સાયબર હુમલો:ભારતીય કોરોના વેક્સિન પર સાયબર-અટેક, ચીનના હેકર્સે કરી ફોર્મ્યુલા ચોરવાની કોશિશ
- ચીન સમર્થિત હેકર્સના એક ગ્રુપે તાજેતરના સપ્તાહમાં કોરોના વેક્સિન બનાવનારી બે ભારતીય કંપનીઓની IT સિસ્ટમને નિશાન બનાવી
- એમાં ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા એટલે કે SII સામેલ છે
કોરોના વેક્સિન બનાવનારી ભારતીય કંપનીઓ ચીનના હેકર્સના નિશાન પર છે. ભારતમાં કોરોનાના રસીકરણ દરમિયાન ભારતીય વેક્સિન નિર્માતાઓની IT સિસ્ટમને હેકર્સે ટાર્ગેટ કરી છે. હેકિંગની આ કોશિશ ચીન સમર્થિત હેકર્સના એક ગ્રુપે કરી હતી.
બે વેક્સિન નિર્માતાઓની IT સિસ્ટમને હેક કરવાની કોશિશ
રોઇટર્સે સાયબર ઈન્ટેલિજન્સ ફર્મ Cyfirmaના હવાલાથી જણાવ્યું હતું કે જે બે વેક્સિન નિર્માતાઓની IT સિસ્ટમને હેક કરવાની કોશિશ કરવામાં આવી એના વેક્સિનના ડોઝનો ઉપયોગ દેશના રસીકરણ અભિયાનમાં કરવામાં આવી રહ્યો છે. એમ કહેવાઈ રહ્યું છે કે એનો હેતુ ભારતની કોરોના વેક્સિન સપ્લાઈને ચેનને અટકાવવાનો હતો.
હેકર્સે આ કંપનીઓની IT સિક્યોરિટીમાં છીંડું પાડવાની કોશિશ કરી
રિપોર્ટના જણાવ્યા મુજબ, ચીન સમર્થિત હેકર્સના એક ગ્રુપે તાજેતરના સપ્તાહમાં કોરોના વેક્સિન બનાવનારી બે ભારતીય કંપનીઓની IT સિસ્ટમને નિશાન બનાવી. એમાં ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા એટલે કે SII સામેલ છે. હેકર્સે આ કંપનીઓની IT સિક્યોરિટીમાં છીંડું પાડવાની કોશિશ કરી.
SII વિશ્વના ઘણા દેશો માટે વેક્સિન બનાવી છે
સિંગાપોર અને ટોકિયોમાં સ્થિત સાયબર ઈન્ટેલિજન્સ ફર્મ Cyfirmaએ જણાવ્યું હતું કે ચીનના હેકર્સ APT10, જેને સ્ટોન પાંડા નામથી પણ ઓળખવામાં આવે છે, તેણે ભારત બાયોટેક અને SIIના આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર અને સપ્લાઈ ચેન સોફ્ટવેરની નબળાઈઓને શોધવાની કોશિશ કરી હતી. ઉલ્લેખનીય છે કે SII વિશ્વના ઘણા દેશો માટે વેક્સિન બનાવી રહ્યું છે.
ભારત વિશ્વમાં વેચાતી તમામ વેક્સિનના 60 ટકાથી વધુ ઉત્પાદન કરે છે
ભારત અને ચીન બંને દેશો અલગ-અલગ દેશોને કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવી રહ્યા છે. ભારત વિશ્વમાં વેચાતી તમામ વેક્સિનના 60 ટકાથી વધુ ઉત્પાદન કરે છે. એવામાં ચીન ભારતની કોરોના વેક્સિનની સપ્લાઈ ચેનને ખોરવવા માગતું હતું. આ કારણે હેકર્સે ભારતીય વેક્સિન નિર્માતાઓની આઈટી સિસ્ટમને ટાર્ગેટ કરી.
કોઈની પણ પર પૂરતા પુરાવા વગર આરોપ લગાવવો એ અયોગ્યઃ ચીન
આ મુદ્દે ચીનની એમ્બેસી તરફથી નિવેદન આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું કે ચીન સાયબર સુરક્ષાના રક્ષક તરીકે કોઈપણ પ્રકારના સાયબર-અટેકનો દૃઢતાથી વિરોધ કરે છે. સાયબર-અટેકના મુદ્દે પૂર્વધારણ કે અનુમાનને કોઈ સ્થાન ન હોવું જોઈએ. કોઈની પણ પર પૂરતા પુરાવા વગર આરોપ લગાવવો એ અયોગ્ય છે.
બીજી તરફ, માઈક્રોસોફટે નવેમ્બરમાં કહ્યું હતું કે તેણે ભારત, કેનેડા, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં COVID-19 વેક્સિન કંપનીઓને ટાર્ગેટ કરનાર રશિયા અને ઉત્તર કોરિયાના સાયબર હુમલાઓની માહિતી મેળવી છે. ઉત્તર કોરિયાઈ હેકર્સે બ્રિટિશ ડ્રગમેકર એસ્ટ્રાજેનેકાની સિસ્ટમને ખોરવવાની પણ કોશિશ કરી હતી.