સોનામાં ઘટાડો ચાલુ:7 મહિનામાં સોનું 11,500 રૂપિયા સસ્તું થયું, 56,200થી 45 હજારની નીચે આવ્યું
- 1 જાન્યુઆરીથી અત્યારસુધીમાં સોનું 5540 રૂપિયાથી વધુ સસ્તું થયું છે
- માત્ર 2 મહિનામાં જ સોનાની કિંમત 11 ટકા ઘટી
- અમદાવાદમાં 3 માર્ચના રોજ સોનાનો ભાવ 46700 રૂપિયા ચાલી રહ્યો છે
સોના-ચાંદીના ભાવોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પરિણામે, સોનું 7 મહિનામાં લગભગ 11,500 રૂપિયા સસ્તું થયું છે. ઓગસ્ટમાં સોનું 56,200 રૂપિયા/10 ગ્રામે પહોંચ્યું હતું, જે 2 માર્ચે 44,760 રૂપિયા પર આવી ગયું છે. 2021 સોના માટે અત્યારસુધી સારું રહ્યું નથી. 1 જાન્યુઆરીથી અત્યારસુધીમાં સોનું 5540 રૂપિયાથી વધુ તૂટ્યું છે.
અમદાવાદમાં જાન્યુઆરીથી આજ સુધી સોનું રૂ. 4800 ઘટ્યું
વૈશ્વિક બજારોના પગલે અમદાવાદમાં પણ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 1 જાન્યુઆરી 2021ના રોજ 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 51500 પ્રતિ 10 ગ્રામ આસપાસ ચાલતો હતો. જે આજે 3 માર્ચના રોજ રૂ. 46700 ચાલી રહ્યો છે. આ હિસાબે વિતેલા બે મહિનામાં અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. 4800 જેટલો ઘટ્યો છે.
આ વર્ષે અત્યારસુધીમાં સોનું 5540 રૂપિયાથી વધુ સસ્તું થયું
1 જાન્યુઆરીથી અત્યારસુધીમાં સોનું 5540 રૂપિયાથી વધુ સસ્તું થયું છે. 1 જાન્યુઆરીએ સોનું 50300 રૂપિયા ઉપર હતું, જે હવે 44760 રૂપિયા પર છે, એટલે કે માત્ર 2 મહિનામાં જ સોનાની કિંમત 11 ટકા ઘટી છે. જો ચાંદીની વાત કરવામાં આવે તો એ લગભગ 1100 રૂપિયા મોંઘી થઈ છે. 1 જાન્યુઆરીએ ચાંદી 66950 રૂપિયા પર હતી, જે હવે 67073 પર છે.
ઈન્ટરનેશનલ બજારમાં પણ સોનામાં આવ્યો ઘટાડો
ઈન્ટરનેશનલ બજારમાં સોનું 1719 અમેરિકન ડોલર પ્રતિ ઔંસ થયું. વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ પર સોનું 1733 ડોલર પ્રતિ ઔંસ પર છે. હાલ સોનું 1750 ડોલર પ્રતિ ઔંસના સ્તરથી નીચે આવી ગયું છે.
ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટવાની પણ અસર
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરેલા બજેટમાં સોના અને ચાંદી પરની આયાતમાં ભારે ઘટાડાની જાહેરાત કરી છે. સોના અને ચાંદીની આયાત કિંમતમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ સોના અને ચાંદી પર 12.5 ટકા આયાત આપવાની હોય છે. 5 ટકાના ઘટાડા પછી માત્ર 7.5 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી આપવી પડશે. એનાથી સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આગળ સોનાના ભાવમાં વધુ તેજીની શક્યતા નથી
અર્થશાસ્ત્રી ડો.ગણેશ કાવડિયા(સ્કૂલ ઓફ ઈકોનોમિકસ, દેવી અહિલ્યા વીવી ઈન્દોરના પૂર્વ વિભાગાધ્યક્ષ)ના જણાવ્યા અનુસાર રોકાણકાર હંમેશાં વધુ અને સુરક્ષિત નફો માગે છે અને આ નફો તેમને સ્ટોક માર્કેટ, FD, બોન્ડ કે સોનામાં પૈસા લગાવવાથી મળે છે.
સ્થિતિ જ્યારે સામાન્ય થાય છે તો નફો સ્ટોક માર્કેટ, બોન્ડ વગેરેમાંથી મળે છે. જોકે જ્યારે વિશ્વની અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાની સ્થિતિ બને છે તો રોકાણકાર સોનામાં રોકાણ વધારી દે છે. તેમને લાગે છે કે સોનાથી તેમને સુરક્ષા મળશે અને એની કિંમત ઘટશે નહિ. એને કારણે કોરોનાકાળમાં રોકાણકારોમાં સોનાની માગ વધી ગઈ હતી.
હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને લોકોનું સોના પ્રત્યેનું આકર્ષણ ઘટી રહ્યું છે. આ સિવાય ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટવા અને ડોલર મજબૂત થવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. આ કારણે હવે આવનારા 1-2 વર્ષોમાં સોનાની કિંમત ન તો વધુ વધશે ન વધુ ઘટશે. એ લગભગ સ્થિર જ રહેશે.