ચેલેન્જર ટ્રોફી : વસિમ જાફર ૧૪૩, મુકુન્દ ૧૧૪, ગ્રીન સામે બંનેની ૨૬૫ની ભાગીદારી
ઓપનર અભિનવ મુકુન્દ અને વસિમ જાફરની શાનદાર સદી અને બંને વરચેની ૨૬૫ રનની વિક્રમી ભાગીદારીની મદદથી ઇન્ડિયા બ્લૂની ટીમે અહીં રમાઇ રહેલી ચેલેન્જર ટ્રોફી વન-ડે ક્રિકેટ શ્રેણીની અંતિમ લીગ મેચમાં ઇન્ડિયા ગ્રીન સામે ૫૦ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને ૩૫૧ રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો.
અહીંના વીસીએ ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી શ્રેણીમાં આ સાથે ઇન્ડિયા બ્લૂએ પોતાનો ફાઇનલ પ્રવેશ લગભગ નિશ્ચિત કરી દીધો છે. ઇન્ડિયા ગ્રીનની ટીમને મેચ જીતવાની સાથે સાથે બોનસ પોઇન્ટ હાંસલ કરવો પણ જરૂરી છે.
સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ અભિનવ મુકુન્દ અને વસિમ જાફરે ઝડપી શરૂઆત કરી હતી અને આ જોડી તોડવા માટે હરીફ સુકાની સુરેશ રૈનાએ સાત બોલરો અજમાવ્યા હતા પરંતુ ૪૧મી ઓવરના છેલ્લા બોલે તેમને સફળતા મળી હતી.ઠ
મુકુન્દ અને જાફરે પ્રથમ વિકેટ માટે ૨૬૫ રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી. જેમાં મુકુન્દે ૧૨૩ બોલમાં નવ બાઉન્ડ્રી અને એક સિકસર સાથે ૧૧૪ રન ફટકાર્યા હતા.
ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે ઝઝૂમી રહેલા મુંબઇના વસિમ જાફરે પણ આક્રમક બેટિંગ કરી હતી અને ૧૪૩ બોલમાં ૧૪૩ રન ફટકાર્યા હતા જેમાં ૧૭ બાઉન્ડ્રી અને એક સિકસરનો સમાવેશ થતો હતો.
ઓપનર્સે આપેલી શાનદાર શરૂઆતનો લાભ લઇને સુકાની ધોની અને યુસુફ પઠાણે પણ ઝડપી બેટિંગ કરી હતી અને છેલ્લા ૨૮ બોલમાં ૫૫ રન ઉમેરી દીધા હતા. ધોનીએ પાંચ બાઉન્ડ્રી સાથે ૨૫ બોલમાં ૩૪ અને પઠાણે ૧૮ બોલમાં પાંચ બાઉન્ડ્રી અને એક સિકસર સાથે અણનમ ૩૪ રન ફટકાર્યા હતા.
મુકુન્દ અને વસિમ જાફરે પ્રથમ વિકેટ માટે ૨૬૫ રનની ભાગીદારી નોંધાવીને ચેલેન્જર ટ્રોફીમાં નવો વિક્રમ નોંધાવ્યો હતો. અગાઉ ૨૦૦૪-૦૫માં મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારત સિનિયર તરફથી રમતા ધોની અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે ૧૮૭ રનની ભાગીદારી નોંધાવી હતી. એ વખતે ધોની અને ધવન બંનેએ સદી ફટકારી હતી.