HomeSpotlightSpecial Articles Special Articles

શમ્સ પટેલને શ્રેષ્ઠ બાળ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર

વર્ષ 2008ના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ફિલ્મ 'ફેશન'માં ઉત્કૃષ્ટ અભિનય આપવા બદલ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જાહેર કરાયો છે.

જ્યારે કંગના રાણાવતને 'ફેશન' માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર જાહેર કરાયો છે. મરાઠી ફિલ્મ 'જોગવા' માટે અભિનેતા ઉપેન્દ્ર લિમયેને શ્રેષ્ઠ અભિનેતાનો અને અર્જુન રામપાલને ફિલ્મ 'રોક ઓન'ના અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોગવાને સામાજિક સરોકાર માટેની ફિલ્મનો એવોર્ડ પણ અપાયો છે.

બંગાળી ફિલ્મ ફિલ્મ 'અંતહિન'ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જાહેર કરાયો છે. અનિરૂદ્ધ રૉય ચૌધરીએ ફિલ્મ 'અંતહિન'નું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મમાં રાહુલ બોઝ અને શર્મિલા ટાગોર ઉપરાંત અપર્ણા સેન અને રાધિકા આપ્ટેએ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. જ્યારે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ બાલાને આપવામાં આવ્યો છે. તેમણે આ એવોર્ડ ફિલ્મ 'નાન કાદાવલ' માટે જીત્યો છે.

શ્રેષ્ઠ મનોરંજક ફિલ્મનો પુરસ્કાર 'ઓય લક્કી ઓય'ને જાહેર કરાયો છે. ધન માટેની માનવીની લલાસાં પર કટાક્ષ કરવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. દિગ્દર્શનક્ષેત્રે પદાર્પણ માટેનો એવોર્ડ ફિલ્મ 'અ વેન્સડે'ને જાહેર કરાયો છે. કન્નડ ફિલ્મ 'ગુબ્બાચીગાલુ'ને શ્રેષ્ઠ બાળ ફિલ્મ જાહેર કરવામાં આવી છે.

શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકા માટેનો એવોર્ડ શ્રેયા ઘોષાલ (ફિલ્મ-અંતહિન) અને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો એવોર્ડ હરિહરન (ફિલ્મ-જોગવા) માટે જાહેર કરાયો છે. સ્પેશ્યલ ઇફેક્ટ્સનો એવોર્ડ 'મુંબઇ મેરી જાન'ને જાહેર કરાયો છે. મલયાલમ ફિલ્મ 'બાયોસ્કોપ'ને સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ અને હિંદી ફિલ્મ 'થેન્કસ મા' માટે શમ્સ પટેલને શ્રેષ્ઠ બાળ કલાકારના પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે.