- લેગેલેલા સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ રૂપિયા આપીને જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે
Divyabhaskar.com
Jul 17, 2019, 04:20 PM ISTસાઉથ આફ્રિકા: સોશિયલ મીડિયા પર હાલ એક હૃદયદ્રાવક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટામાં કેનેડિયન કપલ સિંહ પાછળ બિન્દાસ કિસ કરી રહ્યાં છે. તેમની આગળ શિકારથી મૃત્યુ પામેલો સિંહ ઢળેલો પડ્યો છે. ડેરેન અને કેરોલિન કાર્ટર સાઉથ આફ્રિકામાં લેગેલેલા સફારી પાર્કમાં ફરવા માટે ગયાં હતાં તે દરમિયાન તેમણે આ ફોટો શેર કર્યો હતો.
લેગેલેલા સફારી પાર્કનાં ફેસબુક પેજ પર આ પોસ્ટ હતી
અહીં ફરવા આવતા પ્રવાસીઓનો ટુર ઓપરેટર પણ રેગ્યુલર લેગેલેલા સફારીના ફેસબુક અકાઉન્ટ પર શિકાર થયેલા પ્રાણીઓના ફોટા શેર કરતો રહેતો હોય છે. આ કપલનો પણ મૃત સિંહ સાથેનો ફોટો પણ તેણે શેર કર્યો હતો. તેણે લખ્યું કે, ગરમીમાં જોરદાર કામ, ખૂબ જ સરસ, એક રાક્ષસનાં રૂપમાં સિંહ. જો કે, આ પોસ્ટને લીધે ટ્રોલ થતા બાદમાં આ પોસ્ટ હટાવી લેવામાં આવી હતી.
'આ બધુ પોલિટિકલ છે'
સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટા પર ભડકયાં છે અને આ કપલને સજા મળે તેવી માગ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, વ્યક્તિ પોતાના શોખ માટે પ્રાણીનો શિકાર કરે તે યોગ્ય નથી. અંગ્રેજી મીડિયાએ શિકારી કેરોલીન કાર્ટરને આ ફોટા મામલે સવાલ કર્યા, ત્યારે તેણે કહ્યું કે, હું આ ઘટના પર કોઈ કમેન્ટ કરવા માગતો નથી. આ બધું પોલિટિકલ છે.
'રૂપિયા આપો અને મનગમતાં પ્રાણીનો શિકાર કરો'
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકામાં આવેલા આ લેગેલેલા સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ શિકાર કરી શકે છે. અહીં જિરાફનો શિકાર કરવા માટે 2 લાખ 5 હજાર રૂપિયા પ્રવાસીને ચૂકવવા પડે છે, જયારે ઝિબ્રાના શિકાર માટે 1 લાખ 72 હજાર રૂપિયા આપવના હોય છે. આ ઉપરાંત ટુરિસ્ટ સિંહ, વાઘ, ગેંડો અને ચિત્તાનો શિકાર પણ કરી શકે છે.