જેલમાંથી શબનમનો હસતો ફોટો વાઇરલ:ફાંસીની રાહ જોઈ રહેલી શબનમને બરેલી જેલમાં શિફ્ટ કરવામાં આવી, ફોટો વાઇરલ મામલે 2 પોલીસકર્મી સસ્પેન્ડ
- શબમને પ્રેમી સાથે મળીને પોતાના જ પરિવારના 7 લોકોની ઘાતકી હત્યા કરી હતી
- શબનમનો હસતો ફોટો રામપુર જેલમાંથી સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો
UPના અમરોહાના બાવનખેડીની વતની શબનમને હાલમાં જ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. તેણે 13 વર્ષ પહેલાં પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ પરિવારના 7 લોકોની ઘાતકી હત્યા કરી હતી. શબનમ રામપુર જેલમાં કેદ હતી, પરંતુ સોમવારે તેને બરેલી જિલ્લા જેલમાં શિફ્ટ કરવામાં આવી હતી. શબનમનો હસતો ફોટો રામપુર જેલમાંથી સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ મામલે તપાસ બાદ દોષિત બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
26મી જાન્યુઆરીએ વાઇરલ થયો હતો ફોટો
રામપુર જેલ અધીક્ષક પીડી સાલોનિયાએ જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીએ શબનમનો ફોટો વાઇરલ થયો હતો. આ મામલે જેલના બે પોલીસકર્મી - મહિલ પોલીસકર્મી નાહિદ બી અને પોલીસ જવાન શુએબને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં, સાથે જ સુરક્ષાને કારણોસર શબનમને બરેલી જેલમાં શિફ્ટ કરવામાં આવી છે.
13 વર્ષ પહેલાં શબનમે તેના પરિવારના 7 લોકોની હત્યા કરી હતી
શબનમે 15 એપ્રિલ 2008ના રોજ પોતાના પ્રેમી સલીમ સાથે મળીને પોતાના પિતા શૌકત અલી, માતા હાશમી, ભાઈ અનીસ અહેમદ, તેની પત્ની અંજુમ, ભત્રીજી રાબિયા અને ભાઈ રાશિદની સાથે અનીશના 10 વર્ષની પુત્ર અર્શની હત્યા કરી હતી. તમામ લોકોને પહેલા દવા આપીને બેભાન કરી દેવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ અર્શને છોડીને બાકીના તમામ લોકોની કુહાડી વડે હત્યા કરવામાં આવી હતી. બાદમાં શબનમે જ અર્શનું ગળું દબાવીને હત્યા કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે શબનમ પ્રેગ્નેન્ટ હતી, પરંતુ પરિવારના લોકો સલીમ સાથે તેના લગ્ન કરાવવા માટે સંમત ન હતા. આ કારણે જ શબનમે પ્રેમી સલીમ સાથે મળીને સમગ્ર પરિવારની ઘાતકી હત્યા કરી હતી.
શબનમે જેલમાં જ પુત્રને જન્મ આપ્યો
જેલમાં કેદ દરમિયાન શબનમે 14 ડિસેમ્બર 2008ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેનો પુત્ર જેલમાં જ તેની સાથે રહે છે. 15 જુલાઇ 2015માં તે જેલથી બહાર આવ્યો હતો. ત્યાર બાદ શબનમે પોતાના પુત્રને તેની કોલેજ ફ્રેન્ડ ઉસ્માન સૈફીને સોંપ્યો હતો. શબનમે ઉસ્માનને પુત્ર સોંપતાં પહેલાં બે શરતો રાખી હતી. પ્રથમ તે કે તેના પુત્રને ક્યારેય પણ તેના ગામમાં લઈ જવામાં ન આવે, કારણ કે ત્યાં તેના જીવને જોખમ છે અને બીજી શરત એ હતી કે પુત્રનું નામ બદલી નાખવામાં આવે.