તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરાશૂટ સાથે યુવક ધસી આવતા ફફડાટ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠના સુરેલીમાં સમી સાંજે દોડધામ : પાવાગઢની પેરાગ્લાઈડીંગ ટુકડીનો સભ્ય પવન સાથે સુરેલીગામની સીમમાં પહોંચ્યો હોવાનું ખુલતા ગ્રામજનોએ હાશકારો લીધો ઉમરેઠ તાલુકાના સુરેલી ગામના સીમ વિસ્તારમાં શનિવારની મોડી સાંજે આકાશી માર્ગે પેરાશુટ સાથે એક અજાણ્યા યુવકે અચાનક ઉતરાણ કરતા ગ્રામજનોમાં ભારે કૂતુહલ સાથે થોડાઅંશે ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી. એટલું જ નહીં સદર દશ્ય નિહાળી ગામમાંથી તાબડતોબ લોકોના ટોળા સ્થળ પર એકત્ર થયા હતા. જો કે, ગામના સરપંચે સમયસર બાજી સંભાળી યુવકની પૂછતાછ કરતા તે વડોદરાના પાવાગઢ ખાતે હાલ તૈનાત પેરાગ્લાઈડીંગના કેમ્પથી ઉડયો હોવાનું જાણવા મળ્યું હતું, જેને બાદમાં હેમખેમ વડોદરા પહોંચતો કરી દેવામાં આવ્યો હતો. આ અંગે સુરેલીના સરપંચ અભેસિંગ ઝાલાએ વધુમાં જણાવ્યુ હતુ કે ‘‘સુરેલી ગામે શનિવારની સાંજે એક યુવક પેરાશૂટ સાથે મંડરાતો હતો. એકાદ કલાક સુધી રહેણાંક વિસ્તાર સહિતના ભાગો પર તેણે ઉડાન ચાલું રાખતા લોકોમાં કૂતુહલ વ્યાપી ગયુ હતુ. થોડા સમયમાં જ આ યુવકે ગામના ચરામાં ઉતરાણ કરતા લોકોના ટોળા તે સ્થળે પહોંચી ગયા હતા અને યુવકને ધેરી લીધો હતો. પંજાબી - હિન્દી મિકસ બોલતા આ યુવકની પૂછતાછ કરતા તેણે પાવાગઢમાં છેલ્લા ચારેક દિવસથી ચાલતા પેરાગ્લાઈડીંગના કેમ્પમાંથી ઉડ્યો હોવાનું જણાવ્યું હતું અને પવનનો સાથ મળતા અહીં સુધી ઉડી આવ્યો હતો. જો કે, આ ઉતરાણમાં તેને કોઈ ઈજા પહોંચી ન હતી અને હેમખેમ હતો. બાદમાં તેને ખાસ વાહનમાં વડોદરાની ખાનગી હોટલમાં મોકલી આપ્યો હતો.’’ સુરેલી ગામે બનેલા આ બનાવની વાત વાયુવેગે પંથકમાં ફેલાઈ જતાં કૂતુહલ વ્યાપી ગયું હતું. જેના પગલે આજુબાજુના ગામના લોકો પણ મોટીસંખ્યામાં સ્થળ પર ટોળે વળ્યાં હતાં. કેટલાક ગ્રામજનોના જણાવ્યાનુસાર આ યુવકે સમી સાંજના સુમારે ઘણો લાંબો સમય સુધી ગામની ચોતરફ ઉડાઉડ કરી હતી. તે સમયે કેટલાકના ઘર પરથી પણ પસાર થતા કયાંક આશ્ચર્ય સાથે ભય પણ ફેલાયો હતો. પરંતુ આખરે મામલાની સાચી હકિકત બહાર આવતા સૌમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. વ્યક્તિ ગમે ત્યાં લેન્ડ કરી શકે છે પાવાગઢમાં છેલ્લા ચાર દિવસથી પેરાગ્લાઈડીંગના ચાલતા કેમ્પના કેપ્ટન રાજીવે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ‘‘કોઈ પણ વ્યક્તિ ઉડાન ભર્યા બાદ તેનું ઉતરવાનું સ્થળ નિશ્વિત નથી હોતું. સુરેલીમાં ઉતેરલો યુવક પંજાબનો ગુરૂપ્રિતસિંગ દિનશા હતો. જે સારો પેરાગ્લાઈડર છે અને દેશમાં તેનું મોખરાનુ સ્થાન છે. ગુરૂપ્રિતે સફળતાપૂર્વક ઉતરાણ કર્યુ છે. જેમાં તેને કોઈ ઈજા પહોંચી ન હતી અને ગ્રામજનોનો પણ સાથ સહકાર સારો રહ્યો હતો, જ્યારે તેના કેટલાક સાથીદારો ભાદરવા ગામે પણ ઉતર્યા છે.’’ પોલીસ ઘટનાથી બીજા દિવસેય અજાણ! સૂરેલી ગામે પેરાશૂટ સાથે ઉતરેલા વ્યક્તિ વાત વાયુવેગે પંથકમાં ફેલાઈ ગઈ હતી. પરંતુ આ બાબતે સ્થાનિક પોલીસેને કશી જાણ જ નહતી, જે ખરેખર ગંભીર બાબત છે. હાલ આતંકવાદીઓ ગમે તે રસ્તે ઉબાડીયા કરી શકે છે,ત્યારે પોલીસની આ બેદરકારી કયારેક ભારે પડી શકે તેમ છે.