HomeSpotlightSpecial Articles Special Articles

ઉમર ૫ વર્ષની, બીમારી પંચાવનની

હાર્ટ એટેક આવવાની સરેરાશ ઉમર ૫૫-૬૦ વર્ષથી ઘટીને ૪૦-૪૫ થઈ ગઈ



boyસુરતમાં આજકાલ વૃઘ્ધોની બીમારી બાળકોમાં જોવા મળે છે. તબીબોના તારણ પ્રમાણે બાળકોની છેલ્લાં ૧૦ વર્ષમાં બદલાયેલી લાઇફ સ્ટાઇલ આના માટે જવાબદાર માનવામાં આવે છે. આ સ્થિતિ માત્ર સુરતમાં નથી બધે જ જોવા મળે છે.



ગુરુવારે અમદાવાદમાં ૧૨ વર્ષની એક વિધાર્થિનીનું હૃદયરોગના હુમલાને કારણે મોત થતાં તબીબો પણ અચંબામાં મૂકાઈ ગયા, કારણ કે ૧૨ વર્ષની ઉમરે હાર્ટ એટેક આવવાની શકયતા બહુ જ જૂજ હોય છે. બાળકોને હાર્ટએટેક કેમ આવી શકે? તે અંગે સુરત શહેરના તબીબોએ બે અલગ અલગ તારણો રજૂ કર્યા હતાં, જેમાં એક કારણ એ હતું કે છેલ્લાં ૧૦ વર્ષમાં બાળકોમાં ૫૦૦ ટકાથી વધુ મેદસ્વીપણું વઘ્યું છે અને બીજું તારણ એ હતું કે કેટલાંક બાળકોને કાવાસાકી ડીસીઝ થાય છે ત્યારે તેમની ધમની પાતળી થઈ જાય છે, આ કારણે હાર્ટએટેક આવી શકે. આ બંને પરિસ્થિતિ છેલ્લાં ૧૦ વર્ષમાં લાઇફ સ્ટાઇલ ચેઇન્જને કારણે જ ઊભી થઈ છે.



શહેરમાં દરરોજ સરેરાશ પાંચ લોકોને હૃદયરોગનો હુમલો થાય છે



દર મહિને પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ૧૦, નવી સિવિલ હોસ્પિટલમાં ૧૫ અને શહેરની અન્ય હાર્ટ હોસ્પિટલ્સ અને અન્ય ખાનગી હોસ્પિટલો મળી શહેરમાં ૧૫૦થી વધુ લોકો હાર્ટ એટેકને કારણે એડમિટ થાય છે એટલે કે લાઇફ સ્ટાઇલ ચેઇન્જને કારણે હાલ શહેરમાં દરરોજ સરેરાશ પાંચ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે.



કેસ-૧



અડાજણ ખાતે રહેતી ૬ માસની રૂચિ (નામ બદલ્યું છે)ને કાવાસાકી ડીસીઝ થયો હતો. અન્ય ખાનગી તબીબો પાસે દવા કરાવ્યા બાદ પણ તેને સારું થયું ન હતું. તેના લક્ષણ કાવાસાકી ડીસીઝના જણાઈ આવતાં તેનો ઇલાજ તે મુજબનો કરવામાં આવ્યો હતો અને આજે આ બાળકી સ્વસ્થ છે. જો આ બાળકીને કાવાસાકી ડીસીઝ થયો હોવાની જાણ ન થઈ હોત તો બાળકીને હૃદયરોગનો હુમલો આવ્યો હોત અને તેને કેમ આવું થયું તે કોઈ જાણી પણ શકયું ન હોત.



કેસ-૨



અઠવા લાઇન્સ ખાતે રહેતા નવીન પટેલ (નામ બદલ્યું છે)ને સિગારેટ પીવાની ટેવ હતી, તે એટલી હદે સિગારેટ પીતો ન હતો કે તેને હાટર્ એટેક આવી શકે. છતાં તેને હાર્ટ એટેક આવ્યો અને અઠવા લાઇન્સ સ્થિત એક હાર્ટ હોસ્પિટલમાં તેને સારવાર લેવાની ફરજ પડી હતી. જે અંગે તબીબે જણાવ્યું હતું કે સિગારેટ પિવાને કારણે તેને હાર્ટ એટેક આવવાની સંભાવનામાં વધારો થયો છે પરંતુ તેને હાર્ટ એટેક આવવાનું મૂળ કારણે તેનો ખોરાક અને તેની લાઇફ સ્ટાઇલ છે.



૧૦ વર્ષમાં બાળકોમાં ૫૦૦ ટકા મેદસ્વીપણું વઘ્યું



સુરત : છેલ્લા ૧૦ વર્ષમાં લોકોની લાઇફ સ્ટાઇલમાં ઘણો મોટો ફેર આવ્યો છે, જેમાં વાત કરવાથી માંડીને લોકોના ખાવા-પીવામાં પણ મોટો ફેર પડયો છે. લોકોના ખાવા-પીવામાં જે ફેર પડયો છે તેની આડ કેટલી છે તે ડાયાબિટિસ, બ્લડ પ્રેશર અને હૃદયરોગના હુમલાઓના વધેલા કિસ્સાઓ પરથી ખ્યાલ આવે તેમ છે.



૧૦ વર્ષ પહેલાની વાત કરીએ તો જે લોકોને હાર્ટ એટેક આવતો હતો તેવા દર્દીઓની ઉમરની સરેરાશ ૫૫-૬૦ હતી, જયારે હાલની વાત કરીએ તો હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા તો વધી જ છે પરંતુ લાઇફ સ્ટાઇલ ચેઇન્જને કારણે નાની ઉમરે એટલે કે હવે હાર્ટ એટેકના દર્દીઓની ઉમરની સરેરાશ ઉમર ૪૦-૪૫ વરચે આવે છે.



લાઇફ સ્ટાઇલ ચેઇન્જને કારણે બાળકો પર જે અસર પડી છે તે પણ ઘણી ચિંતાજનક છે. છેલ્લાં ૧૦ વર્ષ પહેલા બાળકોમાં જે રીતે મેદસ્વીપણું જોવા મળતું હતું તેની ટકાવારી ૫૦૦ ટકાને પાર કરી ગઈ છે. ઉદાહરણ તરીકે ૧૦ વર્ષ પહેલા ૧૦૦માંથી એક બાળક મેદસ્વીપણું ધરાવતું હોય તો હવે એવી પરિસ્થતિ છે કે ૧૦૦માંથી પાંચ બાળકો મેદસ્વીપણાથી પીડાઈ રહ્યા છે.



જે અંગે શહેરના ઇન્ટવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. પ્રવીણ કાહલેએ જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિ માટે બાળકોને અપાતા પેક ફૂડ જવાબદાર હોય છે. જેને કારણે બાળકોમાં મેદસ્વીપણું વધે છે. આવો ખોરાક વધુ પ્રમાણમાં આપવામાં આવે તો બાળકોને ડાયાબિટીસ, બ્લડપ્રેશર અથવા તો હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે.



કાવાસાકી ડીસીઝને લીધે હાર્ટ એટેક આવી શકે



સુરત : બાળકોને હૃદયરોગની બીમારી જન્મજાત હોય અને તેને જ કારણે જ કોઈ તકલીફ થાય એવું જરૂરી નથી. બાળકને કાવાસાકી ડીસીઝ નામનો રોગ થાય અને તબીબ તેને સમયસર જાણી નહીં લે તો આ રોગ બાળકને હૃદયરોગના હુમલા સુધી દોરી શકે છે.



નાના બાળકને કાવાસાકી ડીસીઝ થયું હોય તો તેને બે અઠવાડિયા સુધી તાવ રહે છે, જીભ લાલ થઈ જાય છે, ગળામાં ઇન્ફેકશન થાય છે અને દવા આપ્યા બાદ પણ તે સારું થતું નથી.



આવા સમયે જો તબીબ કાવાસાકી ડીસીઝને જાણી ન શકે તો બાળકને હૃદયરોગનો હુમલો થઈ શકે છે. કાવાસાકી ડીસીઝ વિશે ડો. નર્મિલ ચોરારિયાએ જણાવ્યું હતું કે તેનો સમયસર ઇલાજ ન થાય તો ધમની પાતળી થઈ જાય છે જેના કારણે હૃદયરોગનો હુમલો થયો હોય તેવાં લક્ષણો બાળકોમાં દેખાય છે.