રેરેસ્ટ ઓફ રેર / 90% બંધ આંખ ખોલવામાં સફળતા, વિશ્વનો માત્ર 20મો કેસ

  • મગજની શુદ્ધ-અશુદ્ધ લોહીની ધમની-શિરા ફાટી ગયા પછી અઢી કલાક પ્રોસીજર કરી દર્દીને લકવાથી પણ બચાવાયો 
Divyabhaskar.com Feb 25, 2019, 11:12 AM IST

અમદાવાદ: અમદાવાદના ન્યૂરો ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટે સુરતના 38 વર્ષના યુવાનની અઢી કલાકની સફળ એમ્બોલાઇઝેશનની પ્રોસીજરથી 90 ટકા બંધ થયેલી આંખ તો ખોલી જ છે, સાથોસાથ આર્ટરી બચાવીને લકવાથી બચાવ્યો છે. 'પરસીસ્ટન્ટ ટ્રાયજેમિનલ આર્ટરી કેરોટીડ-કેવરનસ ફિસ્યુલા'ની જન્મજાત તકલીફમાં મગજની શુદ્ધ-અશુદ્ધ લોહીની ધમની-શિરા જોડાયેલી હોય અને ફાટી ગઇ હોય તેવા વિશ્વના 20મા કેસનો તબીબે દાવો કર્યો છે. 

 

સુરતના વેપારી યોગેશ ચોપરા જણાવે છે કે, ઓગસ્ટ-2018માં મારી આંખની પાંપણ ક્રોસ થઇને પાંચ દિવસમાં 90 ટકા બંધ થઇ જતાં સુરતનાં ન્યૂરોલોજિસ્ટે મગજની લોહીની નસનું લોહી લીકેજ હોવાનું જણાવી સારવાર માટે અમદાવાદ મોકલ્યા હતા. અહીં ડો. મિલન ઝોલાપરાએ આ એક રેરેસ્ટ ઓફ ધ રેર ડિસીઝ હોવાનું કહ્યું. અઢી કલાકની પ્રોસીજર બાદ હું સ્પષ્ટ જોઇ શકું છું. 

 

ન્યૂરો ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ડો. મિલન ઝોલાપરા જણાવે છે કે, ભારતમાં અગાઉ એક કેસમાં દર્દીની મગજની આર્ટરી બચાવી શકાઇ ન હતી. અમે સફળ પ્રોસીજરથી દર્દીની આર્ટરી બચાવીને લકવાનું જોખમ દૂર કર્યું છે. 

વિશ્વમાં માત્ર 1થી 2 ટકા લોકોને જ આ પ્રકારની તકલીફ હોય છે 


ગર્ભસ્થ શિશુમાં મગજની ચાર નસોમાંથી આગળ અને પાછળની નસ વચ્ચે ટ્રાયજેમિનલ આર્ટરી સાથે જોડાયેલી હોય છે, પણ બાળક જેમ મોટું થાય અને જન્મે ત્યારે તે અલગ પડે છે. પરંતુ, 1થી 2 ટકામાં જોડાયેલી રહે છે. 

 

સાથળની નસથી મગજની નસ સુધી ગયા 
એન્જિયોપ્લાસ્ટી જેમ સાથળની નસમાં પંચર કરી ટ્યુબ દ્વારા મગજની નસ સુધી પહોંચ્યા ત્યાં સ્પેશ્યિલ દવાથી ફાટી ગયેલા કનેક્શનને બંધ કર્યું. તેમજ બલુન મૂકીને આર્ટરી બચાવી, નહિ તો દર્દીને લકવાનું જોખમ હતું. 

 

સર્જરી શક્ય નથી, માત્ર પ્રોસીજર થઈ શકે 
ડો. અજીત સોવની, સિનિયર ન્યૂરોલોજિસ્ટે જણાવ્યું કે, 1 હજારે 1થી 6 વ્યકિતમાં આવી તકલીફ હોય અને તેમાં નસમાં ફુગ્ગો થઇને ફાટી ગઇ હોય આવી તકલીફ જવલ્લે જ જોવા મળે છે, જેમાં સર્જરી શક્ય નથી ત્યારે આવી પ્રોસીજર આશીર્વાદરૂપ બની શકે.  

 

લોહી હૃદયને બદલે આંખ તરફ જતું હતું 
ડો. કૈરવ શાહ, ન્યૂરો સર્જને જણાવ્યું, દર્દીની ધમની અને શિરા જોડાયેલી હતી, અને ધમનીનું પ્રેશર શીરા પર આવતા ફૂલી ગઇ હતી. સામાન્ય રીતે આંખમાં જે લોહી આવે તે મગજનાં પાછળનાં ભાગમાં જઇને હૃદય તરફ જાય પણ આ તકલીફથી લોહી હૃદયને બદલે રિવર્સ થઇ આંખ તરફ ડાયવર્ટ થયું હતું.   

Next Story

અઝહરબૈજાન / લોકો બીમારીઓથી બચવા માટે ક્રૂડ ઓઇલથી સ્નાન કરી રહ્યા છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: World's 20th case, successfully done the surgery of person whose eyes was 90 percent closed
(News in Gujarati from Divya Bhaskar)