પોલાર્ડની તોફાની બેટિંગ, ત્રિનિદાદ-ટોબેગોનો વિજય

Agency, Hyderabad
Saturday, October 17, 2009 00:51 [IST]
Bookmark and Share

polardન્યૂ સાઉથ વેલ્સનો ચાર વિકેટે પરાજય, પોલાર્ડે માત્ર ૧૮ બોલમાં ૫૪ રન ફટકાર્યા



નીચલી હરોળના બેટ્સમેન પોલાર્ડે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને અડધી સદી નોંધાવતા ત્રિનિદાદ અને ટોબેગોની ટીમે ન્યૂ સાઉથ વેલ્સ સામે ચેમ્પિયન્સ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં ચાર વિકેટે સનસનાટીભર્યો વિજય મેળવ્યો હતો.



ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ન્યૂ સાઉથ વેલ્સના ચાર વિકેટે ૧૭૦ રનના જવાબમાં ત્રિનિદાદની ટીમે ૧૮.૩ ઓવરમાં છ વિકેટે ૧૭૧ રન બનાવીને વિજય મેળવી લીધો હતો. એક સમયે ન્યૂ સાઉથ વેલ્સના નિશ્ચિત જણાતા વિજયને છીનવી લેનાર પોલાર્ડે ૧૮ બોલમાં પાંચ બાઉન્ડ્રી અને પાંચ સકિસર વડે અણનમ ૫૪ રન ફટકાર્યા હતા.



જંગી લક્ષ્યાંક સામે મેદાને પડેલી ત્રિનિદાદની ટીમે ૩૦ રનના સ્કોરે ટોચના ત્રણ બેટ્સમેનો ગુમાવી દેતાં તેના ઉપર સંકટ તોળાયું હતું. મઘ્યમ હરોળમાં ગંગા (૩૨), ડેરેન બ્રેવો (૨૭) તથા રામદીને (૨૩) વળતી લડત આપવાનો પ્રયાસ કર્યોહતો પરંતુ આ ત્રણેય બેટ્મેસન રનઆઉટ થતાં મેચ ત્રિનિદાદના હાથમાંથી સરકી જશે તેમ લાગતું હતું પરંતુ પોલાર્ડે તોફાની બેટિંગ કરીને પોતાની ટીમને મેચ જીતાડી દીધી હતી.



અગાઉ ઓપનર હ્યુજીસ તથા વોર્નરે પ્રથમ વિકેટ માટે નોંધાવેલી ૧૨૧ રનની ભાગીદારીની મદદથી ન્યૂ સાઉથ વેલ્સ ચાર વિકેટે ૧૭૦ રનનો જંગી સ્કોર નોંધાવી શકયું હતું.



હ્યુજીસે બ્રેવોની બોલિંગમાં આઉટ થતા પહેલાં ૬૪ બોલમાં ૧૧ બાઉન્ડ્રી તથા એક સકિસર વડે ૮૩ રન ફટકાર્યા હતા જે તેની ટીમ માટે સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો હતો. અન્ય ઓપનર વોર્નરે ૪૧ બોલમાં પાંચ બાઉન્ડ્રી તથા ત્રણ સકિસર વડે આક્રમક ૬૩ રન ફટકાર્યા હતા. હેનરિકસે ૧૧ બોલમાં ૧૭ રનનું યોગદાન આપ્યું હતું.