ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ-૨)ની વિજેતા ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદની ટીમે ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટના સુપર-૮ તબક્કામાં પ્રવેશવા માટે બુધવારે ત્રિનિદાદ અને ટોબેગો સામે રમાનારી મેચમાં મોટા માર્જિનથી વિજય મેળવવો પડશે. ગ્રૂપ-એમાં માત્ર સમરસેટની ટીમ લીગ તબક્કો પૂરો કરી ચૂકી છે. આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ પર રાત્રે ૮:૦૦ કલાકે પ્રસારણ કરાશે.
એડમ ગિલક્રિસ્ટની હૈદરાબાદની ટીમ પાસે સીધો વિજય મેળવીને પણ સુપર-૮ માટેની નજીવી તક છે. હૈદરાબાદે સુપર-૮માં પ્રવેશવા માટે પોતાનો રનરેટ પણ સુધારવો પડે તેમ છે. હૈદરાબાદ સમરસેટ સામેનો રોમાંચક મુકાબલો જીતી ગયું હોત તો તેને કોઇ મુશ્કેલી પડે તેમ નહોતી પરંતુ હવે કાગળ પર શક્તિશાળી જણાતી હૈદરાબાદની ટીમના બેટ્સમેનોએ તોફાની બેટિંગ કરીને જંગી સ્કોર નોંધાવવો પડશે. ગિલક્રિસ્ટ માટે સ્ફોટક બેટિંગ કરવાનો સમય પાકી ગયો છે. તેનો ઓપનિંગ સાથીદાર લક્ષ્મણ ફોર્મમાં જણાય છે.
અને ઝડપી સ્કોરિંગ કરવા માટે ખરાબ ફટકા રમવા જરૂરી નથી તે તેણે પુરવાર કર્યું છે. હૈદરાબાદની ટીમ સાયમન્ડસ અને રોહિત શર્મા પાસેથી પણ મોટા સ્કોરની આશા રાખી રહી છે. બોલિંગમાં આરપી સિંઘ જોખમી જણાય છે પરંતુ ફિડલ એડવર્ડ્સે તેને સાથ આપવો જરૂરી છે. બીજી તરફ સમરસેટ સામે ૪૪ રનથી વિજય મેળવ્યા બાદ ત્રિનિદાદ અને ટોબેગો પૂરા આત્મવિશ્વાસ સાથે હૈદરાબાદ સામે રમશે. ડેરેન ગંગાના નેતૃત્વ હેઠળ ટીમ એક જૂથ તરીકે રમે છે. ઓપનર સિમોન્સ અને વિલિયમ્સ પાર્કિન્સ પોતાની જવાબદારી સમજે છે. ડ્વેન બ્રેવોની હાજરીના કારણે બોલિંગઆક્રમણ વધારે મજબૂત બન્યું છે.