HomeSpotlightSpecial Articles Special Articles

જીવનં બિંદુ ધારણમ્...

જાતીયવૃત્તિનો સંયમ એટલે બ્રહ્મચર્ય, આ વ્યવહાર્થ ઘણો જ મર્યાદિત છે. વાસ્તવમાં તેનો અર્થ ઘણો જ વ્યાપક છે. વૃત્તિઓને બ્રહ્મ એટલે પરમાત્મા સાથે નિષ્ઠાપૂર્વક જોડવાનો ઉદ્યમ એટલે બ્રહ્મચર્ય. સુશ્રુત સંહિતા તેમજ અથર્વવેદમાં બ્રહ્મચર્યનો મહિમા વ્યક્ત થયો છે.



‘બ્રહ્મચર્યેણ તપસા દેવા મૃત્યુમુપાધ્નત’, ‘બ્રહ્મચર્યેણ તપસા રાજા રાષ્ટ્રં વિરક્ષતિ’, વગેરે. એક બાજુ બ્રહ્મચર્યને મૃત્યુને જીતવાનું ઔષધ બતાવ્યું છે, તો બીજી બાજુ તેને એક રાજા માટે રાષ્ટ્રની રક્ષાના કર્તવ્ય માટેનું કવચ કહ્યું છે. આવો જેનો મહિમા છે, તે બ્રહ્મચર્ય વાસ્તવમાં શું છે?



સમગ્ર બ્રહ્માંડમાં રયિ (પદાર્થ, પ્રકૃતિ) અને પ્રાણ (જીવશક્તિ)ની સંયોજનની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. વૃક્ષ, પશુ અને પક્ષીઓ પ્રાણને અનુકૂલ રયિ (અન્ન) ને ગ્રહણ કરતાં રહે છે. રયિને પ્રાપ્ત કરવાની પ્રાણની આ ગતિ કામવાસનાનું મુખ્ય કારણ ગણવામાં આવ્યું છે. તેથી યોગીઓ પ્રાણાયામ દ્વારા કામને જીતવાનો પ્રયાસ કરતા રહે છે.



બધી જ પ્રાચીન આઘ્યાત્મિક પ્રણાલીઓમાં બ્રહ્મચર્ય કેન્દ્રસ્થાને રહેલ છે. જૈનદર્શનના ‘બંભચરીય સુત્ત’ માં બ્રહ્મચર્યને ધ્રુવ, નિત્ય, શાશ્વત અને જિનોપદિષ્ટ ગણવામાં આવ્યું છે. બૌદ્ધદર્શનના ધમ્મપદમાં બ્રહ્મચર્યનો મહિમા છે. ખ્રિસ્તી ધર્મમાં પણ ઇવ અને આદમ દ્વારા ‘પ્રતિબંધિત ફળ’ ખાવાની વાત છે.



પ્રાચીન રોમમાં યોદ્ધાઓ માટે બ્રહ્મચર્ય અનિવાર્ય ગણવામાં આવ્યું હતું. પર્શિયાના સમ્રાટ ઝરેકસસના સમુંદર જેવા સૈન્યને માત્ર ત્રણસો ‘બ્રહ્મચારી’ સ્પાર્ટન યોદ્ધાઓએ ભારે લડત આપી હોવાની વાત ઇતિહાસના પાને નોંધાયેલી છે.



સજીવો માટે પ્રજનન સહજ અને નૈસર્ગિક પ્રવૃત્તિ છે. વનસ્પતિમાં ફૂલ ખીલવું અને તેમાંથી ફળ બનવું કે મોરનું કળા કરવું એ પ્રજનન ક્રિયાનું નૈસર્ગિક સ્વરૂપ છે. મેઘની અમીવર્ષાથી પૃથ્વીનું લીલી ચાદર ઓઢીને નવોઢાની જેમ શરમાવું એ પણ રતિ-ક્રિયા પછીના સંતોષનો મીઠો ઓડકાર છે. આ શંગારમાં સૌંદર્ય છે, બીભત્સતા નહીં. તો પછી માણસ માટે આટલો બધો અપવાદ શાથી?



મેઘ - પૃથ્વી, પશુ, પક્ષી અને વનસ્પતિ સૃષ્ટિની રતિ-ક્રિયા અને માણસની કામ-વાસનામાં શું ફેર છે? માણસની જાતીયવૃત્તિનું સ્થાન કેટલાક માનસિક આવેગોએ પચાવી પાડ્યું છે, તે મુખ્ય તફાવત છે. શરીર વિરુદ્ધના ગંભીર અપરાધોમાં નોંધપાત્ર યોગદાન માત્ર જાતીય વિકૃતિનું પરિણામ છે. આ ટકાવારી સતત વધતી રહી છે, તે દરેક જાગૃત નાગરિકે જાણવું અને સમજવું રહ્યું.



કોઇ માને કે ન માને પણ હકીકત એ છે કે યોગ - અઘ્યાત્મના પ્રવાસી માટે સંયમ એ અનિવાર્ય યમ છે. જેટલું સત્ય-અહિંસા-અસ્તેય-અપરિગ્રહનું પાલન આવશ્યક અને અઘરું છે, તેટલી જ અનિવાર્યતા બ્રહ્મચર્યની છે. આ વાત આટલી અઘરી કેમ લાગે છે? કારણ કે આપણે તેને વધુ અઘરી બનાવી છે.



ચટપટા- સ્વાદિષ્ટ ખોરાક, માંસાહાર, ડુંગળી-લસણ જેવા ગરમ પદાર્થોનો વધુ પડતો આહાર : મેગેઝિનોનાં પાનાં અને ટેલિવિઝનના સ્ક્રીન પરનાં કામુક દ્રશ્યો બળતામાં ઘી હોમે છે. મનોરંજન એટલે માત્ર સેક્સ એવી ભ્રામક માન્યતાનાં વમળોમાં કયાંક માણસ ખોવાયો છે. એટલે ‘ઉર્ધ્વરેતા’ (પોતાની પ્રજનન ઊર્જાનું રચનાત્મક ઊઘ્ર્વીકરણ કરનાર)ની વિભાવના સેકસોલોજિસ્ટોની ટીકા અને મજાકનું પાત્ર બની ગયો છે.



આપણી (પૂર્વની) વિચારસરણીની મર્યાદા એ છે કે આપણે બધું જ નૈતિકતાના ચશ્માંમાંથી નિહાળીએ છીએ અને પશ્ચિમની માનસિકતા ‘બજારુ’ છે, જેમાં દરેક વાત-વિચારનું કોમર્શિયલાઇઝેશન કરવામાં આવે છે. બંને દ્રષ્ટિકોણ અવ્યવહારુ છે. સેક્સને નીતિમત્તાના ગળણેથી ગાળવું જો મૂર્ખતા છે તો તેની માર્કેટ વેલ્યૂ ઉપજાવવી તે તો મોટો અપરાધ છે.



ખૂબ ઘ્યાનપૂર્વક પોતાના કામમાં ખૂંપી ગયા છે તેવા વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, કવિઓ, શિલ્પકારો, ચિત્રકારો કે રમતવીરો માટે બ્રહ્મચર્ય બહુ જ સ્વાભાવિક છે. જે પોતાની ભાવનાત્મક અને આઘ્યાત્મિક વિકાસની કેડીએ નિજાંનદમાં લીન છે, તેવી વ્યક્તિ માટે સંયમ બહુ અઘરી વાત નથી. સાત્ત્વિક ભોજન લેતાં અને નૈસર્ગિક જીવન જીવતા લોકોનું જાતીય જીવન પશુ-પંખી જેટલું જ પ્રકતિગત હોય છે. આવા નૈસર્ગિક જાતીય જીવનને બ્રહ્મચર્યનો બાધ નથી, એવું આપણી સ્મૃતિઓમાં પણ કહેવાયું છે.



જોકે અહીં એ વાતની સ્પષ્ટતા જરૂરી છે, કે સંયમ તરીકે બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે, પણ તેના સાહજિક રૂપમાં. બ્રહ્મચર્યના અપરિપક્વ પ્રયોગો જોખમી છે. સમજણ સાથેનો સંયમ શાંતિમાં પરિણમે. ફરજિયાત લદાયેલ યમ તનાવ અને વિકૃતિને જન્મ આપે. સ્નેહ અને સૌંદર્ય દ્રષ્ટિ દ્વારા જાતીયવૃત્તિને રચનાત્મક વળાંક મળે છે. સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ નામના ચાર યમ સાથેના જાતીય સંયમ એ સવાયું બ્રહ્મચર્ય છે, જે શુદ્ધ છે, પ્રાકતિક છે અને સુંદર પણ છે.



meditation_yoga