ચેમ્પિયન્સ લીગમાં વાયમ્બાનો ૧૫ રને વિજય
ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મંગળવારે વાયમ્બાની ટીમ સામે પરાજય થયો હોવા છતાં ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયાની ટીમે ટૂર્નામેન્ટના આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.
શ્રીલંકાની વાયમ્બાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ ૨૦ ઓવરને અંતે તે માત્ર ૧૧૮ રનનો સ્કોર નોંધાવી શકી હતી. જોકે આગામી રાઉન્ડમાં પ્રવેશવા માટે વિક્ટોરિયન ટીમને આ મેચ જીતવા કરતાં માત્ર ૮૩ રન કરવાના હતા. ૨૦ ઓવરને અંતે વિક્ટોરિયાએ ચાર વિકેટે ૧૦૩ રન નોંધાવ્યા હતા.
એક તબક્કે તો મેન્ડીસ અને હેરાથની બોલિંગ સામે વિક્ટોરિયાની ટીમ ૮૩ રનના આંક સુધી પહોંચી શકશે કે કેમ તે અંગે પણ શંકા સેવાતી હતી પરંતુ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે લોકુઆરાચીએ ફેંકેલી ૧૮મી ઓવરમાં સળંગ ત્રણ બાઉન્ડ્રી અને પાંચમા બોલે સિક્સર ફટકારીને આ આંક વટાવી દીધો હતો. મેકડોનાલ્ડે આક્રમક બેટિંગ કરીને ૧૬ બોલમાં ૨૭ રન ફટકાર્યા હતા તો ઓસ્ટ્રેલિયન વન-ડે ટીમમાં રમી ચૂકેલા બ્રેડ હોજે બાવન બોલમાં અણનમ ૪૪ રન ફટકાર્યા હતા.
રંગાણા હેરાથે ચાર ઓવરમાં માત્ર દસ રન આપ્યા હતા જ્યારે પરેરાએ ત્રણ ઓવરમાં દસ રન આપ્યા હતા. અગાઉ વાયમ્બાની ટીમ માટે માઇકલ વેન્ડોર્ટે ૪૨ અને ઓપનર કુલાતુંગાએ ૪૧ રન ફટકાર્યા હતા. વિક્ટોરિયાના શેન હારવૂડે ૧૪ રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.