ધર્મ / ભારતમાં માત્ર પાલિતાણામાં સાત્વિક કાળભૈરવની સંપૂર્ણ મૂર્તિનાં દર્શન કરી શકાય છે

આ કારણથી કાળભૈરવને અહીં દારૂ કે સિગારેટ અર્પણ કરી શકાતાં નથી

Divyabhaskar.com

Dec 02, 2019, 01:48 PM IST

કાળભૈરવ એટલે ભગવાન શિવની જટામાંથી નીકળેલું રૌદ્ર પરંતુ દિવ્ય સ્વરૂપ… સમગ્ર ભારતમાં આવેલાં કાળભૈરવના મંદિરોમાંથી 4 મંદિરો મુખ્ય ગણાય છે. જે અનુક્રમે પાલિતાણા,કાશી,ઉજ્જૈન અને ઈંદોરમાં આવેલા છે. આ તમામ સ્થળોએ આવેલા મંદિરો અને કાળભૈરવની મૂર્તિઓના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.

ઈતિહાસ -

ઈસ.1890માં બનેલા પાલિતાણાનાં આ કાળભૈરવ મંદિરને પ્રથમ કક્ષાનું મંદિર ગણવામાં આવે છે કારણ કે અહીં ભગવાન કાળભૈરવની 7 ફૂટ ઊંચી સંપૂર્ણ પ્રતિમા આવેલી છે. પેઢીઓથી કાળીચૌદશના દિવસે મંદિરમાં ભવ્ય યજ્ઞ કરવામાં આવે છે . જેમાં પદ્મ કુંડમાં 30 મણ તલ, 20 ડબા સરસવનું તેલ, 2500 નારિયેળ, 2500 લીંબુ જેવી અનેક સામગ્રીઓ આહૂતિના રૂપમાં આપવામાં આવે છે. યજ્ઞ માટે માત્ર પીપળાનાં ઝાડનું 45 મણ લાકડું વપરાય છે.

સાત્વિક કાળભૈરવ

ઉજ્જૈનમાં આવેલા કાળભૈરવને દારૂનો પ્રસાદ ચઢાવાય છે, કાશીમાં આવેલા કાળભૈરવને પણ દારૂનો ભોગ ચઢે છે તો ઈંદૌરમાં આવેલા કાળભૈરવ સિગારેટ અંગીકાર કરે છે.. ભારતમાં ફક્ત ગુજરાતનાં પાલિતાણામાં આવેલા કાળભૈરવને ના તો સિગારેટ ધરાવાય છે કે ન તો દારૂ..

જેનું કારણ આપતાં મંદિરના પૂજારી રમેશભાઈ જણાવે છે કે, પાલિતાણા જૈન તિર્થ હોવાથી અહીં સાત્વિક કાળભૈરવ વિરાજમાન છે..આથી, તેમને પ્રસાદમાં અન્ય કાળભૈરવ મંદિરોની જેમ માંસ કે દારૂ નહીં પરંતુ, નારિયેળ, શેરડીનો રસ, મિઠાઈ વગેરે ધરાવવામાં આવે છે. જે ભક્તોમાં એક અનોખી આસ્થા જગાવે છે.

આ કાળભૈરવ મંદિરમાં હિન્દુઓ ઉપરાંત જૈન ધર્મના અનુયાયીઓ, જૈન મુનિઓ પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ કાળભૈરવમાં અનોખી આસ્થા ધરાવે છે. તેઓ ગુજરાતમા CM બન્યા પહેલાંથી અહીં દર્શનાર્થે આવતાં રહે છે.

અનેક શ્રદ્ધાળુઓ 130 વર્ષ જુનાં આ સાત્વિક કાળભૈરવની માનતા રાખે છે જે પૂરી થતાં અહીં દર્શનાર્થે આવે છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી