ચેમ્પિયન્સ લીગ : સસેક્સનો ૩૫ રનથી પરાજય, હેનરિક્સનો ઓલરાઉન્ડ દેખાવ
મોઝીક હેનરિક્સના ઓલરાઉન્ડ દેખાવની મદદથી ન્યૂ સાઉથ વેલ્સ ટીમે ઇંગ્લેન્ડની સસેકસ શાર્ક્સ ટીમને ગ્રૂપ-બીની લીગ મેચમાં ૩૫ રનથી પરાજય આપીને ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટના સુપર-૮ તબક્કામાં પ્રવેશ કરી લીધો હતો. કેપ કોબ્રા બાદ સુપર-૮માં પ્રવેશ મેળવનાર ન્યૂ સાઉથ વેલ્સ બીજી ટીમ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ન્યૂ સાઉથ વેલ્સે બે વિકેટે ૧૩૦ રન બનાવ્યા હતા જેના જવાબમાં સસેક્સ ટીમ આઠ વિકેટે ૯૫ રન બનાવી શકી હતી.
હેનરિક્સે ૩૩ બોલમાં અણનમ ૫૧ રન બનાવવા ઉપરાંત ૨૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સસેક્સ તરફથી ઓપનર નેશે ૩૦ બોલમાં સર્વાધિક ૨૪ રન બનાવ્યા હતા. ન્યૂ સાઉથ બ્રેટ લીએ ચાર ઓવરમાં માત્ર આઠ રન આપ્યા હતા. અન્ય બોલર્સ બોલિંગર, સ્ટુઅર્ટ ક્લાર્ક, સ્મિથ તથા હોરિટ્ઝે એક-એક વિકેટ ખેરવી હતી.
અગાઉ ન્યૂ સાઉથ વેલ્સના ઓપનર વાર્નર (૧૪) તથા ડી. સ્મિથ (૨)ના આઉટ થયા બાદ હ્યુજીસ અને હેનરિકસે બાજી સંભાળીને ત્રીજી વિકેટ માટે અણનમ ૯૦ રનની ભાગીદારી નોંધાવી હતી. હેનરિકસે તેની ઇનિંગ્સમાં ત્રણ બાઉન્ડ્રી તથા બે સિક્સર ફટકારી હતી. ઓપનર હ્યુજીસે ૬૪ બોલમાં ચાર બાઉન્ડ્રી તથા એક સકિસર વડે ૬૨ રનનું યોગદાન આપ્યું હતું.
પિચ ધીમી હોવાના કારણે ન્યૂ સાઉથ વેલ્સના ઓપનર્સે સાવચેતીથી બેટિંગ કરી હતી જેના કારણે પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં માત્ર ૩૦ રન નોંધાયા હતા અને આ દરમિયાન માત્ર ત્રણ બાઉન્ડ્રી નોંધાઈ હતી.