
Spotlight
Special Articles Special Articles ૧૧૦૦૦ મે. વો.થી વધુ વીજઉત્પાદન કરવાનું આયોજન : ભરત સોલંકી
ગુજરાતમાં આગામી સમયમાં એક લાખ કરોડ રૂપિયા કરતા પણ વધુ રકમનું મૂડીરોકાણ ધરાવતા વીજ પ્રોજેક્ટોની સ્થાપના કરવાની જાહેરાત કેન્દ્રીય ઊર્જા રાજ્યપ્રધાન ભરતસિંહ સોલંકીએ કરી છે. જેના કારણે રાજ્યની વીજ ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થશે.
નવા પ્રોજેક્ટમાં મુન્દ્રા અલ્ટ્રા પાવર પ્રોજેક્ટ ઉપરાંત મીઠી વીરડી ખાતે ૬૦ હજાર કરોડ રૂપિયાના જંગી રોકાણ સાથેના છ ન્યુકિલયર પાવર પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. કરછ અને બનાસકાંઠામાં સૌરઉર્જા આધારીત બે પાવર પ્લાન્ટ પણ શરૂ કરવાનું આયોજન છે.
કેન્દ્ર સરકારે વીજઉત્પાદન વધારવા સહિતની વિવિધ યોજના અંતર્ગત ગુજરાતને રૂ. ૩૪ હજાર કરોડથી વધુની સહાય આપી હોવાનું કેન્દ્રીય ઊર્જા રાજ્યપ્રધાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે. ગુજરાતમાં ૧૧૦૦૦ મે.વો.થી વધુ વીજઉત્પાદન માટે વર્તમાન પાવર પ્લાન્ટના અપગ્રેડેશન સહિત નવા પ્રોજેકટોને કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે મંજૂરી આપી છે.
૨૦૦૯-૧૦માં દેશની વીજઉત્પાદન ક્ષમતામાં ૧૪,૫૦૭ મે.વો.નો વધારો કરવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૫,૫૧૭ મે.વો.ના પ્રોજેક્ટ કાર્યરત થઈ ગયા છે. ૧૨મી પંચવર્ષીય યોજનામાં દેશની વીજઉત્પાદન ક્ષમતામાં ૧ લાખ મે.વો.નોે લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.ખેડૂતોના જૂના કૃષિ પંપ બદલવા માટે પણ નવી યોજના પ્રાયોગિક ધોરણે ગુજરાતમાં અમલી બનશે.
અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય ઊર્જા રાજ્યપ્રધાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, કેન્દ્રીય ઊર્જા વિભાગ હસ્તકના પાવર ફાઈનાન્સ કોર્પોરેશને રૂ. ૧૭,૫૮૫, રૂરલ ઈલે.કોર્પો.એ રૂ. ૧૩,૦૭૮ જ્યારે નેશનલ પાવર ગ્રીડ દ્વારા વીજળીના ટ્રાન્સમિશન વગેરે માટે રૂ. ૪,૦૦૦ કરોડની સહાય આપી છે.
આ સહાય અન્ય રાજયોની સરખામણીએ સૌથી વધુ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ૨૦૧૨ સુધીમાં દેશના પ્રત્યેક નાગરિકને વીજળી પહોંચાડવા માટે હાલની ૧૧મી પંચવર્ષીય યોજના પૂર્ણ થાય ત્યાં સુધી વીજઉત્પાદનની ક્ષમતામાં ૭૮,૭૦૦ મે.વો.નો વધારો કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.
જે અંતર્ગત ૨૧મી ઓકટોબર, ૨૦૦૯ સુધીમાં ૧૮,૨૩૫ મે.વો.ના પ્રોજેક્ટ કાર્યરત થઈ ગયા છે. ૨૦૦૯-૧૦નો લક્ષ્યાંક ૧૪,૫૦૭ મે.વો. છે અને અત્યાર સુધીમાં ૫૫૧૭ મે.વો.ના પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યા છે. રાજીવ ગાંધી વિધુતીકરણ યોજના અંતર્ગત એનટીપીસી દ્વારા ગુજરાતને હાલમાં રૂ. ૨ પ્રતિયુનિટના ભાવે ૯૮૨ મે.વો. વીજળી આપવામાં આવતી હોવાનું તેમણે જણાવ્યું છે.
ગુજરાતના જુદા જુદા પ્રોજેક્ટ અને વર્તમાન પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધારવાના આયોજન અંગે તેમણે જણાવ્યું કે, અલ્ટ્રા પાવર પ્રોજેક્ટ અંતર્ગત કરછના મુદ્રામાં રૂ. ૨૦ હજાર કરોડના મૂડીરોકાણ સાથે ૪ હજાર મે.વો.નો પ્લાન્ટ તાતાના નેનો પ્રોજેક્ટની સરખામણીએ આ બહુ મોટો પ્રોજેક્ટ છે એમ, જણાવી તેમણે કહ્યું કે, ગુજરાતમાં આટલા જ જંગી રોકાણ સાથેનો વધુ એક પ્રોજેક્ટ સ્થાપવા માટેની દરખાસ્ત છે. આ પ્રોજેક્ટ માટે સ્થળની પસંદગી બાકી છે.
કેન્દ્ર સરકારે ખેડૂતોના જૂના કૃષિપંપ બદલવા માટે એક નવી યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્રના એક-એક જિલ્લામાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટનો અમલ કરાશે એમ, તેમણે ઉમેર્યું છે.
૫૭ તાલુકાઓમાંથી ડાર્કઝોન ઉઠાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે
રાજ્યના ૫૮ તાલુકાઓમાં ડાર્ક ઝોન ઉઠાવવા અંગે તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ડાર્ક ઝોન ઉઠાવતી ન હોવાની સર્વસામાન્ય માન્યતા પ્રવર્તી રહી છે. પરંતુ હકીકત એ છે કે, કેન્દ્ર સરકારે માત્ર ગાંધીનગર તાલુકામાં જ ડાર્કઝોન લાગુ કર્યો છે. બાકીના ૫૭ તાલુકાઓમાં ગુજરાત સરકારના કલ્પસર, નર્મદા અને પાણી પુરવઠા સહિતના વિવિધ વિભાગોએ ડાર્કઝોન લાધો છે. તેથી ડાર્કઝોન ઉઠાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
રાજ્યમાં કાર્યરત થનારા પાવર પ્રોજેક્ટ
- મુંદ્રા ખાતે અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ, રૂ. ૨૦,૦૦૦ કરોડના મૂડીરોકાણ, ૪,૦૦૦ મે.વો.
- વધુ એક અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ માટે સ્થળની પસંદગી બાકી, રૂ. ૨૦,૦૦૦ કરોડનું મૂડીરોકાણ-સંભવિત સ્થળો—છાયા (પોરબંદર), મેહરોલી (નવસારી) મોરવા (કચ્છ).
- કાકરાંપાર ન્યૂકિલયર પાવર પ્લાન્ટની ૭૦૦ મે.વો.ની ક્ષમતામાં વધુ ૧૪૦૦ મે.વો.નો વધારો કરાશે.
- મીઠી વીરડી ખાતે રૂ. ૬૦ હજાર કરોડના મૂડીરોકાણ સાથે ૬૦૦૦ મે.વો.ના છ ન્યૂકિલયર પાવર પ્રોજેક્ટ.
- કચ્છમાં સૂર્યઊર્જા આધારિત નવો પ્લાન્ટ ઊભો કરવા એનટીપીસીનું આયોજન. બનાસકાંઠામાં પણ આ પ્રકારનો બીજો પ્લાન્ટ સ્થાપવાની વિચારણા.