લોકડાઉન:યુરોપના બેલારૂસમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ગુજરાતના એક હજાર વિદ્યાર્થીઓ ફસાયા, મદદની પોકારનો વિડિયો વાઈરલ
- વાલીઓનો બળાપોઃ CMO અને PMOને અનેકવાર રજૂઆત કરી પણ હજી સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી
- બેલારૂસની ચાર યુનિવર્સિટીમાં ગુજરાતના છોકરાઓ ફસાયા, એરલિફ્ટ કરવા ઝડપથી વ્યવસ્થા કરવા સરકારને વિનંતી
ગુજરાત રાજ્યના એક હજાર વિદ્યાર્થીઓ યુરોપના બેલારૂસમાં ફસાયા છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિદ્યાર્થીઓનો સામેવશ થાય છે. બેલારૂસની અલગ અલગ 4 યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ફસાયા છે. વિદ્યાર્થીઓના વાલીઓએ CMO અને PMOમાં અનેકવાર રજૂઆત કરી છે. છતાં સરકાર દ્વારા સંતોષકારક જવાબ ન મળ્યાનો રાજકોટના વાલી હિમાંશુભાઇ પરમારે બળાપો ઠાલવ્યો છે. તેઓ વધુમાં જણાવે છે કે, મારો દીકરો સાર્થક બેલારૂસમાં અભ્યાસ કરે છે. તેની સાથે 203 વિદ્યાર્થીઓ છે. ત્યાં કૂદકે ને ભૂસકે કોરોના વાઇરસ ફેલાઇ રહ્યો છે. ભારત લાવવા માટે અત્યાર સુધી રોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. બેલારૂસમાં મેડિકલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓએ સરકારને વીડિયો દ્વારા રજૂઆત કરી છે કે અમને એરલીફ્ટ કરવામાં આવે.
અમને બાળકોની ચિંતા છે: વાલી
એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અહીં કોરોના વાઇરસનો ભય વધારે છે કારણ કે અહીં લોકડાઉન કરવામાં આવ્યું નથી. અહીંની સરકાર મદદ પણ કરતી નથી. વિદ્યાર્થીઓ પોતાની રીતે બહાર જઇ શકે છે. રાજકોટ રહેતા તેમના વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. 203 વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. વાલીઓએ જણાવ્યું હતું કે, બેલારૂસમાં કૂદકેને ભૂસકે કોરોના વાઇરસ ફેલાઇ રહ્યો છે. આથી અમને બાળકોની ચિંતા છે. અમે પીએમઓ અને સીએમઓ ઓફિસમાં મેલ, કોલ કરી ચૂક્યા છીએ પણ કોઇ સંતોષકારક જવાબ મળ્યો નથી.