
Spotlight
Special Articles Special Articles આપણે આપણા જીવનને આપણું સરનામું આપીએ અને ખબર પડે કે તે ખૂબ અટપટું છે તો આપણે સરળ વ્યક્તિત્વ નથી ધરાવતા. મોટા મકાન અને અટપટા સરનામાથી વ્યક્તિત્વ નિખરતું નથી. વ્યક્તિત્વમાં નિખાર આવે છે સારી ઊર્જાથી, જે મળે છે વાસ્તુશાસ્ત્ર થકી.
આજે આપણે વાત કરીએ રિપલભાઇના મકાનની. મકાનનો આકાર અંગ્રેજી ‘જ’ આકારનો છે. કયારેય પણ ‘જ’ આકારનું મકાન હોય તો ઘરનું મુખ્ય દ્વાર વધારે લાંબી બાજુ પર હોય તે જરૂરી છે. વળી આ જગ્યામાં ‘જ’ ઉત્તરી ઇશાન તરફના એકસ્ટેન્શનથી બનેલો છે. તે લાભપ્રદ ગણાય, પરંતુ આ જગ્યાએ સંડાસ ન હોય તો. સંડાસના કારણે જગ્યામાં ઉદભવતી હકારાત્મક ઊર્જા ઓછી થઇ અને તન, મન, ધનના પ્રશ્નો ઉદભવે છે.
ઘરનું મુખ્ય દ્વાર નૈઋત્ય પશ્ચિમનું છે જે ઘરમાં અજંપો કરાવે. ઘરમાં રહેવાનું ગમે નહીં અને ઘર છોડી દેવાનો વિચાર આવે અથવા પડવા-આખડવાના બનાવો વધે. નૈઋત્યમાં ઓસરી ખાલીપો લાવે. દક્ષિણમાં બેઠકરૂમ યોગ્ય ન ગણાય. આના થકી ખૂબ જ ઉગ્રતા આવે. મંદિરની જગ્યા ખૂબ જ નકારાત્મક ગણાય.
વાયવ્યના બેડરૂમમાં આંતરિક વ્યવસ્થા યોગ્ય નથી. તિજોરી પૂર્વ તરફ ખૂલે તો પૈસા આવવામાં વાર થાય અને દક્ષિણ તરફ ખૂલે તો તિજોરી ખાલી થતી જાય તેથી તિજોરી માટે આ બંને સ્થાન યોગ્ય નથી. ઉત્તરના બેડરૂમમાં પણ આંતરિક વ્યવસ્થા યોગ્ય નથી. વળી, આ જગ્યાએ રહેવાથી ભૌતિકતાવાદી વિચારો વધારે આવે છે. આનાથી ક્યારેક સમાજની નજરમાં સ્વાર્થી હોવાનું પણ જણાય છે. નૈઋત્યમાં કોમ્યૂટર યોગ્ય ન ગણાય. વળી પિશ્ચમમાં મુખ રાખી કોમ્પ્યૂટર પર કામ કરવાથી ધાર્યાં પરિણામો મળતાં નથી.
રસોઇઘરનું સ્થાન યોગ્ય છે, પરંતુ રસોઇની દિશા યોગ્ય નથી. દીવાલને અડીને ડાઇનિંગ ટેબલ રાખવું યોગ્ય નથી.
સર્વ પ્રથમ સૂચન પછીના નકશામાં દર્શાવ્યા મુજબ ગોઠવણ કર્યા બાદ ઉત્તરી ઇશાન અને પૂર્વ ઇશાનમાં તુલસીના બે બે છોડ વાવી દેવા જરૂરી છે. સંડાસના દરવાજા પર ડાબેથી જમણે અને ઉપરથી ૧/૩ ઊચાઇ સુધી ચાંદીનો તાર લગાવવો. બેઠકરૂમમાં નૈઋત્યમાં વાદળી રંગ લગાવવો. વાયવ્યના બેડરૂમમાં ચાંદીના વાસણમાં ગુલાબની પાંદડી રાખવી. ઘરમાં ગૂગળ-ચંદનનો ધૂપ કરવો, પાણિયારા પર ઊભી વાટનો ઘીનો દીવો કરવો, ગુરુવારે શ્રીસૂકતમનો પાઠ કરવો. લક્ષ્મીજીને કોરા કંકુથી અભિષેક કરવો. શિવલિંગ પર પાણી, દૂધ, કેસર, ચોખાથી અભિષેક કરવો. બુધવારે સમધીના ઝાડ પર દૂધ ચડાવવું.
વાચકમિત્રો દિવાળીના તહેવારોમાં દરરોજ ઉબરો પૂજો, આસોપાલવનું તોરણ મુખ્ય દ્વાર પર લગાઓ. ઘરમાં ગૂગળનો ધૂપ કરો, દરરોજ શિવપૂજા, સૂર્યપૂજા અને લક્ષ્મીજીને કોરાકંકુથી અભિષેક કરો અને સાચા મનથી નવા વર્ષ માટે ભરપૂર સારી ઊર્જા માટે પ્રાર્થના કરો. પછી માત્ર દિવાળી જ નહીં સમગ્ર વરસ તમારી માટે તહેવારો હશે. પણ હા, તમારી આવકમાંથી દસ ટકા સારા કામમાં વાપરવાનું ચૂકશો નહીં. બસ, તો મિત્રો દિવાળીની ખૂબ ખૂબ શુભકામના અને નવા વર્ષના આપને શુભાશિષ.
