રોયલ ચેલેન્જર્સ બેંગલોર ૨/૧૮૮, ઓટેગો ૧૦૮, મેન ઓફ ધ મેચ કાલિસનો ઓલરાઉન્ડ દેખાવ
મેન ઓફ ધ મેચ કાલિસના ઓલરાઉન્ડ દેખાવ વડે રોયલ ચેલેન્જર્સ ટીમે ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઓટેગો ટીમને ૮૦ રનથી હરાવીને સુપર-૮ તબક્કામાં પ્રવેશ કરી લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર બેંગલોરની ટીમે બે વિકેટે ૧૮૮ રનના સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો.
જેના જવાબમાં ઓટેગોની ટીમ ૧૭.૫ ઓવરમાં ૧૦૮ રન બનાવી શકી હતી. ગ્રૂપ-સીમાં કેપ કોબ્રા અને બેંગલોરની ટીમ સુપર-૮ માટે ક્વોલિફાઇ થઇ છે. ઓટેગો તરફથી કમિંગે સર્વાધિક ૨૦ રન બનાવ્યા હતા. બેંગલોર તરફથી કાલિસે ૧૮ રનમાં ત્રણ તથા સુકાની કુંબલે અને વિનયકુમારે બે-બે વિકેટ ખેરવી હતી.
અગાઉ બેંગલોરની ટીમ તરફથી ઓપનર કાલિસ અને ઉથપ્પાએ (૪૨) પ્રથમ વિકેટ માટે ૭૫ રનની ભાગીદારી નોંધાવીને સંગીન શરૂઆત કરી હતી. કાલિસ ૫૯ બોલમાં ચાર બાઉન્ડ્રી અને બે સકિસર વડે ૭૩ રન બનાવીને અણનમ રહ્યો હતો. વિરાટ કોહલીએ ૧૯ બોલમાં ૩૨ તથા ટેલરે ૧૧ બોલમાં બે બાઉન્ડ્રી તથા ત્રણ સકિસર વડે આક્રમક ૩૨ રન નોંધાવ્યા હતા.