ટેકનિકલ મંદીમાંથી બહાર નીકળ્યો દેશ:GDPમાં રહ્યો 0.4% ગ્રોથ તો GST કલેક્શને બનાવ્યો રેકોર્ડ, આ છે ત્રીજા ત્રિમાસિકમાં તેજીના 5 કારણ
- સતત બે ત્રિમાસિકમાં ઘટાડા પછી ત્રીજા ત્રિમાસિકમાં પોઝિટિવ ગ્રોથ રહ્યો
- ફેબ્રુઆરી મહિનામાં ઘરેલુ બજારમાં લગભગ ત્રણ લાખ કારનું વેચાણ
કોવિડ-19ની ભારતીય ઈકોનોમિ પર પ્રતિકૂળ અસર પડી છે. આ કારણે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં ઈકોનોમિમાં ઘટાડો રહ્યો છે. તેનાથી દેશમાં મંદી છવાઈ જવાનો ખતરો થયો હતો. જોકે અનલોક પછી આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારો થઈ રહ્યો છે. તેના સંકેત તાજેતરમાં જ આવેલા વિવિધ સેકટર્સના પોઝિટિવ પરિણામોમાંથી મળ્યા છે. આ સંકેતો પરથી સ્પષ્ટ થયું છે કે ઈકોનોમિ પ્રી-કોવિડ સ્તર તરફ વધુ ઝડપથી વધી રહી છે અને મંદીનો ખતરો ટળી ગયો છે.
ત્રીજા ત્રિમાસિકમાં GDPમાં 0.4 ટકાનો ગ્રોથ
ચાલુ નાણાંકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બરમાં દેશના GDPમાં 0.4 ટકાનો ગ્રોથ રહ્યો છે. સરકારી આંકડાઓ મુજબ, આ ત્રિમાસિકમાં દેશની અનુમતિ GDP 36.22 લાખ કરોડ રૂપિયા રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિકાસ અને ફેકટરી ગતિવિધિઓમાં તેજીના કારણે GDPમાં પોઝિટિવ ગ્રોથ રહ્યો છે.
આંકડાઓમાં જાન્યુઆરીમાં બિઝનેસ ગતિવિધિઓમાં રિકવરીની વાત કહેવામાં આવી છે. જોકે સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં દેશની GDPમાં 8 ટકાના ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં GDPમાં 23.9 ટકા અને બીજા ત્રિમાસિકમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ફેબ્રુઆરીમાં પેસેન્જર કારના વેચાણમાં 23 ટકાનો ગ્રોથ
આર્થિક ગતિવિધિઓની સાથે ફેબ્રુઆરીમાં પેસેન્જર કારના વેચાણમાં 23 ટકાનો ગ્રોથ રહ્યો છે. દેશની ટોપ-10 કાર નિર્માતા કંપનીઓએ ફેબ્રુઆરી 2021માં 2,98,694 યુનિટ્સનું વેચાણ કર્યું છે. ફેબ્રુઆરી 2020માં આ કંપનીઓએ 241533 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. આ ટોપ-10 કાર નિર્માતા કંપનીઓનો કુલ ઘરેલુ કાર બજારમાં 97 ટકા હિસ્સો છે.
સતત પાચમાં મહિને GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાને પાર
ફેબ્રુઆરી 2021માં GST કલેક્શન 1.13 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. GST પ્રણાલી લાગુ થયા પછી આ પ્રથમ તક છે. સતત પાંચ મહિના સુધી GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે. આર્થિક ગતિવિધિઓમાં તેજી અને નકલી બિલો પર સખ્તી વધવાને કારણે GST કલેક્શનમાં તેજી આવી રહી છે. આ સિવાય સરકાર GST પ્રણાલી અંતર્ગત લીકજને રોકવા માટે ઘણા સખ્ત પગલા ઉઠાવી રહી છે.
વિદેશી રોકાણકારોએ 1.87 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું
ભારતીય ઈક્વિટી બજારમાં વિદેશી સંસ્થાગત રોકાણ(FII) સતત વધી રહ્યું છે. છેલ્લા પાંચ મહિનાથી સતત FII શુધ્ધ રોકાણકાર બન્યા છે. આ મહિનામાં FIIએ ભારતના ઈક્વિટી બજારમાં 1.87 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમાંથી 25787 કરોડ રૂપિયાનું રોકાણ ફેબ્રુઆરી મહિનામાં થયું છે.
પ્રી-કોવિડ સ્તર પર પહોંચ્યો પેટ્રોલ-ડિઝલનો વપરાશ
આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારાનો સંકેત એ વાતથી પણ મળે છે કે દેશમાં પેટ્રોલ-ડિઝલનો વપરાશ પ્રી-કોવિડ સ્તરની નજીક પહોંચી ગયો છે. ફેબ્રુઆરી મહિનામાં સરકારી ઓઈલ કંપનીઓએ 2219 TMT પેટ્રોલનું વેચાણ કર્યું છે. ફેબ્રુઆરી 2020માં 2264 TMT પેટ્રોલનું વેચાણ કર્યું હતું. આ રીતે ડિઝલનો વપરાશ ફેબ્રુઆરી 2020ના 6356 TMTની સરખામણીએ 5811 TMT રહ્યો છે.
આગામી વર્ષે ક્રુડના વપરાશમાં 9.8 ટકાના ગ્રોથની આશા
આગામી વર્ષે દેશમાં માર્ચ 2022 સુધી ક્રુડના વપરાશમાં 9.87 ટકાનો ગ્રોથ રહી શકે છે. જો આવુ થાય છે તો છેલ્લા 6 વર્ષમાં આ સૌથી વધુ ગ્રોથ ગણાશે. સરકારે પ્રારંભિક અનુમાનમાં આ વાત કહી છે. સરકારે કહ્યું છે કે આગામી નાણાંકીય વર્ષમાં દેશમાં 215.24 મિલિયન ટન રિફન્ડ ફ્યુઅલનો વપરાશ રહી શકે છે. ચાલુ નાણાંકીય વર્ષ પહેલા 10 મહિના એટલે કે એપ્રિલ 2020થી જાન્યુઆરી 2021 દરમિયાન ક્રુડના વપરાશમાં 13.5 ટકાનો ઘટાડો આવ્યો છે. કોરોનાના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના પગલે વપરાશમાં ઘટાડો આવ્યો છે.
યોગ્ય પરિણામ આપવા લાગ્યા છે સરકારના પગલાઃ પનગઢિયા
નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ મંગળવારે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે કારણ કે ખર્ચ વધારવા માટે સરકાર તરફથી ઉઠાવવામાં આવી રહેલા પગલા યોગ્ય પરિણામ આપવા લાગ્યા છે.