બીકણ હર્ષેલ ગિબ્સ મેદાનમાં ફરક્યો નહીં

Agency, Bangalore
Sunday, October 18, 2009 21:22 [IST]
Bookmark and Share

બીકના કારણે ગિબ્સે વિક્ટોરિયા બુશ રેન્જર્સ સામેનો મુકાબલો પડતો મૂક્યો, મેદાનમાં ફરક્યો પણ નહીં, ડ્રેસિંગરૂમમાં બેસી રહ્યો



gibbsચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શનિવારે રમાયેલી ચેમ્પિયન લીગની મેચ પહેલાં બોમ્બ હોવાની દહેશતના કારણે સાઉથ આફ્રિકાના અનુભવી ખેલાડી હર્ષેલ ગિબ્સે બીકના કારણે વિક્ટોરિયા બુશરેન્જર્સ સામેના મુકાબલાને પડતો મૂક્યો હતો. મેચને પડતી મૂકવાના ગિબ્સે કરેલા નિર્ણયને સમર્થન આપીને કેપ કોબ્રાના સુકાની એન્ડ્ર્યુ પુટ્ટિકે જણાવ્યું હતું કે ગિબ્સે સુરક્ષાની બીકના કારણે મેદાનમાં ઉતરવાનું ટાળ્યું હતું.



તે માનસિક રીતે તૈયાર નહોતો. આ તેનો અંગત નિર્ણય હતો. પુટ્ટિકે જણાવ્યું હતું કે મેચ પહેલાં અમે યોજેલી ટીમ મિટિંગમાં પણ પ્રત્યેક ખેલાડીએ બોમ્બની ધમકી અંગે જ વાતચીત કરી હતી અને આ મુકાબલો અમારા માટે માનસિક રીતે કપરો બની ગયો હતો. ખેલાડીઓ તનાવ હેઠળ આવી ગયા હોવાના કારણે અમારી તૈયારીઓ ઉપર તેની સીધી અસર પડી હતી. મેચ માટે મેદાનમાં ઉતરવું કે નહીં તે અંગે ખેલાડીઓ અવઢવમાં હતા.



બોમ્બની ધમકીના સમાચાર સાંભળ્યા બાદ મેચ રમવી કે નહીં તે અંગેનો નિર્ણય ખેલાડીઓએ અંગત રીતે કરવાનો હતો. હકીકતમાં ખેલાડીઓ માનસિક રીતે દ્વિધામાં મુકાયા હતા. સ્ટેડિયમની બહાર તથા અંદર વિવિધ વાતચીતો થતી હોવાના કારણે અમારા માટે મુશ્કેલીભરી પરિસ્થિતિ ઊભી થઇ હતી. ટીમ તરીકે અમે ગિબ્સના નિર્ણયનો આદર કર્યો હતો કારણ કે ખેલાડી જ્યારે માનસિક રીતે સ્વસ્થ ના હોય તો રમવાનો કોઇ મતલબ રહેતો નથી.



કેપ કોબ્રાની ટીમે ગિબ્સની ગેરહાજરીની પોતાના પ્રદર્શન પર કોઇ અસર પડવા દીધી નહોતી અને પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપ્યા બાદ પૂરી ટીમ મૂડમાં આવી ગઇ હતી. પુટ્ટિકે જણાવ્યું હતું કે વાતાવરણ તંગ બન્યું હોવા છતાં મેદાનમાં ઉતરીને રમત પર ઘ્યાન કેન્દ્રિત કરનાર મારા ખેલાડીઓ પર મને ગર્વ છે. અમારી ટીમની આ વિશેષતા છે. ધમકી મળ્યા બાદ શું બની શકે છે તે અમે સારી જાણતા હતા પરંતુ મોટા ભાગના ખેલાડીઓ રમવા તૈયાર થયા હતા.



વિક્ટોરિયાના સુકાની કેમરૂન વ્હાઇટે નિચલા સ્તરના પ્રદર્શન માટે બોમ્બની ધમકીને સીધી જવાબદાર ગણાવ્યા વિના જણાવ્યું હતું કે આ બાબતની અમારા પ્રદર્શન પર અસર પડશે કે નહીં તે અમે જાણતા નહોતા પરંતુ અમે મેચમાં સારું રમ્યા નથી તે ચોક્કસ છે. ગ્રાઉન્ડની આજુબાજુ શું શઇ રહ્યું છે તેની પણ અમને કોઇ માહિતી નહોતી. અમને માત્ર ટીવી પરથી સમાચાર મળ્યા હતા.