ગાંધીનગર / પુન્દ્રાસણમાં ટાઉનશિપના નામે 120 કરોડનું કૌભાંડ, 2011માં સ્કીમ મૂક્યા બાદ હજુ પ્લોટ ફાળવાયા નથી

  • પ્લોટની રકમ ભરપાઇ થઇ જાય પછી પાંચ વર્ષની અંદર પ્લોટનો કબજો આપવાની બાંહેધરી આપી હતી
Divyabhaskar.com May 20, 2019, 08:39 AM IST

ગાંધીનગર: પુન્દ્રાસણ ગામની સીમમાં વિદ્યુતનગર ટાઉનશીપના નામે 1200 સભાસદોને પ્લોટ આપવાનું કહીને રૂપિયા 9 થી 11 લાખ લેવાયા હતા. માર્ચ-2011માં ટાઉનશીપની સ્કિમ શરૂ કર્યા બાદ સભાસદોને પ્લોટ ન ફાળવીને રૂપિયા 120 કરોડનું કૌભાંડ આચરાયાની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે અશોકભાઇ પટેલ અને પ્રવિણભાઇ ભીખાભાઇ પાનસરીયાને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નગરના સેક્ટર-20, પ્લોટનં.288/4માં રહેતા અને જીઇબીમાં સુપ્રિન્ટેન્ડીંગની પોસ્ટ ઉપરથી નિવૃત્ત થયેલા અજીતસિંહ નાગજીભાઇ ભટ્ટીએ ફરિયાદ આપી છે કે માર્ચ-2011માં કોબા રોડ પર 96, ઉર્જાનગર સોસાયટીમાં રહેતા કેશરીસિંહ શીવસિંહ ચૌહાણ અને અન્ય પાંચ શખસોએ ભાગીદારીમાં જિલ્લાના પુન્દ્રાસણ ગામની સીમમાં વિદ્યુતનગર ટાઉનશીપ સ્કીમના નામે સભાસદો બનાવ્યા હતા. 

સભાસદ નોંધણી પેટે રૂપિયા 11 હજાર ડિપોઝીટ લીધા બાદ જેટલા વારનો પ્લોટ ખરીદવાનો હોય તે મુજબ રૂપિયા 9 થી 11 લાખની રકમ ભરવાની હતી. પ્લોટની રકમ ભરપાઇ થઇ જાય પછી પાંચ વર્ષની અંદર પ્લોટનો કબજો આપવાની બાંહેધરી આપી હતી. ટાઉનશીપમાં પ્લોટ લેવા માટે 1200 જેટલા સભ્યોએ રૂપિયા 9 થી 11 લાખ લેખે કુલ રૂપિયા 120 કરોડ આપ્યા હતા. પરંતુ નવ વર્ષ થવા છતાં સભાસદોને પ્લોટ નહી આપ્યાનો આક્ષેપ કર્યો છે. પેથાપુર પોલીસે અશોક ભવાનભાઇ પટેલ અને પ્રવિણભાઇ ભીખાભાઇ પાનસરીયાની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હોવાનું પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.જી.એનુરકારે જણાવ્યું છે.  

કૌભાંડમાં સંડોવાયેલા છ શખસો પૈકી અશોકભાઇ પટેલની શનિવાર રાત્રે ધરપકડ કરાઇ હતી, તેને કોર્ટમાં રજુ કરતા તારીખ 27મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે અન્ય શખસ પ્રવિણભાઇ ભીખાભાઇ પાનસરીયાની રવિવારે ધરપકડ કરી હોવાથી તેના રિમાન્ડ માટે સોમવારે કોર્ટમાં રજુ કરાશે.

આ ટાઉનશીપ નામે કૌભાંડ કરનાર શખસોમાં કેશરીસિંહ શીવસિંહ ચૌહાણ, સરોપકુંવરબા ઉર્ફે સ્વરૂપબા રૂઘુનાથસિંહ કુંપાવત, કુલદિપસિંહ કેશરીસિંહ ચૌહાણ તમામ રહે 96, ઉર્જાનગર સોસાયટી, રાંદેસણ, ગાંધીનગર, અશોકભાઇ ભવાનભાઇ પટેલ, કેયુર અશોકભાઇ પટેલ રહે. પ્લોટ 403, સેક્ટર-8-બી, ગાંધીનગર અને પ્રવિણભાઇ ભીખાભાઇ પાનસરીયા રહે.4, આરાધના સોસાયટી, ઘુમારોડ, બોપલ, અમદાવાદનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય બાબત છે કે તંત્રએ આ પ્રકારની પ્રવૃતીઓ પર રોકથામ લગાવવા સજાગતા દાખવી છે.

એસ્ટેટ કૌભાંડ : સભાસદોના નાણાંમાંથી જમીન ખરીદી કરી હોવાનું બહાર આવ્યું
કેશરીસિંહે પુન્દ્રાસણ તથા કોલવડા ગામની સીમમાં કેશરીસિંહ તથા તેમની પત્ની સરોપકુંવરબા રૂઘનાથસિંહ કુંપાવત તથા કુલદીપસિંહ કેશરીસિંહ ચૌહાણ, કેયુર અશોકભાઇ પટેલના નામે જુદા જુદા સર્વે નંબરે જમીન ખરીદી હતી. જેમાંથી કુલ 110 સર્વે નંબરોવાળીન જમીન પુન્દ્રાસણ તથા કોલવડા ગામની સીમમાં ખરીદી હતી. જેમાં 43 વેચાણ દસ્તાવેજો, 27 એમઓયુ, 14 બાનાખત, 18 સંમતી પત્રકો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.

ટાઉનશિપમાં 9000 સભાસદો
સ્કીમમાં 9000 સભાસદો જોડાયેલા હતા. પરંતુ એક વર્ષ સુધી સ્કીમમાં કોઇ જ ડેવલપમેન્ટ ન થતાં આશરે 7000 જેટલા સભાસદોએ આગળની રકમ ભરપાઇ કરી નહી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

Share
Next Story

સચિવાલયમાં નોકરી અપાવવાના બહાને પૈસા પડાવવાનું કાૈભાંડ પકડાયું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 120 Crore Scam of Mundra Town at gandhinagar, Plot Not Allocated After Placing Schemes in 2011
(News in Gujarati from Divya Bhaskar)