
Spotlight
Special Articles Special Articles ષડ્યંત્ર સફળ થાય તો ૧૪૦ સહકારી બેંકોને ખતરો : અંદાજે રૂ. ૮૦૦થી રૂ. ૧૦૦૦ કરોડના નુકસાનનો અંદાજ
માધવપુરા બેંકના ડિફોલ્ટર્સની એક ટોળકી આ સહકારી સંસ્થાનું પુન: રિવાઈવલ ન થાય અને ફડચામાં જાય એ હેતુથી એડીથી માંડીને ચોટીનું જોર લગાવી રહી છે. કેન્દ્રની એક લોબી પણ આ ષડયંત્રમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. માધવપુરા બેંક જો ફડચામાં જશે તો ગુજરાતની ૧૪૦ સહકારી બેંકોને કમ સે કમ ૮૦૦થી ૧૦૦૦ કરોડનું નુકસાન થશે અને ગુજરાતની સહકારી બેંકોનો કદાચ મત્યુઘંટ વાગવાની શરૂઆત થશે.
માધવપુરા બેંક બંધ પડી ત્યારે ૧૬૫ સહકારી બેંકોનાં નાણાં એમાં જમા હતાં અને એ તબક્કે જો બેંક ફડચામાં જાય તો નોન પર્ફોમિંગ એસેટ્સ(એનપીએ)ને પગલે લગભગ તમામ બેંકો ફડચામાં જાત. કારણ કે મહદઅંશે બેંકો પાસે આ મરણતોલ ફટકો ઝીલવાની આર્થિક તાકાત નહોતી. એ તબક્કે ગુજરાતના સહકારી આગેવાનોએ માધવપુરા બેંકના રિવાઈવલ માટે દરખાસ્ત રચી હતી. આ દરખાસ્તને હાઈકોર્ટ અને રિઝર્વબેંકે મંજૂરી આપી હતી.
જેના પરિણામે રાજ્યની દરેક સહકારી બેંકોએ માધવપુરા બેંકમાં ચાર ટકા ડિપોઝિટ મૂકી હતી અને અંદાજે ૬૯૦ કરોડની રકમ જમા થતાં આ બેંક પુન: નવપલ્લવિત થાય એવી સંભાવના બળવત્તર બની હતી. એ તબક્કે એવી ગણતરી હતી કે સિકયોરિટીની લે-વેચની આવક વધશે પરંતુ એ ગણતરી ખોટી પડી. ત્યાર બાદ કેતન પારેખ સહિતના ડિફોલ્ટરોએ વ્યાજ સહિત અંદાજે ૧૩૦૦ કરોડની ચુકવણીમાં ધાંધિયા કર્યા. પરિણામે આજ સુધી બેંકનું રિવાઈવલ શકય બન્યું નથી અને હવે એક ટોળકી આ બેંકને ફડચામાં લઈ જવા કારસો રચી રહી છે.
જો માધવપુરા બેંક હાલના તબક્કે ફડચામાં જશે તો જે બેંકોએ માધવપુરામાં નાણાં રોકયાં છે તેમની રકમ ડૂબશે. આ ઘટનાક્રમને પગલે આવનારા ૬થી ૭ મહિનામાં કમ સે કમ ૬૦થી ૭૦ બેંકોનું અસ્તિત્વ જોખમાય બલકે ફડચામાં જવાની નોબત આવે. માધવપુરા બેંકને ફડચામાં લઈ જવાનું મેઈન રિએકશન અંતે તો સહકારી બેંકો માટે ડેથવોરંટ સાબિત થશે અને ગુજરાતમાં પગદંડો જમાવવા ઇરછતી ખાનગી બેંકોને જલસા થઈ જશે. માધુપુરાના હજારો ડિપોઝિટરોને ૧૧૦૦ કરોડ જેટલી રકમ ચૂકવવાની બાકી છે એ વાત પર પૂર્ણવિરામ મુકાશે.
એક લાખથી ઉપરની ડિપોઝિટવાળા ગ્રાહકોને હજી માત્ર ૪૮ પૈસા લેખે ચુકવણી થઈ છે તેઓને બાકી લેણાં મેળવવાની વાત કદાચ ભૂલી જવી પડશે. માધુપુરાનો નેગેટિવ લોસ આજની તારીખે ૧૩૦૦ કરોડનો છે અને આ ખાડો પૂરવાનું કામ લગભગ અસંભવ થઈ જશે. ગુજરાતમાં એક તરફ છેલ્લા દસ વર્ષમાં ૬૦ બેંકો બંધ થઈ ચૂકી છે. ત્યારે બીજી બાજુ ક્રમશ: સહકારી બેંકો પરત્વે વિશ્વાસ પુન: બંધાઈ રહ્યો છે. ૧૯૯૮ની સરખામણીમાં ૨૦૦૮માં સહકારી બેંકોની ડિપોઝિટમાં ૧૯૦૦ કરોડનો વધારો થયો છે ત્યારે માધુપુરા બેંકને ફડચામાં લઈ જવા કેટલીક મોટી માછલીઓ સફળ થશે તો સહકારી બેંકો માટે આ દુઘટર્ના ઊટની પીઠ પરના આખરી તણખલા સમાન પુરવાર થશે.
ડિફોલ્ટરોની વ્યૂહરચના : લિકિવડેટર લાવો
માધવપુરા બેંકમાં કરોડો રૂપિયા ન ચૂકવનાર ડિફોલ્ટરો ઇચ્છે છે કે જો આ બેંક ફડચામાં જાય તો કેન્દ્ર સરકારને લિકિવડેટર (ફડચા અધિકારી) નીમવાની ફરજ પડે. સહકારી ક્ષેત્રનો અનુભવ પુરવાર કરે છે કે ફડચા અધિકારીને યેનકેન પ્રકારેણ મેનેજ કરી શકાય છે. જ્યારે હાલના બોર્ડમાં સાત સભ્યોને મેનેજ કરવાનું કામ અઘરું છે. કેતન પારેખનો કેસ સુપ્રીમ કોર્ટમાં પડતર છે અને હાલમાં તે દીકરીની માંદગીના મુદ્દે અદાલતની મંજૂરીથી લંડન ગયો છે.