હરખમાં નિયમો ભૂલાયા:સુરતમાં ભાજપ કાર્યાલય પર જીતની ઉજવણી, ઢોલ નગારાના તાલે ઝૂમી, મોં મીઠા કરાવતા નેતાઓએ કોરોના નિયમોને નેવે મૂક્યાં
- ઉધના ખાતેના ભાજપ કાર્યાલય પર જીતની ઉજવણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું રોડરોલર ફરી વળ્યું છે. નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપને પ્રચંડ બહુમતી સાથે જીત મળી છે. આ જીતની ઉજવણી સુરત ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની આગેવાનીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને એકમેકના મોં મીઠા કરાવવામાં આવ્યાં હતાં. જો કે જીતની ઉજવણીમાં ભાજપી નેતાઓ હર હંમેશી જેમ કોરોના ભૂલી ગયા હોય તેમ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કને કોરાણે મૂકીને વિજયોત્સવ ઉજવતા જોવા મળ્યાં હતાં.
કોંગ્રેસનો સૂંપડા સાફ
ભાજપના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું હતું કે, પક્ષની રણનીતિ અને કાર્યકરોના ઉત્સાહના કારણે આ જીત હાંસલ થઈ છે. કોંગ્રેસના સૂંપડા સાફ થઈ ગયા છે. રાજ્યની દરેક જગ્યાએ કોંગ્રેસ નેસ્તનાબૂદ થઈ ગઈ છે. લોકોએ ભાજપની નીતિ રીતિ અને સરકારના કામો પર મત આપ્યા છે. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ તમામ બેઠકો પર વિજય મેળવશે તે આ પરિણામે સાબિત કરી દીધું છે.
કાર્યકરોએ જીતનું જશ્ન મનાવ્યું
ઉધના ભાજપના કાર્યાલય પર નેતાઓ અને કાર્યકરોએ સાંજના સમયે એકઠા થઈને ઉજવણી કરી હતી. એક મેકને શુભકામના પાઠવી હતી. સાથે જ જીતથી કાર્યકરોનો ઉત્સાહ પણ બેવડાયો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ભાજપ દ્વારા વિકાસના કામોને વેગ આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.