સેમિફાઇનલ માટે ત્રિનિદાદ અને ઇગલ્સ વચ્ચે આજે મુકાબલો

Agency, Hyderabad
Sunday, October 18, 2009 00:03 [IST]
Bookmark and Share

બંને ટીમો અણીના સમયે ફોર્મમાં, સ્ટાર ક્રિકેટ પર રાત્રે ૮:૦૦ કલાકથી પ્રસારણ



ન્યૂ સાઉથ વેલ્સ સામે સનસનાટીભર્યોવિજય મેળવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર થયેલી ત્રિનિદાદ અને ટોબેગોની ટીમ રવિવારે ફોર્મમાં રહેલી ડાયમંડ ઇગલ્સ સામે રમાનારા મુકાબલામાં ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. આ મેચનું સ્ટાર ક્રિકેટ પર રાત્રે ૮:૦૦ કલાકે પ્રસારણ કરાશે.



ત્રિનિદાદ તરફથી નીચલી હરોળના બેટ્સમેન પોલાર્ડે તોફાની બેટિંગ કરીને ન્યૂ સાઉથ વેલ્સના વિજયને છીનવી લીધો હતો. બ્રેવોની શિસ્તબદ્ધ બોલિંગ પણ હરીફ બેટ્સમેનો માટે મુશ્કેલીરૂપ બની છે. તે અત્યાર સુધીમાં દસ વિકેટ ઝડપી ચૂકયો છે જે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ છે.



પોલાર્ડને બાદ કરતાં ડેરેન ગંગા, રામદીન, ડેરેન બ્રેવો પણ અણીના સમયે ફોર્મમાં આવી રહ્યા છે જે ત્રિનિદાદ અને ટોબેગોની ટીમ માટે સારો સંકેત છે. સાઉથ આફ્રિકાની ઇગલ્સ ટીમ સમરસેટને ટૂર્નામેન્ટમાંથી બહાર કાઢીને સેમિફાઇનલ માટે પોતાની દાવેદાર નોંધાવી છે અને તે પણ ત્રિનિદાદને હરાવવાના તમામ પ્રયાસ કરશે.



ન્યૂ સાઉથ વેલ્સ સામેનો પ્રથમ મુકાબલો હાર્યા બાદ ઇગલ્સની ટીમે તેના પ્રદર્શનમાં સુધારો કરીને ત્યાર પછીની તમામ મેચમાં તેણે વિજય મેળવ્યો છે. બંને ટીમો સેમિફાઇનલનો લક્ષ્યાંક ધરાવતી હોવાના કારણે મુકાબલો અત્યંત રોમાંચક બને તેવી પૂરી સંભાવના છે.