HomeSpotlightSpecial Articles Special Articles

ગાંધીજીનો ફોટો વાપરવો છે? જર્મનીના પીટરને રોયલ્ટી ચૂકવો!

- વિશ્વમાં ગાંધીજીના ફોટાનું સૌથી વધુ કલેકશન પોતાની પાસે હોવાનો વિધાપીઠમાં રોકાયેલા પીટરનો દાવો

- પીટર ગાંધીવાદી હોય તો તે વસ્તુઓની કિંમત શા માટે વસૂલે છે? : સુદર્શન આયંગર



ગત માર્ચ મહિનામાં જ્યારે મહાત્મા ગાંધીની કિંમતી ચીજોની એન્ટિકોરમ ઓકશન દ્વારા લિલામી કરવામાં આવી ત્યારે લિકર બેરોન વિજય માલ્યાએ રૂ. ૮ કરોડ જેવી રકમ ચૂકવીને તેને ભારતમાં લાવી હતી. એ ચીજોની માલિકી ધરાવતા અમેરિકન જેમ્સ ઓટિસે લિલામી યોજી હતી.



Petter



ઓટિસે આ વસ્તુ જે વ્યકિત પાસેથી ખરીદી હતી તે જર્મન નાગરિક પીટર રૂહ હવે ગાંધીજીની ચીજો પરનો તેમનો દાવો રજૂ કરી રહ્યાં છે અને તેને માટે રોયલ્ટી પણ માગી રહ્યાં છે. એટલે હવે જો ગાંધીજીનો ફોટો વાપરવો હશે તો પણ તેની રોયલ્ટી આ જર્મન પીટરને ચૂકવવી પડશે.



વધુ આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે ગાંધીજીની વસ્તુઓનો વિવાદ વકર્યોછે તેમ છતાં સરકાર પીટરને ભારત આવતા રોકી શકતી નથી. પીટર ભારતમાં અને ગુજરાતમાં આવી ગયા છે અને ગાંધીજીની વધુ ને વધુ ચીજો મેળવવા સક્રિય થઈ ગયા છે. કોની પાસેથી આ વસ્તુઓ ખરીદવાની છે તેની યાદી પણ તેની પાસે છે.



આ વસ્તુઓ કબજે કરીને ફરી તે તેની લિલામી કરશે અને કરોડો કમાવા માટે ફરી ભારતની મુશ્કેલી વધારશે. પીટર રૂહ તો ઓટિસ કરતાં પણ આગળ વધીને નારાયણ દેસાઈના પુસ્તક ‘માય લાઈફ ઈઝ માય મેસેજ’માં બાપુનાં ચિત્રો-તસવીરો માટે રોયલ્ટીની માગણી કરી રહ્યાં છે.



ગુજરાત વિધાપીઠના વાઈસ ચાન્સેલર સુદર્શન આયંગર કહે છે કે રૂહે સત્યાગ્રહ આશ્રમમાંથી ગાંધીજી સાથે વાતો કરતી વખતે ફોટો લીધા હતા અને તેના બદલામાં તેમણે કંઈ ચૂકવ્યું પણ ન હતું, પરંતુ હવે તે આપણા જ કબજામાં રહેલાં આ ચિત્રો માટે રોયલ્ટી માગી રહ્યાં છે.



પીટર ગુજરાત વિધાપીઠમાં જ હાલ ઊતર્યા છે. પીટર કહે છે કે તેમણે ગાંધીજીના વંશજો પાસેથી ફોટો અને વસ્તુઓ ખરીધા છે. ખાસ કરીને તેમના ભત્રીજા અને ફોટોગ્રાફર કનુ ગાંધી અને તેમનાં પત્ની આભા ગાંધી પાસેથી ઘણી વસ્તુઓ ખરીદી છે. પશ્ચિમી દેશોમાં ગાંધીજી અંગે પ્રદર્શન યોજવાના બહાને કે અન્ય કોઈ રીતે તેમણે આ વસ્તુ મેળવી લીધી છે.



શનિવારે સવારે વિધાપીઠ ખાતે સંપર્ક કરાતા રૂહે કબૂલ્યું હતું કે વિશ્વભરમાં ગાંધીજીની ઓરિજિનલ ૧૨૦૦૦ તસવીરોનું સૌથી મોટું કલેકશન તેમની પાસે છે, અને હજી પણ તેમાં વધારો થઈ રાો છે. અન્ય દુર્લભ ચીજો પણ છે, જેની વિગત તે આપવા માગતા નથી. વિશ્વભરમાં હજારો લોકોને મળીને પીટરે ગાંધીજીના હસ્તે લખાયેલા પત્રો, તેમની તસવીરો અને અન્ય ચીજો ખરીધાં છે.



તે કબૂલે છે કે દર ૧૫ દિવસે તેઓ ગાંધીજીનો એક ફોટો કે કોઈ યાદગાર ચીજ મેળવે છે. તેમનો દાવો છે કે તે આ બધી વસ્તુ કંઈ નહીં તો ‘મેકડોનાલ્ડ્સને પણ વેચી દેશે, તેનાથી શું ફેર પડવાનો છે !’તે બધી વસ્તુ ગાંધીજીની માતૃભૂમિ ભારતમાં શા માટે નથી લાવતા તેવા પ્રશ્નના જવાબમાં પીટરે કહ્યું કે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ૨૧ વર્ષ રહ્યાં હતા, માત્ર ભારત જ તેમનું વતન કઈ રીતે ગણી શકાય ?



તેમણે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે ભારતમાં ગાંધીવાદી સંસ્થાઓ અને તેના કસ્ટોડિયન તેમનો વારસો જાળવી રાખવા માટે લાયક નથી અને આ કામ તે પોતે સારી રીતે કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ‘૯૦’ના દાયકામાં અમે ભારતની પાંચેય ગાંધીવાદી સંસ્થાનો સંપર્ક કર્યોહતો અને કનુ ગાંધી દ્વારા લેવાયેલી તસવીરો સાચવવા માટે કહ્યું હતું, પણ તમામે ઈનકાર કરી દીધો. નેશનલ આકાર્ઈવ્ઝે સંમતિ તો દાખવી, પણ તે બહુ લાંબી પ્રક્રિયા હતી.’



પીટરે વધુમાં કહ્યું કે ‘સાબરમતી આશ્રમની સ્થિતિ પણ જુઓ, અમૃત મોદીને જુઓ, તમને લાગે છે કે તેઓ આ બધું કરી શકવા માટે સક્ષમ છે ? તમે ગુજરાત વિધાપીઠના વાઈસ ચાન્સેલર(સુદર્શન આયંગર)ને પૂછો કે વર્ષા દાસને પૂછો, તેઓ નેશનલ ગાંધી મ્યુઝિયમને કઈ રીતે સાચવે છે તે જુઓ. તે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનું નથી. વર્ષા દાસ મ્યુઝિયમ કે પૌરાણિક બાબતોને લગતી કોઈ જ વ્યાવસાયિક લાયકાત ધરાવતા નથી.’



રૂહ પોતે વ્યવસાયે કમ્પ્યૂટર પ્રોગ્રામર છે અને ૧૯૯૮ સુધી જર્મનીમાં જાહેર સેવા સાથે સંકળાયેલા હતા. આયંગર પીટરના તમામ આક્ષેપોને ફગાવીને ગુસ્સા સાથે કહે છે કે ‘આ સંસ્થાઓ કઈ રીતે ચલાવવી તે અંગે રૂહે ટિપ્પણી કરવી હોય તો પહેલાં તો હું તેમને પૂછવા માગું છું કે તેમણે આ બધી વસ્તુઓ કઈ રીતે મેળવી. તેઓ પોતાને ગાંધીવાદી ગણાવે છે અને વસ્તુઓને ગાંધીનો વારસો ગણાવે છે, તો તેના માટે શા માટે તે કિંમત વસૂલી રહ્યાં છે ?



તેમણે લોકોને વાતોમાં પરોવીને તસવીરો લઈ લીધી. હવે તેમાંથી તેઓ કમાણી કરી રહ્યાં છે. તેઓ ગુપચુપ રીતે વિધાપીઠમાં ઘૂસી ગયા છે, તેમણે મને મળવાની પણ દરકાર કરી નથી. ’ સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈએ રુહના આક્ષેપો અંગે ટીકા કરવાનો ઈનકાર કર્યો હતો. જોકે અમૃત મોદી કહે છે કે પીટરે ગાંધીજીની તસવીરોના કલેકશન દ્વારા બિઝનેસ શરૂ કરી દીધો છે.



તેમના કામ સામે કોઈ વાંધો નથી, તેમનું કલેકશન સારું છે, પણ માત્ર તેમની પાસે જ આવી તસવીરો નથી. અન્ય લોકો પાસે પણ છે, પણ તેઓ તેની જેમ તેનો વેપાર નથી કરતા. જોકે આ તમામ આક્ષેપ-પ્રતિઆક્ષેપ વરચે પણ એ આશ્ચર્યની વાત છે પીટર પાસે પૌરાણિક વસ્તુઓ સાચવવા માટેના જેટલાં સંસાધનો છે તેટલાં ગાંધીજીનો વારસો સાચવતી ભારતની તમામ સાત સંસ્થાઓ પાસે પણ નથી.