- વાઘે કોઈને હાનિ પહોંચાડી નથી
- આસામમાં પૂરને લીધે દોઢ લાખ લોકો બેઘર થયા છે
Divyabhaskar.com
Jul 19, 2019, 10:30 AM ISTગુવાહાટી: આસામમાં પૂરનો કેર ચાલુ જ છે. 33માંથી કુલ 30 જિલ્લામાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યમાં કાઝીરંગા નેશનલ પાર્કનો પણ 90 ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે. અહીંના પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા માટે પાર્કમાંથી બીજી જગ્યાએ ભાગી રહ્યાં છે. હાલમાં જ સામે આવેલા સમાચાર પ્રમાણે એક વાઘ કાઝીરંગા નેશનલ પાર્કમાંથી ભાગીને એક ઘરમાં ઘૂસી ગયો અને બિન્દાસ બેડ પર બેઠેલો જોવા મળ્યો હતો. ઘરના લોકોએ જ્યારે વાઘને બેડ પર જોયો ત્યારે તે લોકોના તો હોશ ઊડી ગયા હતા. જો કે, પછી વન વિભાગને જાણકારી આપી હતી.
સ્થાનિક મીડિયા પ્રમાણે કાઝીરંગા પાર્કમાં 50થી વધુ પ્રાણીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. આ પ્રાણીઓમાં ઘણાનું મોત વ્યસ્ત હાઈવે પસાર કરતી વખતે દુર્ઘટનામાં થયું હતું.
'હું ડરીને ઘરની બહાર દોડી ગયો'
વાઘ જે ઘરમાં ઘુસ્યો તેના માલિકનું નામ રફીકુલ છે. તેણે કહ્યું કે, હું સવારે મારા ઘરે પહોંચ્યો તો મેં જોયું કે એક વાઘ મારા બેડ પર બેઠો હતો. હું તો દંગ રહી ગયો. એક સમય માટે તો મને ખબર ન પડી કે મારે શું કરવું! હું ડરીને ઘરની બહાર દોડી ગયો. થોડા સમય પછી મારા ફોનને લીધે વન વિભાગની ટીમ પણ આવી ગઈ હતી.
'જમવાની શોધમાં વાઘ ઘરમાં આવી ગયો હશે'
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, નેશનલ પાર્કમાં પાણી ભરાઈ ગયા હોવાને લીધે વાઘને ખાવાનું મળ્યું નહીં હોય. જમવાની શોધમાં તે ઘરમાં ઘૂસી ગયો હશે. અહીં તેને પાણી ન દેખાયું એટલે તે બેડ પર આરામ કરવા લાગ્યો હશે. જો કે, વાઘે કોઈને પણ નુકસાન પહોચાડ્યું નહોતું.
આસામમાં કુલ દોઢ લાખ લોકો બેઘર
આસામના 30 જિલ્લાના 57 લાખ લોકો પૂરની ઝપેટમાં આવી ગયા છે. ગયા અઠવાડિયાંમાં કુલ 27 લોકો મોતને ભેટ્યાં હતાં. હાલ પણ દોઢ લાખ લોકો બેઘર છે.