પોતાની પ્રથમ મેચમાં છેલ્લા બોલે રોમાંચક વિજય મેળવનાર ઇંગ્લેન્ડની સમરસેટ ટીમને જશ્ન મનાવવાનો વધારે સમય મળ્યો નથી કારણ કે તેણે ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સોમવારે વેસ્ટ ઇન્ડીઝની ત્રિનિદાદ અને ટોબેગો ટીમનો મુકાબલો કરવાનો છે. આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ ઉપર સાંજે ૪:૦૦ કલાકે પ્રસારણ કરવામાં આવશે.
જસ્ટિન લેંગરની ટીમે શનિવારે ડેક્કન ચાર્જર્સને એક વિકેટે પરાજય આપ્યો હતો. સમરસેટની ટીમ માટે આ વિજય એટલા માટે મહત્વનો હતો કારણ કે હૈદરાબાદ આઇપીએલ-૨ની ચેમ્પિયન ટીમ છે અને લેંગરની ટીમે એક સમયે ૯૯ રનના સ્કોરે તેની સાત વિકેટ ગુમાવી દીધી હતી. ઇંગ્લેન્ડની ટ્વેન્ટી૨૦ ટૂર્નામેન્ટની રનર્સઅપ ટીમ આ વિજયના કારણે આત્મવિશ્વાસથી વધારે ભરપૂર થઇ છે.સમરસેટ ટીમને મોટી ભાગીદારી માટે સંઘર્ષ કરવો પડ્યો હતો અને તેના ટોચના કે મઘ્યમ હરોળના બેટ્સમેન ધારણા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહોતા. બીજી તરફ બે કરોડ ડોલરની સ્ટેનફોર્ડ ટી૨૦ બિગ બાશમાં ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ લીગમાં સ્થાન મેળવનાર ત્રિનિદાદ અને ટોબેગોની ટીમ વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવાનો ઇરાદો ધરાવે છે.
ડેરેન ગંગાના નેતૃત્વ હેઠળ ટીમ માટે હુકમનો એક્કો ઓલરાઉન્ડર ડ્વેન બ્રેવો રહેશે. ડેરેન અને લેંડલ સિમોન્સ ટીમની બેટિંગને વધારે મજબૂત કરે છે. બોલિંગમાં બંને ટીમોમાં કોઇ સ્ટાર બોલર નથી. હૈદરાબાદ સામે સમરસેટના બોલર્સને સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ ઓલરાઉન્ડર્સને જોતાં ત્રિનિદાદ અને ટોબેગોનું પલ્લું ભારે જણાય છે.
રોયલ ચેલેન્જર્સ માટે આજે જીતવું જરૂરી
કેપ કોબ્રા સામે પોતાની પ્રથમ મેચમાં પરાજયનો સામનો કર્યા બાદ સ્થાનિક ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર તથા ન્યૂઝીલેન્ડની ઓટેગો વોલ્ટ્સ સોમવારે ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આમનેસામને થશે ત્યારે બંને ટીમો વિજય મેળવીને પોતાના અભિયાનને જીવંત રાખવાનો પ્રયાસ કરશે.
આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ પર રાત્રે ૮:૦૦ કલાકે જીવંત પ્રસારણ કરવામાં આવશે. અનિલ કુંબલેની રોયલ ચેલેન્જર્સ અને ક્રેગ કમિંગની ઓટેગો વોલ્ટ્સને પ્રથમ મેચમાં પરાજય મળ્યા બાદ સ્પર્ધામાં જીવંત રહેવા માટે વિજય મેળવ્યા સિવાય કોઇ વિકલ્પ નથી. કોબ્રા સામે રોબિન ઉથપ્પા અને રોઝ ટેલરે સારી બેટિંગ કરી હતી. આ ઉપરાંત દ્રવિડ, કોહલી, કાલિસ અને બાઉચરની હાજરીના કારણે બેંગલોરની બેટિંગ લાઇનઅપ વધારે મજબૂત જણાય છે પરંતુ બેંગલોરની ટીમને તેનું બોલિંગઆક્રમણ ચિંતા અપાવે તેવું છે.