
Spotlight
Special Articles Special Articles
ધનતેરસના દિવસે ભૂલથી આવી ગયેલી લક્ષ્મીને સવિનય પરત કરવાનું સાહસ એક મઘ્યમવર્ગી વ્યક્તિએ કર્યું છે. પંજાબ નેશનલ બેંકમાં ખાતું ધરાવતા અને મિસ્ત્રી તરીકે કામગીરી કરતી એક વ્યક્તિના ખાતામાં ગુરુવારે ભૂલથી ૫૯.૩૦ કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા. આ વ્યક્તિએ બેંકનો સંપર્ક કરીને આ રૂપિયા ભૂલથી જમા થઈ ગયા હોવાની જાણ કરી હતી. જો કે બેંકે આ ઈમાનદાર વ્યક્તિને કોઈ પણ જાતનું ઈનામ આપવાની જાહેરાત કરી નથી.
મૂળ જયપુર જિલ્લાના દેવનચાહપુર ગામના રહેવાસી અને અમદાવાદમાં છેલ્લાં ૧૧ વર્ષથી સ્થાયી થયેલા જુગલ કિશોર ગણપતલાલ જાંગીડ મિસ્ત્રીનું કામ કરે છે. તેમની આવક મહિને ૮થી ૧૦ હજાર છે અને તેમનું પંજાબ નેશનલ બેંકની બોડકદેવ શાખામાં ખાતું છે. બુધવારે રાતપાળી કર્યા બાદ ગુરુવારે વહેલી સવારે તેઓ મજૂરોને ચૂકવવા માટે ન્યૂ કલોથ માર્કેટમાં આવેલા પંજાબ નેશનલ બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા.
તેમણે બેલેન્સ ચેક કર્યું તો તેમના ખાતા નં ૪૪૫૨૦૦૦૧૦૦૦૧૧૩૯૪માં ૫૯.૩૦ કરોડની રકમ જમા બોલતી હતી. આટલી મોટી રકમ જોઈને ગભરાઈ ગયેલા જુગલ કિશોરે બે કલાક બાદ વાણિજય ભવનમાં આવેલા અન્ય એક એટીએમમાં બેલેન્સ ચેક કર્યું હતું.
ત્યાં પણ આટલું જ બેલેન્સ બતાવતું હતું. આ ઘટનાના કારણે તેમણે પોતે જયાં કામ કરતા હતા તે વ્યક્તિ અનુજ શેખાતને આ અંગે જાણ કરી અને અનુજ શેખાતે ચાર્ર્ટડ એકાઉન્ટન્ટ પરષોતમ ખંડેલવાલને જાણ કરી. પરષોતમ ખંડેલવાલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને આ ઘટના અંગે જાણ કરી અને ચેમ્બરે પંજાબ નેશનલ બેંકને આ ઘટના અંગે જાણતા કરતાં બેંકના અધિકારીઓ દોડતા ચેમ્બર પર પહોંરયા હતા અને ભૂલ સુધારી હતી.
બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર એ.કે. રોયચૌધરીનું કહેવું છે કે, ‘વહેલી સવારે એક કલાક માટે સર્વરમાં એરર આવી જતાં આ ઘટના બની હતી. એટીએમ સર્વરમાં ટેક્નિકલ ખામી આવી ગઈ હતી. આ ખામી શોધી લેવામાં આવી છે અને ભૂલ સુધારી લેવામાં આવી છે.’ જો કે આ ભૂલના કારણે અન્ય કેટલી ફરિયાદો આવી છે અને આ ખામી કેવી રીતે સર્જાઈ તેનો કોઈ જવાબ તેમની પાસે નહોતો.