ઇગલ્સનો સુપર ઓવરમાં વિજય

Agency, New Delhi
Wednesday, October 14, 2009 00:59 [IST]
Bookmark and Share

સુપર ઓવરમાં ઇગલ્સે નવ રન બનાવ્યા બાદ ડિવિલિયર્સે બે બોલમાં સસેક્સની બે વિકેટ ખેરવી દીધી

championsleaguet20logo_03અત્યંત રોમાંચક બન્યા બાદ મેચ ટાઇમાં ફેરવાતા પરિણામ લાવવા માટે સુપર ઓવર નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં સાઉથ આફ્રિકાની ઇગલ્સની ટીમે ઇંગ્લેન્ડની સસેક્સ શાર્ક્સને નવ રને હરાવીને ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડ માટે કવોલિફાઇ કરી લીધું હતું.

બંને ટીમનો સ્કોર ૧૧૯ રને ટાઇ થતાં સુપર ઓવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇગલ્સે છ બોલમાં નવ રન નોંધાવ્યા બાદ ડીવિલિયર્સે બે બોલમાં સસેકસના બે બેટ્સમેનને આઉટ કરીને પોતાની ટીમને અકલ્પનિય વિજય અપાવ્યો હતો. અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર સસેકસની ટીમે સાત વિકેટે ૧૧૯ રન નોંધાવ્યા બાદ ઇગલ્સની ટીમે પણ ચાર વિકેટે ૧૧૯ રન નોંધાવ્યા હતા જેના કારણે મેચ ટાઇમાં પરિણમી હતી.

આસાન જણાતા સ્કોર સામે મેદાને પડેલી ઇગલ્સની ટીમ તરફથી ઓપનર રોઝેયુએ શાનદાર બેટિંગ કરીને અડધી સદી નોંધાવી હતી. રોઝેયુએ ૬૨ બોલમાં ૬૫ રન ફટકાર્યા હતા. પીયૂષ ચાવલાએ બે વિકેટ ખેરવી હતી. અગાઉ ઇગલ્સના બોલર્સે કરેલી ચુસ્ત બોલિંગના કારણે સસેક્સની ટીમ સાત વિકેટે ૧૧૯ રનનો સ્કોર નોંધાવી શકી હતી.

ઓપનર રાઇટે ૧૯ તથા જોયેસે ૨૧ રનનું યોગદાન આપ્યા બાદ નીચલા ક્રમે ગેટિંગે ૨૨ બોલમાં એક બાઉન્ડ્રી અને એક સકિસર વડે ૨૫ રન ફટકારીને પોતાની ટીમના સ્કોરને ૧૦૦ સુધી પહોંચાડી દીધો હતો. ઇગલ્સ તરફથી ડીવિલિયર્સ તથા પ્રિઝે બે-બે વિકેટ ખેરવી હતી.