
Spotlight
Special Articles Special Articles
ભાસ્કર જૂથના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલે ગુજરાતમાં ભાસ્કરની સફળતાનો યશ ગુજરાતના લોકોને આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આવ્યા ત્યારે અમે ગુજરાતી ભાષા ભલે જાણતા ન હતા પરંતુ લોકોની ભાવનાને બખૂબી જાણતા હતા. સમગ્ર ભાસ્કર જૂથની સફળતામાં ગુજરાતના યોગદાનને અતિ મહત્વનું ગણાવતા તેમણે કહ્યું કે, ભાસ્કર જૂથે આજે જે શિખરો સર કર્યાં છે તે ગુજરાત વિના અશક્ય હતું.
ગુજરાતની પ્રજા, વાચકોએ ભાસ્કરને દિલથી સ્વીકાર્યું તેનો ઋણસ્વીકાર કરતાં રમેશચંદ્રએ કહ્યું કે, આ ઋણ ક્યારેય ચૂકવી શકાય તેમ નથી. ગુજરાતમાં ભાસ્કર જૂથને સાંપડેલી સફળતાથી પ્રેરાઈને નવા સાહસનો પ્રારંભ ગુજરાતથી કરવાના નિશ્ચયનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, આ સંકલ્પના ભાગરૂપે આ પ્રિન્ટિંગ યુનિટનો પ્રારંભ અમદાવાદથી કરવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતની પ્રજામાં રહેલી ઉધોગસાહસિકતાને બિરદાવતાં તેમણે કહ્યું કે, તેને કોઇ રોકી શકે તેમ નથી. નર્મદા યોજનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, રાજકીય ઝઘડાને કારણે ૧૯૬૨માં શરૂ થયેલી આ યોજના સતત લંબાતી આવી છે અને તેના કારણે ગુજરાત અને મઘ્યપ્રદેશ બંને રાજ્યોને નુકસાન થયું છે. ભાસ્કર જૂથ દ્વારા પત્રકારત્વ હોય કે, ટેક્નોલોજી કે પછી કોઈ પણ સામાજિક મુદ્દો ગુજરાતના હિતમાં હંમેશાં નવા પ્રયોગો અને હકારાત્મક વલણ દાખવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ચેરમેનશ્રીએ તમામ મહેમાનોને ખામીઓ પ્રત્યે વિનાસંકોચે ઘ્યાન દોરવાનું આહ્વાન કરીને ખામીઓ સુધારવાની ખાતરી આપી હતી.
સતત બદલાતા રહેતાં સમય અને નવા પરિવર્તનો માટે ખુલ્લું મન રાખીને લોકોના સાથ અને સહકારથી આ પરિવર્તન સાથે કદમ મિલાવતા રહેવાની નેમ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં દિવ્ય ભાસ્કરના મેનેજીંગ એડિટર અને સીઈઓ જગદીશ શર્મા અને ગુજરાત સ્ટેટ એડિટર અજય ઉમટે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા, જ્યારે બિઝનેસ હેડ ધર્મેન્દ્ર મિશ્રાએ આભાર વિધિ કરી હતી.
વિક્રમ ભાસ્કર જૂથ દ્વારા અમદાવાદમાં અતિઆધુનિક વલ્ર્ડકલાસ પ્રિન્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન શનિવારે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તસવીરમાં (ડાબેથી) વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટ, દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડિટર અજય ઉમટ, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ભાસ્કર જૂથના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલ, કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલ, કેન્દ્રના વીજ રાજ્યપ્રધાન ભરતસિંહ સોલંકી, ભાસ્કર જૂથના ગુજરાતના સીઓઓ અને મેનેજિંગ એડિટર જગદીશ શર્મા અને સ્ટેટ બિઝનેસ હેડ ધર્મેન્દ્ર મિશ્રા દ્રશ્યમાન થાય છે.