
Spotlight
Special Articles Special Articles
ઊઝામાં બિરાજેલાં જગતજનની મા ઉમિયાનાં દર્શન હવે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર દેશ અને વિદેશના માઈભકતો કોઈ પણ સ્થળેથી કરી શકે તે માટે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા માતાજીના ગર્ભગૃહમાં ઓનલાઇન વેબ કાસ્ટિંગ કરવા માટે કેમેરા ગોઠવી આગામી એક-બે દિવસમાં જ આ કામગીરી પૂર્ણ કરાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેથી આ કામગીરી પૂર્ણ થતાંની સાથે જ લોકો હરહંમેશ માઉમિયા.કોમ પર કિલક કરીને ગર્ભગૃહમાં બિરાજમાન ઉમિયા માતાજીનાં દર્શન ધેરબેઠાં કરી શકશે.
માતાજીના ૧૮મી શતાબ્દી રજતજયંતી મહોત્સવને લઈને સૌકોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, ત્યારે ઊઝામાં બિરાજેલાં મા ઉમાનાં દર્શન વિશ્વના કોઈપણ ખૂણાનો શ્રદ્ધાળુ પોતાના ધેરબેઠાં કોમ્પ્યુટરની કિલક કરીને કરી શકે તેવું આયોજન શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા કરાયું છે. આ માટે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા માતાજીના ગર્ભગૃહનું ઓનલાઇન વેબ કાસ્ટિંગ કરવાની વ્યવસ્થા કરાઈ છે.
જે એક-બે દિવસમાં કાર્યરત્ થઈ જતાં ઇન્ટરનેટની વ્યવસ્થા ધરાવતા કોઈ પણ કોમ્પ્યુટરમાં મા ઉમિયા.કોમ (maaumiya.com) વેબસાઇટ ખોલ્યા બાદ તેના હોમપેજ ઉપર આવેલા લાઇવ દર્શન ઓપ્શન ઉપર કિલક કરવાથી એક વિન્ડો ઓપન થશે. જેમાં ઊઝામાં આવેલા ઉમિયા માતાજીના ગર્ભગૃહમાંથી માતાજીનાં લાઇવ દર્શન કરી શકાશે. આ માટે સંસ્થાન દ્વારા મંદિરના ગર્ભગૃહમાં એક કેમેરા લગાવાયો છે. જેમાં ઝીલાયેલું દ્રશ્ય નેટવર્ક કેબલ મારફતે સંસ્થાનના કાર્યાલયમાં મૂકેલા ખાસ સર્વર ઉપર જશે અને બાદમાં તેનું બે એમબીપીએસ બેન્ડવિથવાળા બ્રોડબેન્ડ કનેકશનથી વેબ કાસ્ટિંગ થશે.
મહોત્સવનું પણ સાત દિવસ માટે વેબકાસ્ટિંગ કરાશે
૧૮મી શતાબ્દી રજતજયંતી મહોત્સવનું પણ સાત દિવસ સુધી ઓનલાઇન વેબકાસ્ટિંગ કરાશે, જે માટે ઉમિયાનગર ખાતે બે કિ.મી. જેટલી લંબાઈનો કેબલ નાખીને બીએસએનએલમાંથી આઠ એમબીપીએસ બેન્ડવિથ વાળું બ્રોડબેન્ડ કનેકશન મેળવાયું છે. લાઇવ ટેલિકાસ્ટ માટે મુકાયેલા વિવિધ કેમેરામાંથી દ્રશ્યો પસંદ કરીને કંટ્રોલ રૂમમાં મૂકેલા સર્વર ઉપરથી આ મહોત્સવનું ઓનલાઇન વેબકાસ્ટિંગ કરાશે.
ધર્મોત્સવ માટે એનઆરઆઇમાં થનગનાટ
અમેરિકાસ્થિત નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન-અમેરિકન એસો.ના પ્રેસિડેન્ટ સી.કે. પટેલે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘મા ઉમિયાના ધર્મોત્સવને લઈ અમેરિકામાં વસતા ગુજરાતી પાટીદાર પરિવારોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. મેકનસિટીમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરે આ અંગે મિટિંગ પણ મળી હતી. જેમાં અનેક પરિવારો આ ઉત્સવ દરમિયાન હાજરી આપવા તલપાપડ બન્યા છે.
મહ્દઅંશે એનઆરઆઇ તા. ૨૨થી ૨૭ નવેમ્બર સુધી વતન પહોંચી જવાની ધારણા છે. દરમિયાન ઊઝાના આંગણે પધારનાર એન.આર.આઇ. માઈભકતોને આવકારવા અને તેમને રહેવા-જમવા સહિતની સુવિધા પૂરી પાડવાનું સુંદર આયોજન પણ થઈ ચૂકયું છે. આ બાબતે ઉતારા કમિટીના ચેરમેન નીતિનભાઈ નરોત્તમદાસ પટેલે જણાવ્યું હતું કે, અહીં ૫૦થી વધુ સ્પે. રૂમની સગવડ એન.આર.આઇ. માટે કરવામાં આવી છે.