાજ સંભળાતા પરિવારજનો દોડ્યા

મળતી માહિતી પ્રમાણે, ડાંગના વઘઇ તાલુકાના ઘોડવહળ ગામે સુરજ ભાગવતભાઈ ભુસારા(ઉ.વ.9) પરિવાર સાથે રહે છે. હાલ વેકેશન હોવાથી સુરજ ઘરમાં ટીવી જોઈ રહ્યો હતો. દરમિયાન ટીવીનાં ડુપ્લીકેટ ચાઈનીઝ રિમોટમાં વિસ્ફોટ થયો હતો. જેથી તેના હાથ અને શરીરના અન્ય ભાગોમાં પણ ઈજા થઈ હતી. ધડાકાનો અવાજ આવતા અને દીકરાની બુમાબુમથી પરિવારજનો દોડી આવ્યા હતા. અને દીકરાને લોહીલુહાણ હાલતમાં જોઈને હેબતાઈ ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અને હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

જીવ જોખમમાં મૂકે તેવા ડિટોનેટરનું ડાંગમાં રૂપિયા 200થી 300માં વેચાણ
ડાંગ જિલ્લામાં પથ્થર તોડવા વપરાતું ડિટોનેટર (વિસ્ફોટક)નું વેચાણ રૂ. 200થી 300માં થઈ રહ્યાની વિગતો સાંપડી છે. પોલીસ મથકમાં આ વિસ્ફોટકો રાખનારાઓએ નોંધણી કરાવવાની હોય છે પરંતુ ડાંગમાં તેની નોંધણી કરવામાં છૂટક વેપારીઓ આળસ કરે છે અને તેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઇ રહ્યા છે. જો પોલીસ આવો વેપલો કરનારા સામે લાલ આંખ નહીં કરે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના થવાની શકયતા નકારી શકાય તેમ નથી. આવા વિસ્ફોટકો જીવલેણ સાબિત થઈ શકે છે.

રિમોટમાં વિસ્ફોટ થવાની શક્યતા રહેતી નથી
 ટીવીના રિમોટમાં વિસ્ફોટ થવાની કોઈ શક્યતા જ રહેતી નથી, કેમકે રિમોટ ચાઇના હોય કે ઈન્ડિયન તેમાં સર્કિટ આવતી હોય તે ઉડી જાય અથવા બંધ થઈ શકે પરંતુ વિસ્ફોટનો તો પ્રશ્ન રહેતો જ નથી. વિસ્ફોટનું બીજું કોઈ કારણ હોઈ શકે છે.-  સુનિલભાઈ જાદવ, ઈલેકટ્રીક એક્સપર્ટ
અમે ઘરે હાજર ન હતા : બાળકના પિતા
દીકરો રમવા ગયો ત્યારે તે વિસ્ફોટક જે પથ્થર તોડવા વાપરવામાં આવે છે તે લઈ આવ્યો હોય તેવું લાગે છે. તેને તેણે ટીવીના રિમોટના સેલ સાથે જોડી દીધું હતું અને તેથી વિસ્ફોટ થયો હતો. એ વખતે અમે ઘરે હાજર ન હતા.-ભાગવતભાઇ ભૂસારા, ઇજાગ્રસ્તના બાળકના પિતા
લાઇટ જેવુ કઇક લાગતા ઘરે લાવ્યો હતો
 હું રસ્તા ઉપર રમતો હતો ત્યારે લાઇટ જેવુ કંઈક મળ્યું તે લઈને ઘરે ગયો અને રિમોટ સાથે જોડ્યુ તો એ ફૂટી ગયું. - સુરજ ભુસારા, ઇજાગ્રસ્ત બાળક
એફએસએલની મદદ લેવામાં આવી છે 
જે રિમોટમાં વિસ્ફોટ થયો તે રિમોટ કબજે કરી લેવામાં આવ્યું છે. આ વિસ્ફોટક પદાર્થ અંગે વિગતવાર તપાસ અર્થે એફ.એસ.એલ.ની મદદ પણ લેવામાં આવી છે. તેમના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરાશે. - નરેન્દ્રસિંહ જાડેજા, હે.કો., સાપુતારા
છાતી-પેટ પર ઇજા : સારવાર હેઠળ છે 
 બાળકને સારવાર અર્થે લાવવામાં આવ્યો ત્યારે તેના હાથ અને છાતી-પેટના ભાગે ઈજા જણાઈ આવી હતી. તેને તાત્કાલિક સારવાર અપાઈ હતી. હાલ તે સારવાર હેઠળ છે. - ડો. મિલન પટેલ, શામગહાન સીએચસી

Share
Next Story

ધોળાપીપળા ખાતે ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 9 year old child injured by Cracked remote control of TV in dang
(News in Gujarati from Divya Bhaskar)