ત્રિનિદાદ-ટોબેગો સામે સમરસેટનો પરાજય

Agency, Bangalore
Tuesday, October 13, 2009 00:41 [IST]
Bookmark and Share

ચેમ્પિયન્સ લીગમાં કેરેબિયન ટીમનો પ્રભાવશાળી દેખાવ, રામદીન ૩૯ રન, ડ્વેન બ્રેવોની ચાર વિકેટ



bravoડેનેશ રામદીનના આક્રમક ૩૯ રનની સહાયથી ત્રિનિદાદ એન્ડ ટોબેગોની ટીમે અહીં રમાયેલી ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચમાં સમરસેટ કાઉન્ટીની ટીમને ૪૪ રનથી હરાવી હતી.



ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઇન્ડીઝની ત્રિનિદાદ એન્ડ ટોબેગોની ટીમે ૨૦ ઓવરને અંતે નવ વિકેટે ૧૫૦ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં સમરસેટની ટીમ ૨૦ ઓવરને અંતે ૧૦૬ રનના સ્કોરે આઉટ થઇ ગઇ હતી. શેરવિન ગંગાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.



૧૫૦ રનના લક્ષ્યાંક સામે રમતાં ઇંગ્લેન્ડની સમરસેટ કાઉન્ટીની ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. ઓપનર માર્કસ ટ્રેસ્કોથિક ત્રણ અને ક્રેગ કિસવેટર ચાર રન નોંધાવીને સસ્તામાં આઉટ થઇ ગયા હતા. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર જસ્ટિન લેંગરે ૧૫ રન નોંધાવ્યા હતા અને ડી બ્રુઇને અણનમ ૪૩ રન ફટકાર્યા હતા.



બ્રુઇને ૩૯ બોલ રમીને ત્રણ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે ૪૩- રન ફટકાર્યા હતા. ત્રિનિદાદની ટીમ માટે ડ્વેઇન બ્રેવોએ ૨૩ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. અગાઉ ત્રિનિદાદ એન્ડ ટોબેગોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ રામદીને ૩૯ રન ફટકારતાં ટીમે ૧૫૦ રનનો નોંધપાત્ર સ્કોર નોંધાવ્યો હતો. સિમન્સ ૧૯ બોલમાં ૨૨ અને પાર્કિન્સ ૧૧ બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે ૨૦ રન ફટકારીને આઉટ થઇ ગયો.



૪.૫ ઓવરમાં વિના વિકેટે ૪૩ રનના સ્કોરથી ત્રિનિદાદની ટીમે ૬.૨ ઓવરમાં ૬૦ રનના સ્કોર સુધીમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સુકાની ડેરેન ગંગાએ ઝડપી ૨૩ રન ફટકાર્યા હતા. જોકે ડેનેશ રામદીને ૩૯ બોલમાં ૩૯ અને ડેરેન ગંગાના ભાઇ શેરવિન ગંગાએ ૧૮ રન ફટકારીને ટીમનો સ્કોર ૧૫૦ સુધી પહોંચાડ્યો હતો.