HomeSpotlightSpecial Articles Special Articles

કોમ્પ્લિકેટેડ ગ્રીફ: સ્નેહીજનના મૃત્યુનો આઘાત

આ માનસિક બીમારીમાં વ્યક્તિને તેના સ્નેહીજનના મૃત્યુનો વધારે પડતો આઘાત લાગે છે, જેમાંથી વ્યક્તિ જલદી બહાર આવી શકતી નથી, જે માટે સારવાર લેવી જરૂરી છે



૬૫ વર્ષની ઉમરના મહેશભાઇ શરીરે સાવ નરવા, કોઇ દવા કે ઉપાધિ નહીં, પરંતુ છ મહિના પહેલાં જયારે તેઓ ૪૪ વર્ષના લગ્નજીવન પછી વિધુર બન્યા, ત્યારથી તેમનું બ્લડપ્રેશર અને કોલેસ્ટરોલ વધારે આવે છે, તેઓ પોતે હજુ ઘરના સભ્યો સાથે હળીમળીને વાતચીત કરી શકતા નથી, ચિડાયેલા રહે છે, એકલા બેસી રહે છે અને હમણાં તો એમને હાર્ટએટેકનો હળવો હુમલો પણ આવી ગયો.



નજીકના સ્નેહીના મૃત્યુથી જે શોક તથા સંતાપની અવસ્થા ઊભી થાય છે તેને ‘ગ્રીફ’ અથવા ‘બિરીવમેન્ટ’ કહેવાય છે. સામાન્ય રીતે સંતુલિત ગ્રીફમાંથી વ્યક્તિ તબક્કાવાર સ્વસ્થ થઇ બહાર નીકળે છે જેમ કે :



‘નકારનો તબક્કો : આ તબક્કામાં વ્યક્તિને સ્નેહીના મૃત્યુનો વિશ્વાસ બેસતો નથી અને તે સ્વીકારતો નથી અને જુદી જુદી રીતે તેનો વિરોધ કરે છે. આ તબક્કો સામાન્ય રીતે થોડી મિનિટોથી લઇને બે-ત્રણ દિવસ સુધી રહે છે.



‘સ્નેહીને શોધે : આ તબક્કામાં વ્યક્તિ ગુસ્સામાં અને અકળામણમાં રહે છે કે, મારી સાથે જ આવું કેમ થયું? એવું વિચારી મૃત સ્નેહીને જુદા જુદા પ્રકારે અને માઘ્યમ વડે શોધવા પ્રયત્ન કરે છે અને આ ક્રિયા બે-ત્રણ દિવસથી લઇને મહિના સુધી ચાલી શકે છે.



‘વૈરાગ્યભાવ : વ્યક્તિ તેના મૃત સ્નેહીની યાદોને દુ:ખી થઇ વાગોળ્યા કરે છે. મૃત્યુ માટે પોતાની જાતને અને નસીબને દોષ દીધા કરે છે, તથા તેને રોજિંદી ક્રિયાઓ અને સામાજિક મેળાવડામાં ભાગ લેવાનો ઉત્સાહ નથી રહેતો. લોકોથી દૂર થતો જાય છે. આ તબક્કો સામાન્ય રીતે એક મહિનાથી લઇને ત્રણથી ચાર મહિના સુધી ચાલે છે.



‘પૂર્વવત : વ્યક્તિ પોતાનાં રોજિંદાં કાર્યો, પ્રવત્તિ તથા સંબંધો તરફ પાછી વળે છે. તેમનો ઉત્સાહ પૂર્વવત્ થતો જાય છે અને મૃત સ્નેહીની સારી યાદોને સમયાંતરે વાગોળે છે. આ તબક્કો છ મહિના પછી જોવા મળે છે.



પરંતુ જો વ્યક્તિ ઉપર જણાવેલ રીતે તબક્કાવાર બહાર ન આવે અને પ્રાથમિક તબક્કામાં જ લાંબા સમય સુધી અટકી જાય અથવા તો તેમના શોક અને સંતાપની માત્રા વધારે પડતી હોય કે જેનાથી તે વ્યક્તિને શારીરિક રોગો કે માનસિક વ્યાધિઓનો શિકાર થવું પડે તો તેને કોમ્પ્લિકેટેડ ગ્રીફ કહેવામાં આવે છે.



દર સો શોકગ્રસ્ત વ્યક્તિઓ પૈકી પાંચ-દસ વ્યક્તિઓમાં કોમ્પ્લિકેટેડ ગ્રીફ જોવા મળે છે અને તે થવાની શક્યતા વયસ્ક વ્યક્તિ, લાગણીશીલ વ્યક્તિ, અંતર્મુખી વ્યક્તિ, જૂજ સામાજિક સંબંધોવાળી વ્યક્તિ અને નાસ્તિક વ્યક્તિમાં વધારે રહે છે.



લક્ષણો :



કોમ્પ્લિકેટેડ ગ્રીફમાં જુદાં જુદાં લક્ષણો હોઇ શકે છે જેમકે



‘જયારે મૃત સ્નેહીના સંબંધો દર્દી સાથે ઘણા ગાઢ અને એકબીજા પર અવલંબિત હોય છે તથા સગાંસંબંધીનો સાથ ઓછો હોય છે ત્યારે વ્યક્તિના વર્તન તથા વિચારોમાં એક જાતની કાયમી કડવાશ, વિષાદ તથા નકારાત્મકપણું આવી જાય છે, કાયમ માટે એનો ઉત્સાહ જતો રહે છે.



‘જયારે અણધાર્યું મત્યુ થાય ત્યારે શોક અને સંતાપનાં લક્ષણો ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે તથા તેને શારીરિક બીમારી અને માનસિક વ્યાધિની અસર થાય છે, રોજિંદા કાર્યોથી લાંબા સમય માટે અળગા રહે છે.



‘જુવાન મરણમાં ઘણી વખત વ્યક્તિ લાંબા સમય સુધી તે મૃત્યુને સ્વીકારી શકતી નથી અને રડવાનું કે શોક વ્યકત કરવાને બદલે સ્તબ્ધ બની તે મૃત્યુ થયું જ નથી તેમ માનવાનો પ્રયત્ન કે વર્તન કર્યા કરે છે.
‘ઘણી વાર ઉપરના બંને ગ્રીફનાં લક્ષણો સાથે જોવા મળે છે.



‘જયારે નજીકની વ્યક્તિ મરણપથારીએ હોય અથવા એમને અસાઘ્ય રોગ હોય, જેમાં ડોક્ટર છૂટો પડ્યો હોય ત્યારે મૃત્યુ થતાં પહેલાં જ વ્યક્તિને શોક અને સંતાપનો અનુભવ થાય છે તેને એન્ટિગીપેટરી ગ્રીફ કહેવાય છે.



‘જયારે મૃત્યુની ઘટનાને એક વર્ષ પૂરું થાય અને એ દિવસ ફરી આવે ત્યારે વ્યક્તિના મનમાં મૃત સ્નેહી સાથેની લાગણીઓ ફરી તીવ્રતાથી અનુભવાય છે તેને એનીવર્સરી ગ્રીફ કહેવાય છે.



સારવાર : આપણી ભારતીય સંસ્કતિમાં મૃત્યુ સાથે સંકળાયેલ સામાજિક પરંપરાઓ જેવી કે અગ્નિસંસ્કાર, બેસણું, ગીતાપાઠ, બારમું, તેરમું વગેરે એ રીતે ગોઠવાયેલા છે કે જેમાં શોકાગ્ર વ્યક્તિ સ્નેહીના મૃત્યુને સ્વીકારે છે. બેસણા વગેરેમાં તેને સામાજિક સન્માન મળે છે.



તેરમા સુધીની ક્રિયાઓમાં સગાંવહાલાં તથા મિત્રો પાસેથી સતત હૂંફ અને સાંત્વના મળે છે, ગીતાપાઠ, પૂજા વગેરેમાંથી ધાર્મિક અને આઘ્યાત્મિક માર્ગથી શોકમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે છે, પરંતુ કોમ્િપ્લકેટેડ ગ્રીફમાં સારવાર ખૂબ જરૂરી છે. જે નીચે મુજબ છે.



‘કાઉન્સેલિંગ તથા સાઇકોથેરપી દ્વારા સ્નેહીના મૃત્યુનો સ્વીકાર, ગુમાવ્યાનો રંજ અને લાગણીઓને વ્યકત કરીને પોતાના દોષ જોવાનું અટકાવવું વગેરેનું ઘ્યાન રાખવામાં આવે છે.



‘દર્દીને પૂરતી ઊઘ મળે અને તણાવ ન રહે તે માટે હિપ્નોટિક દવાઓ અપાય છે.



‘ડિપ્રેશન કે આપઘાતના વિચારો આવતા હોય તો એન્ટિડિપ્રેસન્ટ ટ્રીટમેન્ટ ફાયદો કરે છે.



‘ગ્રૂપ થેરપી અને સેલ્ફ હેલ્પ ગ્રૂપ વ્યક્તિને હૂંફ અને સપોર્ટ પૂરાં પાડે છે.



complicated_grief